ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં) (જ. 1871, દેવાસ, હાલ મધ્ય પ્રદેશ; અ. 23 ઑગસ્ટ 1958, પુણે) : વડોદરા રાજ્યનાં મહારાણી અને જાણીતાં સમાજસુધારક. તેમનો જન્મ દેવાસના જાણીતા ઘાટગે કુટુંબમાં થયો હતો. કિશોરવયમાં તેમણે ભાષા અને લલિતકલાઓનો વારસો મેળવ્યો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) સાથે 1885માં તેમનાં લગ્ન થયાં. તેમણે મહારાજા સયાજીરાવ સાથે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. તેથી સમાજસુધારાની અને ખાસ કરીને ભારતની મહિલાઓનું જીવન સુધારવાની તેમની ભાવના તીવ્ર બની. ભારતની સ્ત્રીઓને સમાજમાં યોગ્ય સ્થાન મળે, સામાજિક દૂષણોમાંથી સ્ત્રીઓ મુક્ત થાય તે માટે તેમણે પ્રયાસો કર્યા. પરિણામે વડોદરા રાજ્યે પ્રતિવર્ષ બે મહિલાઓને (એક હિન્દુ અને એક મુસ્લિમ) વિદેશમાં વધુ અભ્યાસાર્થે જવા માટેની શિષ્યવૃત્તિ આપવાની શરૂ કરી હતી. આમ મહિલાઓને ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જાગ્રત કરવાનું મહત્વનું કાર્ય તેમણે કર્યું હતું.
આ ઉપરાંત પડદાપ્રથા, ઘૂંઘટપ્રથા વગેરેનો વિરોધ કરી સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમકક્ષ બનાવવાના તેમણે પ્રયાસો કર્યા. તેમણે કન્યાકેળવણીનાં કાર્યો પણ હાથ ધર્યાં. અલ્પ સાધનવાળી અને અભ્યાસમાં હોશિયાર કન્યાઓને શિષ્યવૃત્તિ મળે તે માટે તેમણે 1915માં રૂપિયા એક લાખનું દાન કરી, તેનું ટ્રસ્ટ બનાવ્યું. મહિલાઓને ઘરઆંગણે જ કામ મળી રહે, તે દ્વારા પૂરક કમાણી કરી શકે તે માટે વડોદરા રાજ્યનાં નગરો – વડોદરા, નવસારી, પાટણ તથા અમરેલીમાં તેમણે ઉદ્યોગ કેન્દ્રો સ્થાપ્યાં.
મહિલાઓની દેશવ્યાપી સંસ્થા નૅશનલ કાઉન્સિલ ઑવ્ વિમેનનું અધ્યક્ષપદ તેમણે ઘણાં વર્ષો સુધી શોભાવ્યું. પુણેમાં 1927માં ભરાયેલ પ્રથમ અખિલ હિંદ મહિલા પરિષદનાં સર્વાનુમતે પસંદ થયેલાં અધ્યક્ષ બનવાનું માન તેમને મળ્યું હતું.
તેમની સેવાઓ તથા દેશદાઝની કદર રૂપે સાનફ્રાંસિસ્કોની એક મુલાકાત દરમિયાન 191૦માં તેમને એક માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે ‘ધ પોઝિશન ઑવ્ વિમેન ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ એસ. એન. મિત્ર પાસે લખાવી પ્રગટ કર્યો હતો. તેમાં તેમણે ભારતની સ્ત્રીઓની તે સમયની સ્થિતિ અને તે વિશેના તેમના વિચારો જણાવ્યા છે. ઇંગ્લૅન્ડના જાણીતા સમાજવાદી આગેવાન રામસે મૅકડોનલ્ડે આ ગ્રંથની પ્રશંસા કરી હતી. આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતાએ કરેલું છે. તેમને બાગકામનો શોખ હતો. તેમના રાજમહેલની પાસે દસ એકર જમીન તેમણે કેરી, નારંગી, લીંબુ અને બીજાં ફળનાં વૃક્ષો માટે અલગ રાખી હતી. વડોદરામાં મહિલા યુનિવર્સિટી સ્થાપવા તેમણે મોટી રકમનું દાન આપવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ તે યોજના ફળીભૂત થઈ નહિ.
જયકુમાર ર. શુક્લ