ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ વિદ્વત્તા માટે પ્રસિદ્ધ હતું તેથી ગર્ગકુલમાં જન્મેલી એવું પ્રસિદ્ધિદ્યોતક નામ ગાર્ગીને મળ્યું હતું.

યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારાઓમાં ગાર્ગીના પ્રશ્નો તત્વર્દષ્ટિએ જુદા તરી આવે છે. ગાર્ગીએ પૂછ્યું, ‘પૃથ્વી શામાં સમાયેલી છે ?’ યાજ્ઞવલ્ક્યે કહ્યું, ‘જલમાં’. તેણે પૂછ્યું, ‘જલ શેમાં સમાયેલું છે ?’ યાજ્ઞવલ્ક્યે કહ્યું, ‘આકાશમાં’. ‘આકાશ શેમાં સમાયું છે ?’ ઉત્તર ­ ‘વાયુમાં’. ‘વાયુ શામાં સમાયો છે ?’ ઉત્તર ­ ‘અંતરિક્ષ લોકમાં.’ ‘અંતરિક્ષ શામાં સમાયું છે ?’ ઉત્તર ­ ‘બ્રહ્મમાં.’ ત્યારે ગાર્ગીએ પ્રશ્ન કર્યો, ‘બ્રહ્મ શામાં સમાયું છે ?’ આ પ્રશ્નનો ઉત્તર આપવો કઠિન હતો. તેથી યાજ્ઞવલ્ક્યે કહ્યું, ‘ગાર્ગી, તમે અતિપ્રશ્ન (વિષયમર્યાદા બહારનો પ્રશ્ન) કરો છો. આનો કોઈ ઉત્તર ન હોઈ શકે. આ પ્રશ્નમાં તો તમારું અસ્તિત્વ ભયમાં આવી પડશે.’ આમ છતાં આ નિર્ભીક વિદુષીએ બ્રહ્મના સ્વરૂપ સંબંધી ફરી પ્રશ્ન કર્યો ત્યારે ગાર્ગીની બ્રહ્મજિજ્ઞાસાથી પ્રસન્ન થયેલા યાજ્ઞવલ્ક્યે તેને બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું. ગાર્ગીએ નમ્રભાવે પરાજય સ્વીકાર્યો અને યાજ્ઞવલ્ક્યને વિજયી જાહેર કર્યા.

નટવરલાલ યાજ્ઞિક