ગિલ, કે. પી. એસ. (જ. 29 ડિસેમ્બર 1934, લુધિયાના; અ. 26 મે 2017, દિલ્હી) : પંજાબ રાજ્યના પૂર્વ પોલીસ વડા તથા ઇન્ડિયન હૉકી ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ. આખું નામ કંવરપાલ સિંગ ગિલ. ઇન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં તેમણે તેમની કારકિર્દી આસામ રાજ્યમાંથી શરૂ કરી અને પ્રારંભથી જ એક ચુસ્ત અને કડક અધિકારી તરીકે નામના મેળવી. તેમણે મેઘાલય અને જમ્મુમાં પણ પોલીસ અધિકારી તરીકે સેવાઓ આપી હતી. ઉપરાંત, બી.એસ.એફ. (બૉર્ડર સિક્યોરિટી ફોર્સ) અને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ(CRF)માં પણ કામ કર્યું હતુ. 1990ના દાયકામાં પંજાબમાં વકરેલ શિખીસ્તાનની ધજા હેઠળ અલગાવવાદી પ્રવૃત્તિને કડક હાથે દાબી દેવામાં તેમણે મેળવેલ સફળતાને કારણે સમગ્ર દેશમાં તે ‘સુપરકૉપ’ ઉપનામથી સર્વત્ર જાણીતા બન્યા. અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ‘ઑપરેશન બ્લૅક થંડર II’ હેઠળ આતંકવાદીઓનો સફાયો કરવામાં તેમણે મેળવેલ સફળતાને કારણે તેમની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ હતી.

કે. પી. એસ. ગિલ

પોલીસ દળની સેવાઓમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે હૉકીની રમતમાં રસ લેવાની શરૂઆત કરી અને લાગલાગટ પંદર વર્ષ સુધી તેઓ ઇન્ડિયન હૉકી ફેડરેશનના પ્રમુખ રહ્યા. તેમની આ કારકિર્દી દરમિયાન સરમુખત્યારશાહીનાં તેમનાં વલણો માટે તે બદનામ પણ થયા; પરંતુ જે રમતમાં ભારત છેક 1928થી લગભગ 2007 સુધી વિશ્વભરમાં સર્વોચ્ચ ખ્યાતિ ધરાવતું હતું તે રમતમાં ગિલની કારકિર્દી દરમિયાન એટલી પડતી થઈ કે તે 2008ના ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની લાયકાત પણ સાબિત કરી શક્યું નથી, જેને કારણે ગિલની વિરુદ્ધમાં દેશભરના રમતગમત ક્ષેત્રમાં વંટોળ ઊભો થયો. જેના પરિણામે એપ્રિલ 2008ના અંતમાં તેમને તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને ઇન્ડિયન હૉકી ફેડરેશનનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પોલીસ વિભાગની સેવાઓમાં ગિલ કાર્યરત હતા તે દરમિયાન ઑગસ્ટ 1996માં પંજાબ સિવિલ સર્વિસના એક મહિલા અધિકારી સાથે જાહેરમાં દુર્વ્યવહાર કરવાના આરોપસર તેમને ત્રણ વર્ષની સજા અને મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો. ગિલે દંડની રકમ તો ભરી; પરંતુ તેમને ફટકારવામાં આવેલ ત્રણ વર્ષની સજા મોકૂફ રાખવામાં આવી હતી.

છતીસગઢ રાજ્યમાં વકરેલ નક્સલવાદી પ્રવૃત્તિઓને ડામવાના રાજ્યના કાર્યમાં સલાહસૂચન આપવા માટે ગિલની ખાસ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે એક સામયિક પ્રકાશિત કરતા હતા તથા ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર કોનફિલક્ટ મૅનેજમેન્ટ’ નામની સંસ્થાનું સંચાલન કરતા હતા. વર્ષ 2007માં શ્રીલંકાની સરકારે પણ આ બાબત અંગે તેમની સલાહ લીધી હતી. ‘ધ નાઇટ્સ ઑવ્ ફૉલ્સહૂડ’ (The Knights of Falsehood) નામનું પુસ્તક પણ તેમણે લખ્યું છે.

આસામના કામરૂપ જિલ્લામાં (1972) અને ફરી 1982માં આમ બે વાર તેમને ઉચ્ચકક્ષાની સેવાઓ માટે પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

તેમને ભારત સરકારે 1989માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે