ગાર્સિયા, રૉબલ્સ આલ્ફોન્ઝો (જ. 10 માર્ચ 1911, ઝમોરા, મેક્સિકો; અ. 2 સપ્ટેમ્બર 1991, મેક્સિકો) : 1982નું નોબેલ શાંતિ પારિતોષિક આલ્વા મિર્ડાલની સાથે સંયુક્ત રીતે મેળવનાર વિદ્વાન રાજકારણી. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ મેક્સિકો, પૅરિસ તથા હેગમાં કર્યો અને 1939માં મેક્સિકોના વિદેશ ખાતામાં જોડાયા અને ત્યાર બાદ એલચીપદ સુધી પહોંચ્યા.

રૉબલ્સ આલ્ફોન્ઝો ગાર્સિયા

1946માં તે રાષ્ટ્રસંઘ ખાતેની રાજકીય બાબતોના ખાતામાં જોડાયા. 1956­-57માં સુએઝનું યુદ્ધ થયું ત્યારે રાષ્ટ્રસંઘના મહામંત્રીના પ્રતિનિધિ તરીકે તેમણે નોંધપાત્ર સેવા આપી હતી. 1948-­56ના ગાળામાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના રાજકીય બાબતોના ખાતાના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

તેમની સૌથી પ્રભાવક અને યશસ્વી સિદ્ધિ દક્ષિણ અમેરિકાને અણુશસ્ત્રવિહીન બનાવવામાં રહી. 1967માં ‘લેટેલ્કો કરાર’ દ્વારા સમગ્ર દક્ષિણ અમેરિકાને અણુશસ્ત્રવિહીન જાહેર કરવામાં આવ્યું. 1975­-76 દરમિયાન તે મેક્સિકોના વિદેશમંત્રીના સ્થાને રહ્યા. 20 જેટલાં પુસ્તકો અને 300 જેટલા વિવિધ લેખો લખનાર આ વિદ્વાનને દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપના દસ જેટલા દેશોએ બહુમાનથી પુરસ્કૃત કર્યા છે.

દેવવ્રત પાઠક