ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા (જ. 27 ડિસેમ્બર 1797, આગ્રા; અ. 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી) : શ્રેષ્ઠ ઉર્દૂ અને ફારસી કવિ. તેમનું નામ અસદુલ્લાહખાન, મિર્ઝા નૌશા ઉર્ફ હતું અને ‘ગાલિબ’ તેમનું તખલ્લુસ રાખ્યું હતું. શરૂઆતમાં ‘અસદ’ ઉપનામથી પણ તેમણે ગઝલો લખી હતી. તેમના પૂર્વજો અયબક તુર્કમાન હતા અને અઢારમી સદીમાં શાહઆલમના શાસનકાળ દરમિયાન હિંદુસ્તાન આવી વસેલા. તેમના પિતા મિર્ઝા અબ્દુલ્લા બેગ ખાન લશ્કરમાં અધિકારી હતા. ગાલિબના દાદા મિર્ઝા કોકીન બેગ શાહઆલમના દરબારમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેમણે ‘મકતાબ’માં શિક્ષણ લીધું. તેમની માતાનું નામ ઇજ્જત-ઉન-નિસા બેગમ હતું.

અસદુલ્લાહખાન મિર્ઝા ગાલિબ

ગાલિબની પાંચ વર્ષની વયે તેમના પિતા અલ્વરના રાજા બખ્તાવરસિંહની ફોજમાં બહાદુરીપૂર્વક લડતા લડતા 1802માં મરણ પામ્યા હતા. તેથી તેમનો ઉછેર તેમના કાકા નસરુલ્લાહે સંભાળ્યો હતો. 13 વર્ષની વયે તેમનાં લગ્ન ઉમરાવબેગમ સાથે થયાં હતાં. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરભક્ત હતાં. તેમનાં 6 સંતાનો પૈકી એક પણ જીવ્યું નહિ. 17મા વર્ષે દિલ્હીમાં તેઓ સ્થાયી થયા. ત્યાં નવાબજાદાઓના નજીકના સહવાસમાં આવ્યા.

તેમની બાલ્યાવસ્થા તેમના મોસાળમાં સુખસાહેબીમાં વ્યતીત થઈ. અનાથ દશાને કારણે તેઓ નવાબીની ચમકદમક વચ્ચે માનસિક વ્યથાથી પીડાતા. તેમના કાકાનું પણ 1806માં અવસાન થયું. કાકા તરફથી વારસામાં મળેલ પેન્શન અંગેની તકરારના કેસ માટે 1828માં તેઓ કૉલકાતા ગયા; પરંતુ તેમની વિરુદ્ધ ચુકાદો આવ્યો તેથી નિરાશ થયા અને કરજદાર બન્યા.

14 વર્ષની વયે એક પારસી મુસલમાન મૌલાના અબ્દુસ્સમદ પાસેથી તેમણે બે વર્ષ સુધી પ્રાચીન ફારસી ભાષા, ઇસ્લામ ધર્મ, ઇસ્લામપૂર્વ સંસ્કૃતિ, સૂફી તત્વજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું. તેમણે ફારસી ભાષામાં સેંકડો ઉત્તમ રચનાઓ રચી. ‘દસ્તંબો’ (સુગંધ) નામના ઉત્કૃષ્ટ ગ્રંથની રચના કરી. તેમાં મેથી જુલાઈ 1857 સુધીના સ્વાતંત્ર્યસંગ્રામનો જાતમાહિતી પર આધારિત અહેવાલ છે. તેનો ઉર્દૂમાં અનુવાદ થયો છે.

11 વર્ષની વયે તેમણે કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. 22 વર્ષની વયે તો તેમની કેટલીક પ્રસિદ્ધ ગઝલો લખાઈ ચૂકી હતી. જાગીરને બદલે મળતું પેન્શન 1826માં બંધ થયું. અવધના શાહ નસીરુદ્દીન હૈદરે એક કસીદા પર પ્રસન્ન થઈને તેમને વાર્ષિક પાંચસો રૂપિયાનું પેન્શન બાંધી આપ્યું. આગ્રા સરકારમાં સન્માન ન જળવાતાં 1841માં દિલ્હી કૉલેજમાં ફારસીના પ્રાધ્યાપકપદનો તેમણે અસ્વીકાર કર્યો. તેઓ નવાબી માહોલ અને શ્રીમંતાઈમાં જીવતા હતા. તેઓ નૃત્યવાદન આદિ કળાના શોખીન, મદિરા-મદિરાક્ષી સાથે વિલાસી જીવન સેવનારા હતા. જુગાર પણ રમતા અને તેથી જેલવાસ ભોગવેલો. સાહિત્યચિંતન અને મનનને કારણે શરાબની આદત પડેલી.

ફારસી ભાષામાં તેમણે ‘ચિરાગ-એ-દૈર’ (મંદિરનો અક્ષયદીપ) નામે મસનવી ખંડકાવ્ય રચ્યું. તેમાં પરધર્મસહિષ્ણુતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે માનતા કે ભારત દેશ એક મહાન મંદિર છે અને બનારસ શહેર એ મંદિરનો અક્ષયદીપ છે. ‘વહદતે વજૂદ’માં તેમણે ચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત ઈશ્વરની કલ્પના રજૂ કરી છે. તે અદ્વૈતના પુરસ્કર્તા હતા. ‘મેહરે-નીમરોઝ’ (મધ્યાહ્નનો સૂર્ય) (1854), વિશ્વ અને પરમેશ્વર એક જ હોવાની ભાવના વ્યક્ત કરી છે. તેમની શાયરીઓમાં નવીનતમ વિચારો, સુંદર અને હૃદયસ્પર્શી ઉપમાઓ અને રૂપકો, કલ્પના, નવા સમાસો, બંદિશો ખાસ જોવા મળે છે. જેથી તેમની શૈલી ‘મુશ્કિલ ગોઈ’નું બિરુદ પામી હતી. ‘કાતિઅહ-બુર્હાન’ (1861) તેમનો સુપ્રસિદ્ધ ફારસી કોશ છે. ‘દીવાની’ તરીકે જાણીતી કૃતિમાં તેમણે ઉર્દૂમાં 5,000 દુહા અને ફારસીમાં 11,000 દુહા લખ્યા છે.

તેમના ગ્રંથોમાં ‘દીવાન-ઇ-ગાલિબ’ (1841) ઉર્દૂ કાવ્યસંગ્રહ; ‘કુલ્લિયાત-ઇ-ગાલિબ’ (1845) ફારસી કાવ્યસંગ્રહ છે. ‘કુલ્લિયાત-ઇ-નસ્ર’ (1868) ફારસી ગ્રંથ છે; જ્યારે ‘ઉદ-દ-હિન્દી’ (1868), ‘ઉર્દૂ-દ-હિન્દી’ (1868) અને ‘ઉર્દૂ-દ-મુંઅલ્લા’ (1869) તેમના ઉર્દૂ ગદ્યગ્રંથો છે.

છેલ્લો મુઘલ તાજદાર બહાદુરશાહ ઝફરે 1846માં ગાલિબનું સન્માન કરેલું. શાહી પોશાક પહેરાવી નજમુદ્દૌલા, દબીરુલમુલ્ક, નિઝામે જંગનો ખિતાબ 1850માં અર્પણ કર્યાની સાથે તૈમૂરી વંશનો ઇતિહાસ લખવા તેમની વાર્ષિક છસો (600) રૂપિયાના પગારથી નિમણૂક કરી હતી. 1854માં તેમને રાજાના સાહિત્યિક બાબતોના સલાહકાર નીમવામાં આવ્યા હતા. દિલ્હીમાં બળવો ફાટી નીકળતાં તેમનું પેન્શન બંધ થયેલું. તે રામપુરના નવાબ યુસુફ અલીખાને ફરી ચાલુ કરાવ્યું, તે ઉપરાંત તેમને માસિક રૂ. 100 (સો) વૃત્તિકા મંજૂર કર્યું (1855–1865). તેમના ‘કુલ્લિયાતે-નઝમે-ફારસી’માં ગઝલો, કસીદા (પ્રશસ્તિ-કાવ્યો) અને મુક્તકો મળીને કુલ 6722 અશઆર સામેલ છે. પાછલાં વર્ષોમાં તેઓ વિવિધ શારીરિક રોગોમાં સપડાયા અને રક્તસ્રાવને કારણે અવસાન પામ્યા. તેમનો મકબરો નિજામુદ્દીન ઓલિયાની પાસે ચોસઠ થાંભલામાં છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા