ગાર્ડ, ગુલામ મુસ્તફા (જ. 12 ડિસેમ્બર 1925, સૂરત; અ. 13 માર્ચ 1978, અમદાવાદ, ગુજરાત) : ભારતીય ક્રિકેટ ખેલાડી. ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન. 1947–48માં મુંબઈ તરફથી

ગુલામ મુસ્તફા ગાર્ડ

કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1952–53 અને 1956–57થી 1961–62 સુધી મુંબઈની ટીમ તરફથી રમ્યા, જ્યારે 1953–54થી 1955–56 અને 1962–63ના વર્ષમાં ગુજરાત તરફથી રમ્યા. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 19.13ની સરેરાશથી 120 વિકેટ લીધી, જેમાં 17.95ની સરેરાશથી રણજી ટ્રૉફીની 110 વિકેટનો સમાવેશ થાય છે. 1947–48માં હૈદરાબાદ સામે રમતાં એક દાવમાં 46 રનમાં 6 વિકેટ અને મૅચમાં 99 રનમાં 9 વિકેટ લીધી હતી, જે ગુલામ ગાર્ડનો પ્રથમ કક્ષાનો સર્વોત્કૃષ્ટ દેખાવ ગણાય છે. રણજી ટ્રૉફીની એક સિઝનમાં 25થી વધુ વિકેટ લેવાની કામયાબી ગુલામ ગાર્ડે 1959માં દર્શાવી હતી; તે સિઝનમાં તેમણે 181.3 ઓવરમાં 40 મેડન ઓવર સાથે 465 રન આપીને 15 રનની સરેરાશથી 31 વિકેટ લીધી હતી. 1958–59માં વેસ્ટ ઇન્ડીઝ સામે એક અને 1959–60માં ઑસ્ટ્રેલિયા સામે એક એમ કુલ બે ટેસ્ટ મૅચો ગુલામ ગાર્ડ રમ્યા હતા. તેઓ પહેલાં મુંબઈમાં અને એ પછી અમદાવાદમાં પોલીસ ખાતામાં અધિકારી હતા.

કુમારપાળ દેસાઈ