ગાયકવાડ, બાપુસાહેબ

January, 2010

ગાયકવાડ, બાપુસાહેબ (જ. 1777, અ. 1843) : ‘બાપુસાહેબ’ અને શિષ્યોમાં ‘બાપુમહારાજ’ તરીકે ઓળખાયેલા વડોદરાના મરાઠી ભક્ત-કવિ.

આ કવિએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. બાળપણથી જ સંત-અનુરાગી રહેલા બાપુ પોતાની જમીનનો વહીવટ કરવા સાવલી પાસેના ગોઠડા ગામે ગયેલા ત્યારે ત્યાંના કવિ ધીરાના ઉપદેશથી મુમુક્ષુ બન્યા અને વડોદરા પાછા ફર્યા પછી કવિ નિરાંતનો સંપર્ક થતાં એમના ઉપદેશથી ભક્તિ-કીર્તનમાં મન રોપેલું ને જમાદાર તરીકેની નોકરી પણ છોડી દીધેલી. અંત્યજવાસમાં ભજન કરવા જતા એથી પિતાએ ઘર છોડાવ્યું.

અદ્વૈત-અનુભવ અને વૈરાગ્યબોધની કવિતા લખનાર આ કવિએ ‘મહિના/જ્ઞાનના દ્વાદશ માસ’(1834)માં બ્રહ્માનુભવના આનંદનું નિરૂપણ કર્યું છે; ‘જ્ઞાનીનાં લક્ષણ’માં કાફી નામના કાવ્યપ્રકારનાં 24 પદો છે; જેમાં સંતનાં સહજતા-સરલતા, વૈરાગ્યભાવ આદિ ગુણલક્ષણોનું નિરૂપણ છે; ‘સિદ્ધિખંડન’માં અઢાર યોગસિદ્ધિઓની નિરર્થકતા બતાવી, ઉદબોધનશૈલીમાં લખાયેલી 2૦ કાફીઓ છે; એ ઉપરાંત, મન-દેહ-તૃષ્ણા-ધન-સ્ત્રી-પુત્ર-ગુરુ આદિ 1૦ અંગોને 4­-4 ગરબીઓમાં આલેખતી 4૦ ગરબીઓ તથા ‘ષડરિપુરાજિયા’, ‘રામરાજિયા’ જેવા રાજિયા, પરજિયા વગેરે રૂપનાં ગુજરાતી તેમજ સાધુશાઈ હિંદીમાં રચાયેલાં ઘણાં પદોમાં તળપદી, રૂઢિપ્રયોગો ગૂંથતી અને બ્રહ્મજ્ઞાનવર્ણન ઉપરાંત બાહ્યાચારો પર પ્રહાર કરતી એમની ભાષા અખાની યાદ અપાવે છે. ‘શાંતિ પમાડે તેને તો સંત કહીએ’ જેવા જાણીતા થયેલા સુગેય પદથી તેમજ ‘વિષ્ણુ બિસ્મિલ્લાહમાં ભેદ નથી ભાળ્યો, અલ્લા અલખ એક લહિયા રે’ જેવી ઐક્યલક્ષી ભાવના વ્યક્ત કરતી કવિતામાં બાપુ ગાયકવાડની પોતાની છાપ ઊપસે છે. આ કવિ ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના છેલ્લા નોંધપાત્ર કવિ છે.

રમણ સોની