ગાર્ડનર, અર્લ સ્ટૅન્લી
January, 2010
ગાર્ડનર, અર્લ સ્ટૅન્લી (જ. 17 જુલાઈ 1889, માલ્ડેન, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 11 માર્ચ 1970; ટેમિક્યુલા, કૅલિફૉર્નિયા) : ડિટેક્ટિવ અને રહસ્યકથાઓના નામી અમેરિકન લેખક. પિતા ખાણ-ઇજનેર. નાનપણમાં કુટુંબ સાથે વ્યાપક પ્રવાસ ખેડવાની તક મળી. છેવટે કૅલિફૉર્નિયામાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો. 1911માં કૅલિફૉર્નિયામાં વકીલાત શરૂ કરી. તેમણે મુખ્યત્વે ગરીબ ચીની પ્રજાજનો અને મેક્સિકન લોકોના કેસ લડવાનું હાથ ધર્યું. નિરાધાર લોકો તથા અન્યાયી રીતે આરોપી ઠેરવાયેલા લોકોના પ્રશ્નોમાં તે આજીવન રસ લેતા રહ્યા અને તેમને માટે 1940માં ‘ધ કોર્ટ ઑવ્ લાસ્ટ રિસોર્ટ’ નામની સહાયક સંસ્થા સ્થાપી.
વકીલાતની સાથોસાથ તેમણે તત્કાલીન લોકભોગ્ય સામયિકોમાં લખવાનું શરૂ કર્યું. તેમાં તે અત્યંત ચોકસાઈભર્યાં કોર્ટ ર્દશ્યો તથા છટાદાર કાનૂની દલીલબાજી આલેખતા. દેખીતી રીતે જ એમાં તેમની પોતાની જ કાનૂની યુક્તિપ્રયુક્તિઓનું નિરૂપણ થતું. 1932 સુધીમાં અઠવાડિયે બે દિવસ વકીલાત કરવાની સાથોસાથ તે મહિનાના 2,00,000 શબ્દોનું લેખનકાર્ય કરતા. તેમની જાસૂસી કથાઓ મુખ્યત્વે પૅરી મૅસન નામના વકીલ-ડિટેક્ટિવને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. 1933માં ‘ધ કેસ ઑવ્ ધ વેલ્વેટ ક્લૉઝ’ તથા ‘ધ કેસ ઑવ્ ધ સલ્કી ગર્લ’ નામની પૅરી મૅસન પરાક્રમકથાઓનું પ્રકાશન ખૂબ સફળ નીવડવાથી તેમણે વકીલાતનો વ્યવસાય છોડી દીધો. ત્યાર બાદ પૅરી મૅસન શ્રેણીની બીજી 80 નવલકથાઓ તેમણે લખી. તેમણે પૅરી મૅસન રહસ્યકથાઓનાં રંગભૂમિ, રેડિયો તથા ફિલ્મ માટેનાં રૂપાંતરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જાસૂસી કથાઓની બીજી શ્રેણી ડગ સેલ્બી નામના ડિસ્ટ્રિક્ટ ઍટર્ની(ડી. એ.)ને કેન્દ્રમાં રાખીને લખાઈ છે અને તે તમામનાં શીર્ષકને ‘ધ ડી. એ…’ શબ્દથી જ પ્રારંભ થાય છે. જેમ કે ‘ધ ડી. એ. કૉલ્સ ઇટ મર્ડર’ (1937), ‘ધ ડી. એ. ગોઝ ટુ ટ્રાયલ’ (1940) વગેરે. એ. એ. ફેરના ઉપનામથી લખાયેલી આ પ્રકારની ત્રીજી કથાશ્રેણીના કેન્દ્રમાં બર્થા કૂલ નામનો મધ્યમ વયનો લોભિયો ખાનગી ડિટેક્ટિવ તથા ડોનાલ્ડ લૅમ નામનો કાનૂની નિષ્ણાત જેવાં પાત્રો છે. આમ એકંદરે ગાર્ડનરે આશરે 100 જેટલી ડિટેક્ટિવ અને રહસ્યકથાઓ લખી અને એ પ્રત્યેક જાસૂસી કથાની 10,00,000 ઉપરાંત નકલો વેચાતી હતી. એટલે કે તેમના સમયમાં લેખક તરીકે તેમની કૃતિઓનું સૌથી વધુ વેચાણ થતું હતું.
મહેશ ચોકસી