ગાલપચોળું (mumps) : ગાલમાં આવેલી લાળગ્રંથિ(salivary gland)નો વિષાણુજન્ય ઉગ્ર ચેપ થવો તે. પુખ્ત વયે ક્યારેક આ વિષાણુથી જનનપિંડ (gonad), મગજનાં આવરણો, સ્વાદુપિંડ (pancreas) કે અન્ય અવયવોમાં પણ ચેપ ફેલાય છે. તે ચેપી (communicable) રોગ છે. આ રોગ કરતો વિષાણુ (virus) RNA મિક્ઝોવાયરસ જૂથનો છે. માણસ તેનો કુદરતી સજીવ આશ્રયદાતા (host) છે. તેનો ઉપદ્રવ વિશ્વવ્યાપી છે અને તે અનાથાશ્રમો, લશ્કરના કૅમ્પ તથા શાળાઓમાં તથા શહેરી વિસ્તારોમાં સ્થાયી સ્વરૂપે (endemic) જોવા મળે છે. વસંત ઋતુમાં અથવા એપ્રિલ-મેના સમયગાળામાં તે વધુ જોવા મળે છે. 25 % દર્દીઓમાં તેનો ચેપ એટલો બધો મંદ હોય છે કે તેનાં લક્ષણ ઉદભવતાં નથી. તેની રસવિદ્યાકીય (serologic) કસોટીઓ વડે સર્વેક્ષણ કરવામાં આવે ત્યારે 80 % જેટલી પુખ્ત વ્યક્તિઓમાં હકારાત્મક પરિણામ આવે છે, જે સૂચવે છે કે તેમને આ વિષાણુનો ચેપ પહેલાં ક્યારેક લાગેલો હતો.

2 વર્ષની નીચેની ઉંમરે તે ભાગ્યે જોવા મળે છે અને 6થી 10 વર્ષના ગાળામાં તેનું પ્રમાણ ઉત્તરોત્તર વધે છે. છોકરાઓમાં તે વધુ જોવા મળે છે. લાળ દ્વારા તે ફેલાય છે. પેશાબમાં પણ વિષાણુ દર્શાવાય છે માટે તે પણ ક્યારેક ચેપવાહક બની શકે. લાળગ્રંથિનો સોજો થાય તે પહેલાંના 6 દિવસથી માંડીને સોજો થવાનાં 2 અઠવાડિયાં સુધી લાળમાં વિષાણુ હોય છે. જોકે તેની ચેપવાહિતા ઘણા ટૂંકા ગાળા માટે હોય છે. સામાન્ય રીતે એક અથવા બંને બાજુએ લાળગ્રંથિનો ચેપ થયો હોય તો બીજી વખતના ચેપ સામે લાંબા ગાળાની પ્રતિરક્ષા (immunity) પ્રાપ્ત થાય છે અને તેથી તેનો બીજો હુમલો ભાગ્યે જ જોવા મળે છે.

વિષાણુ મોં દ્વારા પ્રવેશ્યા પછી 18થી 21 દિવસે લાળગ્રંથિનો સોજો કરે છે. ગાલની લાળગ્રંથિના ચેપને કારણે ઉદભવતા વિકારને કપોલીય લાળગ્રંથિશોથ અથવા લાળગ્રંથિશોથ (parotitis) કહે છે. તાવ, થાક, અરુચિ, ઠંડી લાગવી, ગળું આવી જવું તથા કાનની નીચે આવેલા નીચલા જડબાના ખૂણા પાસે અડતાં દુખાવો થવો વગેરે ચિહનો અને લક્ષણો ઉદભવે છે અને ઝડપથી લાળગ્રંથિનો સોજો આવે છે. તેને કારણે ગાલ સૂજી જાય છે, તેની ઉપરની ચામડી લાલ અને ગરમ થઈ જાય છે અને ગલોફામાં જે સ્થળે લાળગ્રંથિની નળી ખૂલે છે તે છિદ્ર લાલ થાય છે અને ઊપસી આવે છે. ક્યારેક ઉપલા જડબાના હાડકાની નીચેની ઊર્ધ્વહનુલક્ષી (submaxillary) અને જીભની નીચે આવેલી જિહ્વાલક્ષી (sublingual) લાળગ્રંથિઓ પણ સૂજી જાય છે. 2/3 કિસ્સામાં બંને બાજુ પરની લાળગ્રંથિ સૂજે છે અને સામાન્ય રીતે 4-­5 દિવસમાં પહેલી ગ્રંથિનો સોજો ઘટવા માંડે છે ત્યારે બીજી ગ્રંથિમાં સોજો થવા માંડે છે. તાવ વધીને 100o Fથી 103o F થાય છે અને ક્યારેક માથું દુખે છે. નાનાં બાળકોમાં આવાં લક્ષણો જોવા મળતાં નથી અને ફક્ત ગાલનો સોજો તથા ખાતાં, ગળતાં કે બોલતાં દુખાવો થાય છે.

યૌવનારંભ(puberty)ની વય વિતાવી ગયેલા છોકરાઓમાં ગાલપચોળું થયા પછી 7­-10 દિવસે 20 %ના દરે શુક્રપિંડ-અધિશુક્રપિંડશોથ (epididymo-orchitis) જોવા મળે છે. ક્યારેક ગાલપચોળું ન પણ થયેલું હોય. 75 % કિસ્સામાં તે એક બાજુ થાય છે. શુક્રપિંડશોથ થાય એટલે તાવ, થાક, અરુચિ તથા શુક્રપિંડનો સોજો અને દુખાવો થાય છે. તાવ 103o Fથી 106o F જેટલો થાય છે. ચેપ શમ્યા પછી 7­-10 દિવસ બાદ 50 % દર્દીમાં અસરગ્રસ્ત શુક્રપિંડની ક્ષીણતા (atrophy) થાય છે, પરંતુ તેણે બંને શુક્રપિંડને અસર કરી હોય તોપણ ક્યારેક જ વંધ્યતા (sterility) આવે છે. જોકે શુક્રકોષોના ઉત્પાદનનો દર ઘટે છે. ક્યારેક ફેફસાંમાં લોહી જામી જાય (pulmonary embolism) અથવા શિશ્નનું સતત વર્ધન (priapism) થાય છે : આ વિષાણુને કારણે જો સ્વાદુપિંડશોથ (pancreatitis) થાય તો તે જોખમી સ્થિતિનું સર્જન કરે છે અને ક્યારેક આઘાત (shock) કે છદ્મકોષ્ઠિતા (pseudocyst) થાય છે. લાળગ્રંથિના ચેપમાં સીરમમાં એમાયલેઝનું પ્રમાણ વધે છે અને તેથી સ્વાદુપિંડશોથનું નિદાન કરવું અઘરું છે; પરંતુ પેટમાં દુખાવો કે જઠર-આંતરડાંના વિકાર થાય તો સ્વાદુપિંડશોથની સંભાવના તપાસવામાં આવે છે. બહુ જ ઓછા કિસ્સામાં ચેપ પ્રસરીને મગજનાં આવરણોને અસરગ્રસ્ત કરે તો મૅનિન્જાઇટિસ (તાનિકાશોથ) થાય છે. ક્યારેક મગજનો ચેપ થાય તો મસ્તિષ્કશોથ (encephalitis) પણ થાય છે. મગજ અને કરોડરજ્જુની આસપાસના પ્રવાહી(CSF)ની તપાસ તથા મગજનાં ચિત્રણો વડે નિદાન કરાય છે. ક્યારેક અન્ય ગ્રંથિઓ જેવી કે અશ્રુગ્રંથિ, વક્ષસ્થગ્રંથિ (thymus), ગલગ્રંથિ (thyroid), સ્તન કે અંડપિંડ અસરગ્રસ્ત થાય છે. યકૃત(liver)માં ચેપ થાય તો કમળો થાય છે અને ક્યારેક લોહીના ગઠનકોષો (platelets) ઘટે તો લોહી વહેવાનો રોગ થાય છે. તેવી જ રીતે સાંધા તથા મૂત્રપિંડનો ચેપ પણ જોવામાં આવેલો છે. આ બધી આનુષંગિક તકલીફો ભાગ્યે જ થાય છે. તેની દૂરગામી અસરો રૂપે ક્યારેક મસ્તિષ્કશોથ, વંધ્યતા, મૃતશિશુજન્મ (stillbirth) તથા જન્મજાત ખોડવાળા શિશુનો જન્મ જોવા મળે છે.

અન્ય આનુષંગિક તકલીફો વગરનો રોગ હોય તો લોહીમાં લસિકાકોષો (lymphocytes) વધે છે. જો શુક્રપિંડશોથ થયો હોય તો લોહીના શ્વેતકોષોની સંખ્યા વધે છે. લોહીના સીરમમાં એમાયલેઝનું પ્રમાણ વધે છે. ક્યારેક સ્વાદુપિંડશોથ હોય તો લોહી અને પેશાબમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. ગાલપચોળાંને જીવાણુજન્ય (bacterial) ચેપ, લાળગ્રંથિનલિકામાં પથરી, દવાઓની ઍલર્જી (દા. ત., આયોડિન), ગળાની લસિકાગ્રંથિ(lymph node)નો ચેપ, લડવિગનો ઍન્જાયના, લાળગ્રંથિની ગાંઠ વગેરે વિવિધ રોગોથી અલગ પાડવામાં આવે છે.

તેની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. મોં ચોખ્ખું રાખવાની, કોગળાની, દુખાવો અને તાવ ઉતારતી દવાઓ, હળવો ખોરાક તથા આરામની સલાહ અપાય છે. શુક્રપિંડશોથની સારવારમાં નિશ્ચેતકો (anaesthetic agents) અને દબાણ ઘટાડતી શસ્ત્રક્રિયાના પ્રયત્નો થયા છે; પરંતુ તેનાથી વિશેષ ફાયદો થતો નથી. ક્યારેક ટૂંકા ગાળા માટે કૉર્ટિકોસ્ટીરૉઇડ આપવાનું સૂચવાય છે. મંદક્રિયાશીલ કરાયેલા (attenuated) વિષાણુની બનાવેલી રસી રોગ થતો અટકાવવા માટે અસરકારક ગણાય છે. કુમારાવસ્થા(adolescence)માંની યુવાન વ્યક્તિઓને જો કદી ગાલપચોળું ન થયું હોય તો આ રસી આપવી લાભકારક ગણાય છે. એક વર્ષથી નાના બાળકમાં તથા પ્રતિરક્ષા ઘટેલી હોય એવા રોગવાળા દર્દીમાં આ રસી આપી શકાતી નથી. જેમને ગાલપચોળું થયું હોય તેમને પહેલા 1­-2 દિવસમાં વિશિષ્ટ મમ્પ્સ સંબંધિત ગામા-ગ્લૉબ્યુલિન આપવાથી શુક્રપિંડશોથ થતો રોકી શકાય છે. સામાન્ય ગામા-ગ્લૉબ્યુલિન આ કાર્ય માટે ઉપયોગી નથી.

શશી વાણી

શિલીન નં. શુક્લ