ગિલાની, યુસૂફ રઝા (જ. 9 જૂન 1952, કરાચી, પાકિસ્તાન) : ફેબ્રુઆરી 2008માં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ વિરોધી રાજકીય જોડાણને દેશની સંસદમાં બહુમતી મળ્યા પછી વરાયેલા નવા પ્રધાનમંત્રી. પિતાનું નામ આલમદર હુસેન જેઓ ભાગલા પહેલાંની મુસ્લિમ લીગના નેતા હતા અને જેમણે 1950ના અરસામાં પાકિસ્તાનમાં મંત્રીપદનો અનુભવ પણ લીધેલો. તેમના દાદા પણ ભાગલા પહેલાંની મુસ્લિમ લીગના સક્રિય સદસ્ય હતા. પાકિસ્તાનની નિર્મિતિ અંગે 1940માં મુસ્લિમ લીગે જે ઠરાવ પસાર કર્યો હતો તેના પર ગિલાનીના દાદાએ અને તેમના ભાઈએ સહીઓ કરી હતી. આ રીતે યુસૂફ રઝા ગિલાનીને રાજકારણના પાઠ વારસામાં મળ્યા હતા. તેમણે પત્રકારિત્વ વિષય સાથે પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1978માં તેઓ મુસ્લિમ લીગના સભ્ય બન્યા હતા. 1983માં તેઓ મુલતાન યુનિયન કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાયા હતા. 1985માં તેઓ પાકિસ્તાનની સંસદમાં ચૂંટાયા હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી મોહમ્મદ જુનેજોના મંત્રીપરિષદમાં સામેલ થયા હતા. સમયાંતરે જુનેજો સાથે મતભેદ થતાં તેમને મંત્રીપદ છોડવું પડ્યું હતું.
જનરલ ઝિયા જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ હતા તે અરસામાં ગિલાનીએ 1988માં બેનઝિર ભુટ્ટોના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ની સદસ્યતા સ્વીકારી હતી. 1998માં તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સીનિયર વાઇસ ચૅરમૅન ચૂંટાયા હતા. ત્યારથી વર્ષ 2008ના પ્રારંભ સુધી જનરલ મુશર્રફે તેમને ખૂબ હેરાન પરેશાન કર્યા હતા, એટલું જ નહિ; પરંતુ બેનઝીર ભુટ્ટોનો સાથ છોડવા માટે તેમને ઘણાં પ્રલોભનો પણ આપવામાં આવ્યાં હતાં જેની સામે તે નમ્યા ન હતા. 1993–96ના ગાળામાં ગિલાની જ્યારે પાકિસ્તાનની સંસદના સભાપતિ હતા ત્યારે નિયમ વિરુદ્ધની નિમણૂકો કરવાના આરોપસર ગિલાનીને વર્ષ 2001માં પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. વર્ષ 2008ની શરૂઆતમાં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં મુશર્રફવિરોધી રાજકીય જોડાણને બહુમતી પ્રાપ્ત થતાં ઉપર્યુક્ત જોડાણના સર્વસ્વીકૃત (consensus) ઉમેદવાર તરીકે યુસૂફ રઝા ગિલાનીની વરણી થઈ હતી. પાકિસ્તાનના રાજકીય વર્તુળોનું માનવું છે કે ગિલાનીને બહાલ કરવામાં આવેલ પ્રધાનમંત્રી પદ એ તેમની ભુટ્ટો પરિવાર પ્રત્યે વફાદારીનું પરિણામ છે. તેમના મંત્રીમંડળમાં જોડાણમાં સામેલ થયેલા ત્રણે મુખ્ય રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે જેમાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફનો પક્ષ પણ સામેલ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે