ગીતા પ્રેસ, ગોરખપુર (સ્થાપના : 1923) : સનાતન હિંદુત્વનો પ્રચાર-પ્રસાર કરતી દેશની સૌથી મોટી સેવાભાવી પુસ્તક પ્રકાશન સંસ્થા. ઉત્તરપ્રદેશના ગોરખપુરનો પર્યાય બની ગયેલી સંસ્થા.
1923ના દાયકામાં રાજસ્થાનના બે વેપારીઓ જયદયાળ ગોયન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દારે ગીતા પ્રેસ અને ‘કલ્યાણ’ સામયિકની સ્થાપના કરી. આ પ્રેસની શરૂઆત કિરાણાની એક દુકાનમાંથી થઈ હતી અને હાલ વટવૃક્ષ સમાન સંસ્થા બની ગઈ છે. જયદયાળ ગોયન્કા રાજસ્થાનના ચુરુના વેપારી કુટુંબ સાથે સંબંધિત હતા. પ્રારંભમાં પ્રેસમાં ગીતાનું જ પ્રકાશન થતું હોવાથી આ પ્રેસને ‘ગીતા પ્રેસ’ નામ આપવામાં આવ્યું. એ પછી એના દ્વારા અન્ય પ્રાચીન ધાર્મિક પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં.
આ સામાજિક પ્રયાસમાં ગોયન્કાને ગોરખપુરના ઘનશ્યામદાસ જાલને મદદ કરી. શરૂઆતમાં પ્રિન્ટિંગ મશીન અમેરિકાના બોસ્ટનમાંથી મંગાવવામાં આવ્યું હતું. 1926માં પ્રેસને નવા સ્થાને ખસેડવામાં આવ્યું. એ સમયે આ જમીનને રૂ. 10,000માં ખરીદવામાં આવી હતી. હાલ આ પ્રેસ 1.45 લાખ ચોરસ ફૂટના કૅમ્પસમાં વિસ્તરેલું છે. આ પ્રેસ દર મહિને લગભગ 80 લાખ રૂપિયા પગારપેટે કર્મચારીઓને આપે છે. હાલ આ પ્રેસમાં જર્મન અને જાપાની હાઇટેક મશીનો પર દરરોજ 16 ભાષાઓમાં 1800 પુસ્તકોની આશરે 70,000 નકલોનું પ્રિન્ટિંગ થાય છે.
ગાંધીજીએ 1927માં ગીતા પ્રેસને બે સૂચન કર્યાં – એક, સામયિકોમાં કોઈ જાહેરાત પ્રકાશિત ન કરવામાં આવે. બીજું, અન્ય કોઈ પ્રકાશનોનાં પુસ્તકોની સમીક્ષા પ્રકાશિત કરવામાં ન આવે. આ બંને સૂચનોને 100 વર્ષથી વધારે સમય સુધી જાળવી રાખવામાં આવ્યાં છે.
આનો મુખ્ય આશય સનાતન હિંદુત્વનો વિસ્તાર કરીને હિંદુ સમાજને એકતાંતણે બાંધવાનો છે. આ પ્રકાશનગૃહ અતિ સસ્તી કિંમતે સનાતન ધર્મ સંબંધિત પ્રાચીન પુસ્તકો ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરે છે. આ પ્રકાશનગૃહે ‘શ્રીમદ્ ભગવદગીતા’, તુલસીકૃત ‘રામચરિતમાનસ’, પુરાણો, વેદો અને ઉપનિષદોની કરોડો નકલોનું વેચાણ કર્યું છે. એક અંદાજ મુજબ ઈ. સ. 2014 સુધી ગીતા પ્રેસે ‘ભગવદગીતાની સાત કરોડથી વધારે નકલો તથા પુરાણો અને ઉપનિષદોની બે કરોડથી વધારે નકલોનું વેચાણ કર્યું છે.
‘હનુમાનચાલીસા’ અને ‘સુંદરકાંડ’ની કેટલી નકલો વેચાઈ હશે એનો અંદાજ બાંધવો જ મુશ્કેલ છે. લોકો સસ્તી કિંમતે આ બંને પુસ્તકોની નકલો મોટી સંખ્યામાં પોતાના સ્વજનો અને ધર્મપ્રેમીઓને ભેટમાં આપે છે. આ પ્રેસના ‘હનુમાનચાલીસા’ પુસ્તકની કિંમત ફક્ત 2 રૂપિયા છે. તેને ખિસ્સામાં કે પાકીટમાં રાખી શકાય છે. આ ઉપરાંત પોતાના સ્વજનના અવસાન સમયે તેમની યાદમાં પુસ્તક આપવા માટે પણ લોકો મોટા ભાગે ગીતા પ્રેસની ‘શ્રીમદ્ ભગવદગીતા’નો જ ઉપયોગ કરે છે.
ગીતા પ્રેસના માસિક હિંદી સામયિક ‘કલ્યાણ’ની આજે પણ બે લાખથી વધારે નકલોનું વેચાણ થાય છે. અંગ્રેજી સામયિક ‘કલ્યાણ કલ્પતરુ’ની એક લાખથી વધારે નકલો દેશવિદેશોમાં હિંદુ પરિવારોમાં પહોંચે છે. આ સામયિકોમાં સનાતન હિંદુ ધર્મ સાથે સંબંધિત વિવિધ જાણકારીઓ અને તેની પ્રાચીન વિચારસરણી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે, જોકે ગીતા વેદોનું પ્રકાશન કરતી નથી.
ઈ. સ. 2023માં આ પ્રેસની શતાબ્દીની ઉજવણી થઈ હતી. ભારત સરકારે વર્ષ 2021નો ‘ગાંધી શાંતિ પુરસ્કાર’ આ સંસ્થાને એનાયત કર્યો. ઇતિહાસકાર અક્ષય મુકુલે ગીતા પ્રેસ પર એક પુસ્તક લખ્યું છે – ‘ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિંદુ ઇન્ડિયા.’
કેયૂર કોટક