ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ (Ginzburg, Vitaly Lagarevich) (જ. 4 ઑક્ટોબર 1916, મૉસ્કો, યુ.એસ.એસ.આર.; અ. 8 નવેમ્બર 2009, મૉસ્કો, રશિયા) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિક અને ખગોળભૌતિકવિજ્ઞાની અને એન્થની જેમ્સ લૅગ્ગેટ તથા ઍબ્રિકોસોબની ભાગીદારીમાં વર્ષ 2003ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા.
તે મૉસ્કોના યહૂદી પરિવારના સભ્ય છે. 1938માં તે મૉસ્કો સ્ટેટની ફિઝિક્સ ફૅકલ્ટીમાંથી સ્નાતક થયા. 1942માં મહાનિબંધ તૈયાર કરી ડૉક્ટર બન્યા. 1940થી તે મૉસ્કોના પી. એન. લૅબૅદેવ ફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ય કરે છે. અતિવાહકતા(super conductivity)નો ઘટનાત્મક સિદ્ધાંત, ગિન્ઝબર્ગ-લૅન્ડાવે સિદ્ધાંત, પ્લાઝમામાં વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણનો સિદ્ધાંત અને બ્રહ્માંડીય વિકિરણ-(cosmic radiation)ના ઉદગમનો સિદ્ધાંત, વગેરે તેમની મુખ્ય સિદ્ધિઓ છે.

વિટાલી લઝારેવિચ ગિન્ઝબર્ગ
તે પોતાને સાંપ્રદાયિક યહૂદી તરીકે ઓળખાવે છે. તત્કાલીન યુ.એસ.એસ.આર.માં સામ્યવાદના પતન બાદ તે યહૂદીઓના જીવન-ઉત્કર્ષ માટે અત્યંત સક્રિય છે. ખાસ તો રશિયન યહૂદી કૉંગ્રેસના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સમાં તે સેવાઓ આપે છે. તે યહૂદી વિરોધી નીતિ (anti-semitism) સામે જબરજસ્ત લડત આપી રહ્યા છે અને ઇઝરાયલ રાષ્ટ્રના જોરદાર ટેકેદાર છે.
પ્રહલાદ છ. પટેલ