ગીતાંજલિ (1910) : રવીન્દ્રનાથ ઠાકુરનો 157 બંગાળી ઊર્મિગીતો અને કાવ્યોનો સંગ્રહ. રવીન્દ્રનાથે એનો જાતે અંગ્રેજી અનુવાદ કરેલો; જે 1912માં ઇન્ડિયા સોસાયટી લંડન તરફથી પ્રકાશિત થયેલો. એ પુસ્તક માટે એમને 1913માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એ જ નામની સમગ્ર બંગાળી કૃતિનો એ અનુવાદ નથી; પરંતુ ગીતાંજલિમાંથી 51, ગીતિમાલ્યમાંથી 18, નૈવેદ્યમાંથી 16, ખેચમાંથી 11, શિશુમાંથી 13, અન્ય પાંચ કૃતિઓમાંથી એક એક કાવ્યોના અનુવાદનો સંગ્રહ છે. 157 કાવ્યો 1908થી 1910 વચ્ચે રચાયાં હતાં. તે પૈકી 21નો સમાવેશ તેમના નાટક ‘શારદોત્સવ’ (1908) અને ‘ગાન’-(1909)માં કરવામાં આવ્યો હતો.
‘ગીતાંજલિ’ વિશેષત: પરમાત્મા પ્રતિ જીવાત્માની ગીતોની અંજલિ છે. એમાં જીવાત્માનો પરમાત્મા જોડેનો વિવિધ પ્રકારનો ભાવ દર્શાવાયો છે. ભગવાન સહજ રીતે મળતા નથી. તેથી હતાશા તથા વિરહની તીવ્ર વેદના; અહંકારથી મુક્ત કરીને તથા દુ:ખરૂપી અગ્નિમાં તાવીને નિર્મલ કરવાની ઈશ્વરને યાચના; પ્રકૃતિ અને માનવનાં વિવિધ રૂપ-રસમાં ભગવાનનો આભાસ તથા સ્પર્શનો અનુભવ; દીનદરિદ્ર તથા નિમ્નતમ સ્તરના માનવીમાં ઈશ્વરની ઝાંખી; સીમિતમાં અસીમની અનુભૂતિ; મૃત્યુના સૌંદર્યનો અનુભવ; ઇત્યાદિ. એમાંનાં મોટા ભાગનાં ભક્તિગીતો છે, પરંતુ તે ભક્તિ પરંપરિત પ્રકારની નથી, કારણ એમાં કોઈ મૂર્તરૂપની આરાધના નથી, કોઈ ભૌતિક સુખ માટેની માગણી નથી; જલ, વાયુ જેવાં તત્વો વિના માગ્યે આપવા માટે પરમાત્માના ઋણનો સ્વીકાર છે. પોતાનાં અભિમાન તથા અહંતા આપીને બદલામાં પરમાત્માની પ્રીતિ લેવાનો નિર્ધાર છે. આ કાવ્યોમાં એક તરફ પરમાત્મા જોડે પ્રિયતમા-પ્રિયતમનો સંબંધ ર્દષ્ટિએ પડે છે તો બીજી તરફ સખ્યભાવ પણ છે. આમ જીવાત્મા અને પરમાત્માનો વિવિધ પ્રકારનો સંબંધ દર્શાવી, એને માટેની ઝંખના છે તથા એની પ્રાપ્તિથી આનંદની ચરમસીમાનું પણ એમાં નિરૂપણ છે. આ ઉપરાંત દેશપ્રેમનાં પણ કાવ્યો છે. આ ભક્તિકાવ્યોની વિશેષતા એ છે કે એમાં કોઈ પણ પૂર્વ પરંપરાનું અનુસરણ નથી, પણ એક આગવી વિશિષ્ટ પ્રકારની ગૂઢવાદી કાવ્યધારાનું એમાં દર્શન થાય છે. એમાં ભાવપ્રબળતા તથા દર્શન છે. એ ઉપરાંત, ભાવાભિવ્યક્તિ, વાણીનું માધુર્ય, ભાષા એ બધાંનો મનોહારી સમન્વય છે. ભારતની લગભગ બધી ભાષાઓમાં અને યુરોપની અનેક ભાષાઓમાં ગીતાંજલિના અનુવાદો થયા છે. ગુજરાતીમાં ‘ગીતાંજલિ’નો સૌપ્રથમ અનુવાદ મણિભાઈ હરિભાઈ દેસાઈએ 1918માં કરેલો. ત્યારપછી થયેલા અનુવાદોની વિગત આ મુજબ છે. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) 1919, કનુબહેન દવે 1919, રામચંદ્ર અધ્વર્યુ 1924, કુસુમાકર 1940, નલિન પટેલ 1942, નગીનદાસ પારેખ 1942, ધૂમકેતુ 1956, ગુરુદયાલ મલ્લિક 1958, ચંદુલાલ દવે અને રેખાબહેન નાયર 1961 તથા માવજીભાઈ સાવલા. ગીતાંજલિની કવિતા એ માત્ર બંગાળી સાહિત્યની જ નહિ પણ વૈશ્વિક કવિતા છે.
ચન્દ્રકાન્ત મહેતા