ગાડગીળ, ગંગાધર (જ. 25 ઑગસ્ટ 1923, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 2008) : મરાઠી લેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી, સિડનહૅમ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નિયુક્ત થયા. કૉલેજમાં હતા ત્યારથી જ એમણે વાર્તાઓ લખવા માંડેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માનસ ચિત્રે’ 1946માં પ્રગટ થયો. એ વાર્તાઓથી નવી દિશામાં વળાંક હતો અને નવી મરાઠી વાર્તાઓનો ઉદય થયો એમ કહેવાય. એમાં બીજા વિશ્વયુદ્ધની થયેલી તાંડવલીલાનું તથા કોમી હુલ્લડોની બર્બરતાથી થયેલી ભગ્નાવસ્થાનું આલેખન થયું છે. ‘કડૂ આણિ ગોડ’(1948)ના વાર્તાસંગ્રહમાં, સમકાલીન સમાજમાંની આત્મપ્રતારણા તથા મૂલ્યવિહીનતાનું દર્શન કરાવ્યું છે. ‘નવ્યા વાટા’(195૦)માં એમણે વાર્તાની કથનશૈલી અને પ્રસ્તુતીકરણમાં અવનવા પ્રયોગો કર્યા છે. તે પછી ‘તલાવાતીલ ચાંદણેં’ (1954), ‘વેગળે જગ’ (1955), ‘પાળણા’ (1961) તથા ‘ગુણાકાર’ (1963) એમની પ્રયોગાત્મકતાનાં સીમાચિહ્નો છે. એમની સમગ્ર વાર્તાઓનો સંગ્રહ ‘ગાડગીળાંચ્યા કથા’ નામે પ્રગટ થયો છે.
‘લિલીચે ફૂલ’ (1955) એમની નવલકથા છે. એમાં પાત્રોનું નિરૂપણ મનોવૈજ્ઞાનિક રીતે કર્યું છે. યૌનભાવનાની દુર્દમ્યતા એમાં આલેખાઈ છે. લોકમાન્ય ટિળકના જીવનચરિત્ર પર લખાયેલી નવલકથા ‘દુર્દમ્ય’ (1968) મરાઠી નવલકથાસાહિત્યમાં એ પ્રકારની કથાઓમાં આગલી હરોળમાં સ્થાન પામે છે. ‘જ્યોત્સ્ના આણિ જ્યોતી’ (1963) એમનું સમસ્યાનાટક છે. તે રંગમંચ પર અનેક વાર સફળ રીતે ભજવાયું છે. ‘બંડૂ’ એમનાં હાસ્યપ્રધાન એકાંકી નાટકોનો સંગ્રહ છે. તેમાં એમણે વ્યંગ અને કટાક્ષ દ્વારા સફળતાથી હાસ્યરસનું નિરૂપણ કર્યું છે. ‘બંડૂ’નું પાત્ર મરાઠીભાષીઓમાં અત્યંત લોકપ્રિય બન્યું છે.
એમણે ભારત તથા વિદેશોનો પ્રવાસ પણ ખેડ્યો છે. એમનાં પ્રવાસ-પુસ્તકોમાં, ‘ગોપુરાંચ્યા પ્રદેશાત’(1952)માં દક્ષિણ ભારતના પ્રવાસનું વિગતપૂર્ણ વર્ણન અને એ પ્રદેશનો સર્વાંગી પરિચય છે. ‘સાત સમુદ્રાંપલીકડે’ (1959) એ વિદેશોના પ્રવાસનું પુસ્તક છે.
‘ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂને’ યોજેલી વિશ્વ વાર્તા હરીફાઈમાં એમની વાર્તા પ્રથમ પારિતોષિક માટે પસંદ કરાઈ હતી તથા એમના ‘તલાવાતીલ ચાંદણે’ સંગ્રહને રાજ્યનાં ત્રણ પારિતોષિકો મળ્યાં હતાં. 1967માં એમને રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળી હતી. એમના હળવા નિબંધોનાં બે પુસ્તકો ‘ફિરક્યા’ તથા ‘ઓલે ઉન્હ’ એમને મરાઠી નિબંધસાહિત્યમાં મોખરાનું સ્થાન અપાવે છે. ‘આમ્હી આપલે થોર પુરુષ હોણાર’ (1957) તથા ‘લખૂચી રોજનીશી’ (1948) બાળસાહિત્યનાં પુસ્તકો છે. ‘ખડક આણિ પાણી’ સાહિત્યવિવેચનનું પુસ્તક છે. આ રીતે કવિતા સિવાય સાહિત્યના લગભગ બધા પ્રકારોમાં એમણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ગંધર્વયુગ’ શીર્ષક હેઠળ તેમણે લખેલી દૂરદર્શનશ્રેણી આકાશવાણી મુંબઈએ 2૦૦૦માં રજૂ કરી હતી, જેમાં તેમણે મરાઠી રંગભૂમિના બાલગંધર્વ યુગનો ઇતિહાસ આલેખ્યો હતો.
લલિતા મિરજકર