ગિની બિસૅઉ : પશ્ચિમ આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો નાનકડો પ્રજાસત્તાક દેશ. તે આશરે 11° 0´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 13° 40´ પશ્ચિમથી 16° 45´ પશ્ચિમ રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 36,125 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે સેનેગલ તથા દક્ષિણે ગિની નામના દેશો આવેલા છે. તેના કિનારે આવેલા ટાપુઓમાં બિસાગસ ટાપુઓનો સમાવેશ થાય છે. પશ્ચિમે આવેલો આટલાન્ટિક સમુદ્રતટ 274 કિમી.ની લંબાઈ ધરાવે છે. આ પહેલાં આ દેશ ‘પોર્ટુગીઝ ગિની’ તરીકે ઓળખાતો હતો. 1973માં તેણે સ્વાતંત્ર્યની ઘોષણા કરી અને 1974માં પોર્ટુગલે તેના સ્વાતંત્ર્યને માન્યતા આપી.

ગિની બિસૅઉ

દેશના કિનારાના નીચા ભાગો નદીનાળની વિશિષ્ટતા ધરાવતા હોવાથી ખાંચાખૂંચીવાળા બનેલા છે. અહીં કાદવકીચડ અને મૅન્ગ્રુવ (mangroves) જંગલો છવાયેલાં છે. આ જંગલોની પડખેના ભાગો ગાઢ વિષુવવૃત્તીય જંગલોથી આચ્છાદિત છે. દેશના મોટા ભાગના અંત:સ્થ ભાગો નીચાણવાળા ઉચ્ચપ્રદેશોના બનેલા છે. જ્યાં સૅવાના વનસ્પતિ છવાયેલી છે. ઉત્તરનો ગાબુનો ઉચ્ચપ્રદેશ તથા દક્ષિણનો બફાટાનો ઉચ્ચપ્રદેશ સમુદ્રસપાટીથી અનુક્રમે 36 અને 170 મીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા છે. ગિનીમાં આવેલા ફૂટાજલોનના તળેટીના વિસ્તારો આ દેશના પશ્ચિમ ભાગમાં લંબાયેલા છે, જે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ દેશમાં ગેબૉં, કાચેઉ તથા કોરુબાલ એમ ત્રણ નદીઓ અગત્યની છે, જે આંતરિક ભાગોમાં જળમાર્ગ તરીકે ઉપયોગી છે. નાનાં જહાજો કાચેઉ નદીમાં વધુમાં વધુ ફારીમ સુધી અને ગેબૉં નદીમાં વધુમાં વધુ બફાટા સુધી અવરજવર કરી શકે છે.

આ દેશ વિષુવવૃત્તીય ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે. જેટલું છે અને વાર્ષિક વરસાદનું પ્રમાણ 2000 મિમી.થી વધારે છે. આમ છતાં કિનારાના ભાગોમાં વધુ વરસાદ થાય છે.

દેશના કુલ ભૂમિવિસ્તારના 36% ભાગમાં જંગલો તથા 46% ભાગમાં ચરાઉ-પ્રદેશો તથા ઘાસનાં બીડ આવેલાં છે. માત્ર 10% ભૂમિભાગમાં ખેતી થાય છે. આ ખેતીપ્રધાન દેશનો મુખ્ય ખાદ્યપાક ડાંગર છે. કિનારાનાં જંગલો સાફ કરીને તથા કાદવકીચડવાળી જમીનોને નવસાધ્ય બનાવીને ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ સિવાય નદીઓનાં પૂરનાં મેદાનોમાં પણ ડાંગરની ખેતી થાય છે. મકાઈ, કઠોળ, કસાવા, શક્કરિયાં, નારિયેળી, શેરડી, કપાસ વગેરે અન્ય પાકો છે. આંતરિક ભાગોનો મુખ્ય વ્યાપારી પાક મગફળી છે અને તેની ખેતી મુખ્યત્વે ગાબુ અને બફાટાના ઉચ્ચપ્રદેશોમાં થાય છે. વળી અહીં ઢોર, ઘેટાંબકરાં તથા ડુક્કરનો ઉછેર પણ કરવામાં આવે છે. આ ભાગમાં થોડાક પ્રમાણમાં કાજુ તથા રબરનાં વૃક્ષોનો ઉછેર પણ થાય છે.

આ દેશમાં ખનિજ તેલ તથા બૉક્સાઇટ જેવાં ખનિજો આવેલાં છે પણ હાલના સંજોગોમાં તેમનું ઉત્ખનન થતું નથી. આ દેશ ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત છે. માત્ર મગફળીના ખાદ્યતેલનો અને ચોખાનો મિલ-ઉદ્યોગ તેમજ લાકડાં વહેરવાના ઉદ્યોગનો વિકાસ થયો છે.

આ દેશમાં રેલમાર્ગો નથી. બધા જ પ્રકારના સડકમાર્ગોની કુલ લંબાઈ 3570 કિમી. જેટલી છે. આ દેશમાંથી મગફળી (70%), નારિયેળ, લાકડાનાં પાટિયાં, મગફળીનો ખોળ, મગફળીનું તેલ, કાજુ વગેરેની નિકાસ થાય છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર વસ્તી આશરે 20,68,361 (2022). આ દેશમાં પોર્ટુગીઝ તથા અન્ય સ્થાનિક ભાષાઓનો ઉપયોગ થાય છે. બિસૅઉ 4,92,000 (2015) એ ગેબૉં નદીનાળના ઉત્તર કાંઠે આવેલું દેશનું પાટનગર, મોટું શહેર અને મુખ્ય બંદર છે.

ગિની-બિસૅઉનો આ પ્રદેશ પંદરમી સદીથી પોર્ટુગીઝોના અંકુશ તળે રહ્યો હતો અને તેનો ઉપયોગ મુખ્યત્વે ગુલામોના વેપાર માટે થતો હતો. સત્તરમી સદીથી પોર્ટુગીઝ શાસન શરૂ થયું હતું. જોકે તે મોટે ભાગે કિનારાના પ્રદેશ પૂરતું મર્યાદિત રહ્યું હતું. 1915થી વહીવટ વ્યવસ્થિત બન્યો હતો.

1956માં કેપ વર્દે ટાપુથી આવેલા આમિલ્કર કબ્રાલે ગિની અને કેપ વર્દેના સ્વાતંત્ર્યની હાકલ કરી હતી અને ત્યારબાદ તેમની સરદારી નીચે ગેરીલા યુદ્ધ ચાલ્યું હતું જેમાં તેમને ગિનીની મદદ મળી હતી. 1973માં સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી અને 1974માં લિસ્બનની સરકારના પતન પછી 10 સપ્ટેમ્બર 1974ના દિને ગિની બિસૅઉને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. કબ્રાલના ભાઈ આલ્મિડા કબ્રાલની રાષ્ટ્રપ્રમુખ તરીકે વરણી થઈ હતી; પરંતુ 1980માં તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની જગાએ વિયેરા સત્તારૂઢ થયા હતા.

ન્યાયમંદિર, ગિની બિસૅઉ

વિયેરા 1980થી 1999 દરમિયાન પ્રમુખપદે રહ્યા. મે, 1984માં માર્કસવાદ પર આધારિત નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું; પરંતુ 1986માં દેશ આર્થિક કટોકટીમાં ફસાતાં માર્કસવાદી દિશા છોડી મિશ્ર અર્થતંત્ર સ્વીકારવામાં આવ્યું. 1998માં એક વર્ષ જેટલા લાંબા સમય માટે આ દેશ ગૃહયુદ્ધમાં ફસાયો. પડોશી દેશો સેનેગલ અને ગિનીનાં સરકારી દળો મદદે આવ્યાં. લશ્કરે બળવો કરતાં 1999માં પ્રમુખ જાઓ બરનાડો વિયેરાને પદભ્રષ્ટ કરાયા. ટૂંકા સમય માટે લશ્કરી વડા અનસુમાને પ્રમુખ બન્યા. તે પછી તેની નૅશનલ ઍસેમ્બલીના અધ્યક્ષ માલામ બકાઈ સાન્હા તત્કાલીન પ્રમુખ બન્યા. 1999માં પ્રમુખીય ચૂંટણીઓમાં કુમ્બા યાલાને પ્રચંડ બહુમતી મળી. એથી ત્યાં લોકશાહી સ્થાપવાના પ્રયાસો ચાલ્યા; પરંતુ સપ્ટેમ્બર, 2003માં લશ્કરી બળવો થતાં કુમ્બા યાલા પદભ્રષ્ટ કરાયા. નૅશનલ ટ્રાન્ઝિશન કાઉન્સિલ દ્વારા વહીવટ ચાલ્યો. 2005ની નવી ચૂંટણીઓમાં ફરીથી જાઓ બરનાડો વિયેરા પ્રમુખ બન્યા. સંસદીય ચૂંટણીઓને અંતે મારટીન્હો નાદાફા કાબી વડાપ્રધાન બન્યા.

બીજલ પરમાર