ગામા, વાસ્કો દ (જ. 146૦, સીનીશ, પોર્ટુગલ; અ. 2૦ સપ્ટેમ્બર 1524, કોચીન, ભારત) : યુરોપ અને ભારત વચ્ચેના સમુદ્રમાર્ગનો શોધક અને વિખ્યાત વહાણવટી. પિતૃપક્ષે પૂર્વજો પોર્ટુગીઝ લશ્કરના ઉચ્ચ અધિકારી હતા; માતૃપક્ષ આંગ્લ હતો. પિતા કિલ્લાના રક્ષક અધિકારી હતા. તેણે શિક્ષણ ઇવોરા ગામમાં લીધું હતું. તે સમુદ્રવિજ્ઞાનનો સારો જ્ઞાતા હતો.

વાસ્કો દ ગામા

બાર્થોલૉમ્યુ ડાયેઝની કેપ ઑવ્ ગુડ હોપ સુધીના આફ્રિકાના પશ્ચિમ કિનારાના દરિયાઈ માર્ગની શોધને લીધે તથા પેરો દ કૂવીલ્યાંએ જમીનમાર્ગે કરેલા ભારતના પ્રવાસના બયાનથી પ્રેરાઈને પોર્ટુગીઝ રાજા જ્હૉન બીજાએ ભારતનો દરિયાઈ માર્ગ શોધવાની બાબતમાં રસ લીધો હતો. પોપ દ્વારા ભારતનો દરિયાઈ માર્ગ શોધવાનું કામ પોર્ટુગલને સોંપાયું હતું તથા વહાણો બાંધવા તેણે હુકમ કર્યો હતો; પરંતુ તે કામ પૂર્ણ થાય તે પહેલાં 1495માં તેનું મૃત્યુ થયું. તેના અનુગામી મનવેલ પહેલાએ ભારતની દરિયાઈ સફર માટે હુકમ આપ્યો અને ગામાને કાફલાનો અધિપતિ નીમ્યો. આ કાફલામાં સાન ગેબ્રિયલ, સાન રાફેલ, બેરિયો અને સાધનસામગ્રી માટેનું એક અન્ય વહાણ હતું. ગામા ગેબ્રિયલનો નૌકાધ્યક્ષ હતો, જ્યારે તેનો ભાઈ પાઉલો રાફેલનો નૌકાધ્યક્ષ હતો. ચારે વહાણોમાં બધા મળીને 17૦ માણસો હતા. તેણે 1497ની આઠમી જુલાઈએ પ્રયાણ કર્યું હતું. મોસલ ઉપસાગરમાં વહાણોનું સમારકામ હાથ ધર્યું. અહીં તેણે પોર્ટુગીઝ માલિકી દર્શાવતો શિલાસ્તંભ રોપ્યો. નાતાલના તહેવારોના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના પૂર્વકિનારે તે ઊતર્યો અને 1498ના જાન્યુઆરી દરમિયાન અહીં તેણે મુકામ કર્યો. આગળ જતાં તે મોઝામ્બિક આવી પહોંચ્યો. તેને મુસલમાન ધારીને સુલતાને ભારતના માર્ગ માટે ભોમિયો આપ્યો. તે તેને 7 એપ્રિલ 1498ના રોજ મલિન્દી લાવ્યો. અહીં ઇબ્ન અલ માજીદ નામનો ભોમિયો તેણે સાથે લીધો. કચ્છના ઇતિહાસ પ્રમાણે કાનજી માલમ નામનો ભોમિયો હતો. વાસ્કો દ ગામાએ મસાલા માટે ખંભાત લઈ જવા કહેતાં તેણે આ માટે કાલિકટ સ્થળ યોગ્ય છે એમ જણાવ્યું. વાસ્કોએ 2૦ મે 1498ના રોજ કાલિકટ બંદરે ઉતરાણ કર્યું. વાસ્કો દ ગામા પાસે પોર્ટુગીઝ રાજાના પ્રેસ્ટર જ્હૉન અને ભારતના રાજા ઉપરના ભલામણપત્રો હતા. ઝામોરીને વાસ્કો દ ગામાનું સ્વાગત કર્યું, પણ તેને અપાયેલી ભેટો તેને તુચ્છ લાગી. પોર્ટુગીઝોનું આગમન દરિયા ઉપર અબાધિત વર્ચસ્ ધરાવતા આરબ વહાણવટીઓ અને વેપારીઓને ગમ્યું નહિ અને પોર્ટુગીઝો તો ચાંચિયા છે વગેરે ભંભેરણી કરી. આ કારણે તેમને કાલિકટમાં વેપાર કરવાની સંમતિ મળી નહિ. આથી વાસ્કો દ ગામા કાલિકટના ખંડિયા કોલથીરીના રાજાના પ્રદેશમાં ઊતર્યો. અહીંથી તેણે 29 ઑગસ્ટ 1498ના રોજ પોર્ટુગલ તરફ પ્રયાણ કર્યું. 1499ના ઑગસ્ટમાં માત્ર 55 માણસો સાથે તે લિસ્બન પાછો ફર્યો. આ શોધ બદલ તેને પેન્શન, રોકડ ઇનામો તથા જાગીર ઉપરાંત એડમિરલનો હોદ્દો આપવામાં આવ્યો. વેપારની હરીફાઈને કારણે પોર્ટુગીઝો સ્થાનિક લોકો સાથે અથડામણમાં આવ્યા અને કેટલાક માણસો માર્યા ગયા. પોર્ટુગલમાં આ સમાચાર મળતાં રાજાએ વાસ્કો દ ગામાને 2૦ વહાણોના કાફલા સાથે કાલિકટ મોકલ્યો. તેણે કાલિકટ ઉપર તોપમારો કર્યો. કિનારે ઊતરી લોકોને લૂંટ્યા. તેણે ભયંકર કત્લેઆમ કરી લોકોને ભયભીત કર્યા. કોચીનના રાજા સાથે સંધિ કરી. 15૦3માં તે પાછો ફર્યો અને રાજાના સલાહકાર તરીકે નિમાયો. 1524માં ભારતમાં આવેલા પોર્ટુગીઝ પ્રદેશના વાઇસરૉય તરીકે તેને મોકલ્યો. અહીં આવીને તેણે પોર્ટુગીઝ વેપારીઓ તથા કર્મચારીઓની ગેરરીતિઓ તથા ભ્રષ્ટાચાર કડક હાથે દાબ્યા. થોડા જ વખતમાં તેનું મૃત્યુ થયું. તેને ગોવામાં દફનાવવામાં આવ્યો. 1539માં તેના અવશેષો પોર્ટુગલમાં લવાયા. રેસ્ટેલો ખાતે આવેલ દેવળમાં છેવટે આ અવશેષો દાટવામાં આવ્યા.

શિવપ્રસાદ રાજગોર