ગાલબ્રેથ, જ્હૉન કેનેથ (જ. 15 ઑક્ટોબર 1908, ઓન્ટારિયો, કૅનેડા; અ. 29 એપ્રિલ 2006 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : પ્રસિદ્ધ અમેરિકન અર્થશાસ્ત્રી, મુત્સદ્દી તથા લેખક. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૅનેડામાં. 1931માં ટૉરન્ટો યુનિવર્સિટીમાંથી પશુસંવર્ધન વિષય સાથે સ્નાતક થયા પછી, 1931–34 દરમિયાન કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યું. 1934માં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી 1939 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તથા 1939–42માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. 1943–48 દરમિયાન ‘ફૉર્ચૂન’ સામયિકના તંત્રીમંડળના સભ્ય રહ્યા. 1949–61ના ગાળામાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1961–63 દરમિયાન ભારતમાં અમેરિકાના એલચી તરીકે કાર્ય કર્યું. 1963–75 દરમિયાન ફરી હાર્વર્ડ ગયા અને 1975માં પ્રોફેસર ઍમરેટસ બન્યા.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અને તે પછી તેમણે અમેરિકાના શાસનતંત્રમાં ઘણાં પદો પર કાર્ય કર્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્હૉન એફ. કેનેડી, ડેમોક્રૅટિક પક્ષના ભૂતપૂર્વ નેતા એડલાઈ સ્ટીવન્સન તથા અન્ય રાજકીય નેતાઓના આર્થિક સલાહકાર તરીકે તેમણે સેવા આપી છે. 1967–68માં નૅશનલ ચૅરમૅન ઑવ્ અમેરિકન્સ ફૉર ડેમોક્રૅટિક ઍક્શન નામનું પદ સંભાળ્યું. 1972માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે ચૂંટાયા. અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝના તે સભ્ય છે.

વર્તમાન આર્થિક સિદ્ધાંતોમાં આર્થિક વૃદ્ધિ પર વધુ પડતો ભાર મૂકવા બદલ ગાલબ્રેથ સખત ટીકા કરે છે. તેવી જ રીતે ફુગાવાને અંકુશમાં લેવા માટે નાણાંના પુરવઠા પર કડક નિયંત્રણ મૂકવાના વલણની પણ તેમણે ટીકા કરી છે. તેમણે વપરાશી ચીજવસ્તુઓ પર ઓછા ખર્ચની અને જાહેર કાર્યક્રમો પર વધુ ખર્ચની હિમાયત કરી હતી. અમેરિકાના અર્થતંત્રમાં દાખલ થયેલ ઓછી હરીફાઈનાં વલણો પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને તે અટકાવવા માટેની નીતિની હિમાયત કરી હતી. અર્થવ્યવસ્થા પ્રત્યે નવો ર્દષ્ટિકોણ અપનાવવાની હિમાયત, ઉદાર અને બિનપરંપરાગત વિચારો તથા લોકભોગ્ય શૈલીમાં વર્તમાન આર્થિક સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની આગવી સૂઝ તેમની વિશિષ્ટતા રહી છે. સર્વસામાન્ય લોકોને સ્પર્શતા આર્થિક પ્રશ્નો અંગેનાં તેમનાં લખાણોમાં તેમના વિચારોની પ્રગલ્ભતા અને અભિનવતા ઉપરાંત સાહિત્યિક ગુણો પણ જોવા મળે છે.

અર્થશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ‘ધ થિયરી ઑવ્ પ્રાઇસ કંટ્રોલ’ (1952), ‘અમેરિકન કૅપિટલિઝમ’ (1952), ‘ધ કૉન્સેપ્ટ ઑવ્ કાઉન્ટર-વેલિંગ પાવર’ (1952), ‘ધ ગ્રેટ ક્રૅશ 1929’ (1955), ‘ધી એફ્લ્યુઅન્ટ સોસાયટી’ (1958), ‘ધ લિબરલ અવર’ (1960), ‘ધી ઇકૉનૉમિક ડિસિપ્લિન’ (1967), ‘ધ ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ’ (1967), ‘ઍમ્બૅસેડર્સ જર્નલ’ (1969), ‘ઇકૉનૉમિક પીસ ઍન્ડ લાફટર’ (1971), ‘ઇકૉનૉમિક્સ ઍન્ડ ધ પબ્લિક પરપઝ’ (1974), ‘ધ નેચર ઑવ્ માસ પૉવર્ટી’ (1979), ‘અ લાઇફ ઇન અવર ટાઇમ્સ : મેમૉઇર્સ’ (1981), ‘ધી અનૉટૉમી ઑવ્ પૉવર’ (1983), ‘ઇકૉનૉમિકલ ઇન પર્સ્પેક્ટિવ : અ ક્રિટિકલ હિસ્ટરી’ (1987), ‘ધ કલ્ચર ઑવ્ કન્ટેન્ટમેન્ટ’ (1992), ‘ધ ગુડ સોસાયટી : ધ હ્યુમન અજેન્ડા’ (1996) તથા ‘ધી ઇકૉનૉમિક્સ ઑવ્ ઇનોસન્ટ ફ્રૉડ’(2004)નો સમાવેશ થાય છે.

જ્હૉન કેનેથ ગાલબ્રેથ

અમેરિકા જેવા સંપન્ન દેશમાં પણ આર્થિક સમસ્યાઓ [નવા સ્વરૂપે] કેવી રીતે ઊભી થઈ છે તેનું રસપ્રદ વિશ્લેષણ તેમના ‘ધી એફ્લ્યુઅન્ટ સોસાયટી’માં કરવામાં આવ્યું છે, તો વિશ્વમાં થઈ રહેલ વિપુલ ટેકનિકલ પ્રગતિને લીધે અમેરિકા અને સોવિયેત યુનિયન જેવા પરસ્પર વિરોધી વિચારસરણી તથા આર્થિક માળખું ધરાવતા દેશો વચ્ચેનું આર્થિક અંતર કેવી રીતે ઘટી રહ્યું છે તેનો વિગતવાર ખ્યાલ તેમના ‘ધ ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ’માંથી પ્રાપ્ત થાય છે.

અર્થશાસ્ત્ર પરના ગ્રંથો ઉપરાંત તેમણે ‘ટ્રાયમ્ફ’ નામની નવલકથા (1968) તથા ‘ઇન્ડિયન પેન્ટિંગ્ઝ (સહલેખક : 1969) પ્રકાશિત કર્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે