ગાર્ગી, બલવંત શિવચંદ (જ. 5 ડિસેમ્બર 1916, શેહના, ભટીન્ડા, જિ. લુધિયાણા, પંજાબ; અ. 22 એપ્રિલ 2003, મુંબઈ) : સુપ્રસિદ્ધ પંજાબી નાટ્યકાર, દિગ્દર્શક અને ગદ્યલેખક. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો. તેમના પિતા મુન્શી શિવચંદ કેનાલ ખાતાના કર્મચારી હતા. તેમનાં માતા તપમંડીનાં હતાં. ભટીન્ડામાં મૅટ્રિક થયા. તેથી માળવાની માળવાઈ ભાષાની અસર તેમના પર હતી. 1936માં પતિયાળાની મોહિન્દ્ર કૉલેજમાંથી બી.એ. થયા. 1938માં રાજ્યશાસ્ત્ર સાથે અને 1914માં અંગ્રેજી વિષયમાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઑલ ઇન્ડિયા રેડિયોમાં વૃત્તાંતનિવેદક તરીકે કારકિર્દી શરૂ કરી. તેમને નાટકો જોવાનો અને સાહિત્યકારોને મળવાનો શોખ હતો. તેઓ 1968—76માં પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં ભારતીય રંગમંચ વિભાગના સ્થાપક અને વડા; 1980–83 દરમિયાન દૂરદર્શન, આકાશવાણીના નિર્માતા એમરિટસ રહ્યા.

બલવંત શિવચંદ ગાર્ગી

તેમણે રવીન્દ્રનાથના પ્રભાવ હેઠળ કવિતા લખવા માંડી. તેમનું પ્રથમ નાટક ‘તારા તૂટિયા’ (1942) રવીન્દ્રનાથના ‘ડાકઘર’નું પંજાબી રૂપાંતર છે. ‘લોહાકૂટ’(1945)માં ગ્રામપ્રદેશના કારીગરોની વિષમ પરિસ્થિતિનું બયાન છે. આંદોલનના વિચારો અને આદર્શોના પ્રચારરૂપે ‘ઘુઘી’ (કબૂતર, 1950) નાટક  શાંતિ આંદોલનને સમર્પિત છે. ‘કેસરો’(1952)માં સ્ત્રીકેળવણીનો વિષય રજૂ થયો છે. ‘બિસ્વેદર’ મધ્યકાલીન માલિકીપણાની જોહુકમીનો ખ્યાલ દર્શાવે છે.

તેમનાં ‘કૌરી તિસિ’ (1944), ‘પટ્ટણ દી વેદી’ (1951) તથા ‘ડૉક્ટર પલટા’ (1953)નો મુખ્ય નાટકોમાં સમાવેશ થાય છે; પણ તેમનાં ‘ધૂણી દી આગ’ જે અમેરિકામાં ‘ધ ડાર્ક રિચ્યુઅલ’ શીર્ષકથી ભજવાયું, ‘સુલતાન રઝિયા’ ઐતિહાસિક નાટક છે અને તે નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા તરફથી અલ્કાઝીના દિગ્દર્શન હેઠળ ભજવાયેલું. આ બંને અને ‘સૌતન’ જેવાં કામવાસના અને હિંસાથી ભરપૂર નાટકો સ્ત્રીપાત્રોને મુખ્યત્વે પ્રાકૃતિક તત્વો તરીકે નિરૂપે છે. આ જ વિષયવસ્તુ તેમની આત્મકથાત્મક નવલકથા ‘નંગી ધૂપ’(અંગ્રેજીમાં ‘ધ નૅકેડ ટ્રાયેંગલ’)માં અભિવ્યક્ત થઈ છે, જે કહેવાતા બુદ્ધિશાળીઓનો દંભ રજૂ કરે છે.

તેમણે અમેરિકામાં નાટ્યશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાં પણ તેમણે 8 વર્ષ સુધી નાટ્યવિદ્યાના પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી છે. ભારતની બહાર રશિયા, પોલૅન્ડ, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકામાં જેમનાં નાટકો ભજવાયાં હોય તેવા ગાર્ગી પંજાબના એકમાત્ર નાટ્યકાર છે.

1955માં તેમના વાર્તાસંગ્રહ ‘દો હાથ’ બદલ તેમને વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 1958ના વર્ષનો નાટકકાર તરીકેનો ઍવૉર્ડ; 1959માં તેમણે મૉસ્કોના પ્રવાસ દરમિયાન ‘સોહની મહિવાલ’ નાટક ભજવેલું. ‘રંગમંચ’ શીર્ષકથી તેમણે ભારતની રંગભૂમિનો ઐતિહાસિક દસ્તાવેજ લખ્યો છે, જે બદલ તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 1962ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો. તેમની અન્ય કૃતિ ‘ઇન્ડિયન ફોક પ્લેઝ’ માટે પણ તેમને ઇન્ટરનેશનલ સ્પેશિયલ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. આ તેમની મૂળ પંજાબી કૃતિ ‘લોકનાટક’નો લેખકે પોતે જ કરેલો અંગ્રેજી અનુવાદ છે. 1998માં દિલ્હીનો સાંસ્કૃતિક ઍવૉર્ડ અને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયા.

તેમના અન્ય વિશિષ્ટ પ્રદાનરૂપે 4 સંગ્રહો ‘નિમ દે પત્તે’ (1961), ‘સુરમેવાલી આંખ’ (1977), ‘કૌડિયોંવાલા સાંપ’ (1980) તથા ‘હસીન ચેહરે’માં સમકાલીન લેખકો અને કલાકારોનાં ચરિત્રચિત્રણો છે; જેમાં તે તે વ્યક્તિઓનાં જીવન અને કવન ઊપસી આવે છે. ‘દુલ્હે બેર’, ‘કાલા આમ’, ‘સો મિલ દોર’, ‘ચાંદની દી ચાદર’, ‘દો હાથ’ અને ‘મિર્ચનવાલા સાધ’ તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો છે. ‘કાકા રેતા’ (1973) નવલકથા અને ‘પાતાલ દી ધરતી’ (1974) તેમનો પ્રવાસગ્રંથ છે. આમ તેમણે કુલ 32 ગ્રંથો આપ્યા છે. પંજાબ સરકારે 1959માં શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે તેમનું બહુમાન કર્યું હતું. 1973માં ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો અને મૉસ્કોના જિપ્સી થિયેટર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

ગુરુબક્ષસિંહ