ગીતારહસ્ય (1915) : લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ભગવદગીતા વિશે મરાઠીમાં લખેલું સુપ્રસિદ્ધ ભાષ્ય. ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં તેમનો જેટલો મહત્વનો ફાળો છે તેટલું જ ઉજ્જ્વળ તેમનું વિદ્યાક્ષેત્રે પણ પ્રદાન છે. તેમણે આર્યોની મૂળ ભૂમિ, વેદાંગ જ્યોતિષ અને વેદોની પ્રાચીનતા વગેરે વિષયો પર ઘણું સંશોધનાત્મક લખાણ આપ્યું છે તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન તેમને બ્રહ્મદેશમાં માંડલેના કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા તે સમયનો સદુપયોગ કરીને તેમણે ભગવદગીતાનો તલસ્પર્શી અભ્યાસ કરીને ‘શ્રીમદ્ ભગવદગીતા રહસ્ય’ કે ‘કર્મયોગશાસ્ત્ર’ (ટૂંકમાં ‘ગીતારહસ્ય’) નામનું પુસ્તક મરાઠીમાં તૈયાર કર્યું. તેમાં ભગવદગીતામાં પ્રતિપાદિત તત્વવિચાર, ધર્મ વગેરે વિષયોની ઝીણવટપૂર્વક છણાવટ છે અને પાશ્ચાત્ય દેશોમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સમાન વિચારો સાથે તેમની તુલના કરીને બે વચ્ચેનો ભેદ પણ દર્શાવ્યો છે. ઉપરાંત ભગવદગીતાના શ્લોકોનો અનુવાદ અને તેમનું વિવરણ છે. મૂળ મરાઠીમાં લખેલ ‘ગીતા-રહસ્ય’નો અનુવાદ અનેક ભાષાઓમાં થયો છે – અંગ્રેજી, હિંદી, ગુજરાતી, બંગાળી, કન્નડ, તેલુગુ, તમિળ. ‘ગીતા-રહસ્ય’ પુસ્તક બે ભાગમાં 1915માં સૌપ્રથમ પ્રકાશિત થયું. શરૂઆતમાં જ વિસ્તૃત પ્રસ્તાવનાનાં 15 પ્રકરણ અને પરિશિષ્ટો છે અને તે પછી 18 અધ્યાયના શ્લોકોનો અનુવાદ વિવરણ સાથે.

ભગવદગીતાના શ્લોકોમાં સર્વ પ્રકારના મનુષ્યોને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપ્યો છે. તે પરથી દરેક પોતાને અનુકૂળ એવી જીવનકળા શીખી શકે અને એટલે જ ભગવદગીતાનો અર્થ પ્રમાણપુર:સર જ્ઞાનપ્રધાન, ભક્તિપ્રધાન, કર્મપ્રધાન, ધ્યાનપ્રધાન કે એવી કોઈ બીજી રીતે આચાર્યો અને અભ્યાસીઓ કરી શક્યા છે. લોકમાન્ય ટિળક ભગવદગીતાને ‘કર્મયોગશાસ્ત્ર’નું પ્રતિપાદન કરનાર મહાભારતના અંશ તરીકે સમજાવે છે અને સ્પષ્ટ બતાવે છે કે ભગવદગીતાને ઉપનિષદોના બુદ્ધિગમ્ય બ્રહ્માદ્વૈત વિચારથી પ્રકાશિત, ભક્તિમાર્ગની હૃદયસ્પર્શી ભાવનાઓથી સંવેદનશીલ એવો અનાસક્ત કર્મયોગ માન્ય છે અને તેનો ઉપદેશ આપતું શાસ્ત્ર તે છે. બુદ્ધિની તીક્ષ્ણતા અને ભક્તિની કુમાશનું સંયોજન જેની સાથે થયું હોય એવા કર્મયોગ અને અનાસક્ત કર્મપરાયણતાથી પરમતત્વની અનુભૂતિ થાય, જીવનનું પરમ રહસ્ય ર્દષ્ટિગોચર થાય.

ગીતારહસ્યનાં 15 પ્રકરણોમાં ચર્ચેલા વિષયો આ પ્રમાણે છે : (1) પ્રાસ્તાવિક, (2) કર્મજિજ્ઞાસા, (3) કર્મયોગશાસ્ત્ર, (4) આધિભૌતિક સુખવાદ, (5) સુખદુ:ખવિવેક, (6) આધિદૈવતપક્ષ અને ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર, (7) કાપિલ સાંખ્યશાસ્ત્ર કે ક્ષરાક્ષરવિચાર, (8) બ્રહ્માંડનાં સૃષ્ટિલય, (9) અધ્યાત્મ, (10) કર્મવિપાક અને આત્મસ્વાતંત્ર્ય, (11) સંન્યાસ અને કર્મયોગ, (12) સિદ્ધાવસ્થા અને વ્યવહાર, (13) ભક્તિમાર્ગ, (14) ગીતાધ્યાયસંગતિ, (15) ઉપસંહાર.

પરિશિષ્ટોમાં પ્રતિપાદ્ય છે : (1) ભગવદગીતાનું બાહ્ય પરીક્ષણ જેમાં એમ બતાવ્યું છે કે ભગવદગીતા મહાભારતનું અંગ છે, બંનેના કર્તા એક છે, પ્રક્ષિપ્ત કે પાછળથી ઉમેરેલ નથી. (2) ગીતા અને ઉપનિષદોની સરખામણી – વિચારસામ્ય, (3) ગીતા અને બ્રહ્મસૂત્રો સમકાલીન છે. અથવા બ્રહ્મસૂત્રોનો ઉલ્લેખ ગીતામાં છે તેથી બ્રહ્મસૂત્રો ગીતાથી પહેલાનાં, (4) ભાગવત ધર્મ અને ગીતા, (5) ભગવદગીતાનો સમય – અત્યારે જે સ્વરૂપે મળે છે તે શક સંવત કરતાં 500 વર્ષ પ્રાચીન હોવી જોઈએ અને તેના મૂળસ્વરૂપમાં હજુ કેટલીક સદી વધારે પ્રાચીન, (6) ગીતા અને બૌદ્ધ સાહિત્ય, (7) ગીતા અને ખ્રિસ્તીઓનું બાઇબલ. લોકમાન્ય ટિળકે ભગવદગીતા વિશે આચાર્યોએ અને અર્વાચીન વિદ્વાનોએ જે મતો પ્રદર્શિત કર્યા છે તેની ચર્ચા જરૂર જણાઈ ત્યાં સર્વત્ર કરી છે. અને આમ ‘ગીતારહસ્ય’ ભગવદગીતાના અધ્યયન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક બની રહે છે. આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ શ્રી ઉત્તમલાલ કે. ત્રિવેદીએ ‘શ્રીમદભગવદ્ ગીતા રહસ્ય અથવા કર્મયોગશાસ્ત્ર’ એ નામથી 1924માં પુણેથી પ્રસિદ્ધ કર્યો છે.

એસ્થર સોલોમન