ગિરિ, વી. વી. [જ. 10 ઑગસ્ટ 1894, બેહરામપુર; અ. 23 જૂન 1980, બેંગલોર (બેંગાલૂરુ)] : ભારતના વિખ્યાત મજૂર નેતા તથા દેશના ચોથા રાષ્ટ્રપતિ (1969–’74). આખું નામ વરાહગિરિ વેંકટગિરિ. પિતા તે વખતના મદ્રાસ પ્રાંતના બેહરામપુર ખાતે વકીલાત કરતા. ઉપરાંત સ્થાનિક વકીલ મંડળના નેતા હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ સ્વરાજ પાર્ટીના, કેન્દ્રીય વિધાનસભાના (1927–30) તથા ભારતીય વિધાનસભાના (1934–37) સભ્ય હતા. 1935માં મદ્રાસ પ્રાંતીય ધારાસભાના સભ્ય ચૂંટાયા હતા અને રેલવે કામદારોના મજૂર મંડળમાં સક્રિય હતા. ગિરિને આ વારસો મળ્યો હતો.

વી. વી. ગિરિ
તેમનું શાળાનું શિક્ષણ બેહરામપુર તથા ઉચ્ચ શિક્ષણ ડબ્લિન યુનિવર્સિટીમાં થયું. ત્યાં તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વદેશ પાછા ફરી બેહરામપુર ખાતે વકીલાત શરૂ કરી. આયર્લૅન્ડના નિવાસ દરમિયાન તેઓ ત્યાંના પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડી. વાલેરાના વિચારોથી પરિચિત થયા હતા. આયર્લૅન્ડની મજૂર ચળવળથી તે વિશેષ પ્રભાવિત થયેલા હોવાથી શોષિત, પીડિત વર્ગના કલ્યાણની પ્રવૃત્તિઓમાં તેમનો રસ વધતો ગયો અને એક મજૂર નેતા તરીકે તેઓ ઊપસી આવ્યા. તેઓ વકીલાત છોડી હોમરૂલ લીગ તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય બન્યા, અસહકારની ચળવળમાં ઝંપલાવ્યું અને કારાવાસ ભોગવ્યો. 1922માં અગ્રણી કામદાર નેતા એન. એમ. જોશીના સંપર્કમાં આવ્યા અને ત્યારથી મજૂર ચળવળને પોતાનું પ્રમુખ કાર્યક્ષેત્ર બનાવ્યું. 1923માં ઑલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનની સ્થાપનામાં પ્રમુખ ભૂમિકા ભજવી. 1927માં જિનીવા ખાતે યોજાયેલ ઇન્ટરનૅશનલ લેબર કૉન્ફરન્સમાં ભારતીય મજૂરોના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. 1931–32માં ગોળમેજી પરિષદમાં મજૂરોના પ્રતિનિધિની હેસિયતથી ભાગ લીધો. ઇન્ડિયન લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય તરીકે નામના મેળવી (1934–36). 1936માં મદ્રાસ પ્રાંતની ધારાસભા માટે ચૂંટાયા અને ત્યારથી તેમના કાર્યક્ષેત્રને નવો વળાંક મળ્યો. 1937માં ચક્રવર્તી રાજગોપાલાચારીના નેતૃત્વ હેઠળ તથા 1946માં ટી. પ્રકાશમના નેતૃત્વ હેઠળ રચાયેલ રાજ્ય મંત્રીમંડળમાં શ્રમમંત્રી બન્યા.
આઝાદી પહેલાં કેન્દ્રમાં વચગાળાની સરકાર સ્થપાતાં તેમને શ્રીલંકા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત તરીકે મોકલવામાં આવ્યા. 1952માં લોકસભામાં ચૂંટાયા અને 1952–54 દરમિયાન કેન્દ્ર સરકારમાં મજૂર પ્રધાનપદે કામ કર્યું. 1954ના અરસામાં મજૂરો અંગેની સરકારની નીતિની બાબતમાં મતભેદ થતાં મંત્રીપદેથી રાજીનામું આપ્યું. 1957 પછીના ગાળામાં ઉત્તરપ્રદેશ, કેરળ તથા કર્ણાટક રાજ્યોમાં રાજપાલ તરીકે કાર્ય કર્યું. 1967માં રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેનની સાથે તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. 1969માં ડૉ. ઝાકિરહુસેનના અવસાનને લીધે ભારતના કાર્યકારી પ્રમુખ બન્યા. તે અરસામાં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભાગલા પડ્યા અને ત્યારપછી રાષ્ટ્રપતિના પદ માટે જે ચૂંટણી થઈ તેમાં ઇન્દિરા ગાંધીના ટેકાથી ઉમેદવારી કરી અને ભારતના ચોથા રાષ્ટ્રપતિપદે ચૂંટાયા (1969–74).
તેમની જાહેર જીવનની કારકિર્દી દરમિયાન 1926 તથા 1942માં ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(આઇટુક)ના તથા 1958માં ઇન્ડિયન કૉન્ફરન્સ ઑવ્ સોશિયલ વર્કના પ્રમુખપદે ચૂંટાયા હતા. બનારસ યુનિવર્સિટી તથા આંધ્ર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી બહાલ કરી હતી. ભારતના રાષ્ટ્રીય જીવનમાં તેમણે ભજવેલ ભાગની કદર કરવા માટે 1975માં ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો હતો.
તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં છે : (1) ‘ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ’ (1955), (2) ‘લેબર પ્રૉબ્લેમ્સ ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ’ (1958), તથા (3) ‘જૉબ્સ ફૉર અવર મિલિયન્સ’ (1960). નિવૃત્તિ લીધા પછી તેઓ બૅંગલોર (બૅંગાલુરુ) ખાતે રહેતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે