ગિલ્બર્ટ, ગ્રોવ કાર્લ (જ. 6 મે 1843, રોચેસ્ટર, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 1 મે 1918, જેક્સન, Mich) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. ભૂપૃષ્ઠ-રચનાશાસ્ત્રના એક આદ્યપ્રણેતા. ભૂમિસ્વરૂપોની આકારિકી અને વિકાસમાં જળવાતા ગતિવિષયક સંતુલનની સંકલ્પનાની ઉપયોગિતા સર્વપ્રથમ તેમણે સમજાવી. ભૂમિસ્વરૂપોની રચના માટેની જવાબદાર પ્રક્રિયાઓ અને તે ભૂમિસ્વરૂપો જેનાથી બનેલાં છે તે ખડકોનાં બંધારણસંરચના વચ્ચેની સંતુલન જાળવણીનો ખ્યાલ ભૂમિસ્વરૂપોના તલસ્પર્શી અભ્યાસ પરથી જાણી શકાય છે. આ સંકલ્પનાનો ઉપયોગ તેમણે યૂટાના હેન્રી પર્વતો પરના ભૂસ્તરીય અહેવાલમાં તેમજ યુ.એસ.નાં પશ્ચિમી રાજ્યોના અન્ય અભ્યાસલેખોમાં રજૂ કર્યો છે. તેમની આ સંકલ્પના ભૂપૃષ્ઠશાસ્ત્રના આધુનિક સિદ્ધાંતોના વિકાસ માટે પાયાનો મુદ્દો બની રહેલો દેખાય છે. ‘ઝૂલતી ખીણો’ (hanging valleys) શબ્દ પણ તેમણે જ સર્વપ્રથમ પ્રયોજેલો.

ગ્રોવ કાર્લ ગિલ્બર્ટ

1863થી 1868 દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ માટે વૈજ્ઞાનિક સાધનો બનાવનાર અને વિતરણ કરનાર ‘વૉર્ડ નૅચરલ સાયન્સ એસ્ટાબ્લિશમેન્ટ’ કંપનીમાં સેવા આપી. 1869માં ઓહાયો રાજ્યના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતામાં સ્વૈચ્છિક મદદનીશ તરીકેનું કાર્ય સ્વીકાર્યું. 1871માં તેમને જ્યૉર્જ એમ. વ્હીલર સર્વેક્ષણ ખાતામાં મૂકવામાં આવ્યા; ત્યાંની ત્રણ વર્ષની સેવા દરમિયાન કૉલોરાડો નદીનાં કોતરોમાં, મધ્ય ઍરિઝોના અને ગિલા નદીની ખીણમાં તેમજ કૉલોરાડોથી કૅલિફૉર્નિયાના અખાત સુધી સફર કરીને વિશિષ્ટ કામગીરી તથા નિરીક્ષણો દ્વારા પુરાવા એકત્ર કરી બતાવ્યું કે યુરોપના તેમજ ઉત્તર અમેરિકાના પૂર્વ પ્રદેશોમાંના પશ્ચાત્ કાર્બોનિફેરસ સ્તરો (28 કરોડ વર્ષ પૂર્વેનો સમય) આખી દુનિયામાં વિસ્તરેલા ન હતા.

ઉચ્ચ સપાટ પ્રદેશો, રેન્જ વિસ્તાર અને થાળાં વિસ્તારોની લાક્ષણિકતાઓ દર્શાવતા બે અભ્યાસલેખો પ્રકાશિત કર્યા, જેમાં પ્લાયસ્ટોસીન કાળના બૉનવિલ સરોવરના અસ્તિત્વનું વર્ણન છે, જે અત્યારના યૂટાના ‘ગ્રેટ સૉલ્ટ લેક’નું પુરોગામી હતું, તે દર્શાવ્યું છે.

1875માં ‘જ્હૉન વેસ્લી પૉવેલ સરવે’માં તેમને મૂકવામાં આવ્યા, તેથી તે યૂટા ગયા. ત્યારબાદ યુ.એસ. જીઓલૉજિકલ સરવેની સ્થાપના થતાં, તેમાં નિમાયેલા છ ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના તેઓ એક હતા. 1884માં આ ખાતાના ઍપેલેશિયન વિભાગના વડા તરીકે તેમજ 1889માં ભૂસ્તરીય સહસંબંધ શાખાના વડા તરીકે તેમની નિમણૂક થઈ. 1892માં તે મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી તરીકેના તેમના હોદ્દા પરથી તથા તેની સાથે સંકળાયેલી ઘણી બધી વહીવટી ફરજોની સેવામાંથી, અગાઉ કરેલાં સંશોધનો અને સમસ્યાઓના ઊંડા અભ્યાસ માટે સમય ફાળવવા માટે, સ્વેચ્છાએ છૂટા થયા. ભૂસ્તરીય સરવે ખાતાએ કરેલ કાર્યોની વિગતવાર સૂચિનું આયોજન કરી આપવામાં, ભૂસ્તરીય નકશાકાર્યમાં, નકશાશાસ્ત્રમાં, તેમાં ઉપયોગી નામાભિધાનના સિદ્ધાંતોની સ્વીકૃતિમાં ગિલ્બર્ટનો મહત્ત્વનો ફાળો છે.

1877માં હેન્રી પર્વતો પરના ભૂસ્તરીય અહેવાલમાં કરેલું લૅકોલિથ પ્રકારની અંતર્ભેદિત રચનાનું વર્ણન 1890માં પ્રકાશિત કરેલ ‘ધ બૉનવિલ મૉનોગ્રાફ’ અને નાયગ્રા નદીનો ઇતિહાસ, તેમનાં વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા