ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ બલિયા જિલ્લો અને બિહારનો શાહબાદ જિલ્લો, દક્ષિણ તરફ ચંદોલી અને વારાણસી જિલ્લા તથા પશ્ચિમ તરફ જૉનપુર અને આઝમગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક ગાઝીપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ગાઝીપુર

ભૂપૃષ્ઠ : જિલ્લાની પૂર્વ–પશ્ચિમ મહત્તમ લંબાઈ 90 કિમી. અને ઉત્તર­–દક્ષિણ મહત્તમ પહોળાઈ 60 કિમી. જેટલી છે. ગંગા અને અન્ય નદીઓના ખીણ વિભાગો સિવાય જિલ્લાનું ભૂપૃષ્ઠ મેદાની છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે. જિલ્લાનું સ્થળશ્ય મુખ્યત્વે જળપરિવાહ રચના પર આધારિત છે. અહીંની જમીનો રેતાળ, માટીવાળી, ગોરાડુ અને ફળદ્રૂપ છે. જિલ્લામાં જંગલો આવેલાં નથી. અહીં જોવા મળતાં વૃક્ષોમાં આંબા, આમલી, સીસમ, પાઇન, મહુડો, બાવળ, જામફળ, જૅકફ્રૂટ, જાંબુડો, બોરડી વગેરેનો સમાવેશ થાય છે.

જળપરિવાહ : ગંગા અહીંની મુખ્ય નદી છે, તે ગાઝીપુર અને વારાણસીની સરહદ બનાવે છે. ગોમતી, ગંગની, બિસુ, મોંગાઈ અને ભેંસાની સહાયક નદીઓ છે. આ ઉપરાંત કર્માંસા અને ટોન્સ પણ અગત્યની નદીઓ છે. જિલ્લામાં થોડાં જળાશયો અને સરોવરો પણ આવેલાં છે.

ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. અહીંના કૃષિપાકોમાં ડાંગર, ઘઉં, મસુર અને બટાટા મુખ્ય છે. અન્ય પાકોમાં જવ, ચણા, મકાઈ, અડદ, તુવેર, મગ, વટાણા અને બાજરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ફળો અને શાકભાજીનું વાવેતર પણ થાય છે. અનાજ અને બટાટાની જાળવણી માટે આગાર ઊભાં કરાયાં છે. જંગીપુર અને મુહમ્મદાબાદ અને શાકભાજીનું મોટું માર્કેટ આવેલું છે.

ખેડૂતો આવકવૃદ્ધિ માટે પશુપાલન પણ કરે છે. ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ઊંટ અહીંનાં મુખ્ય પશુઓ છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો વિકસાવાયાં છે. અહીં દૂધ અને દૂધની પેદાશો મેળવાય છે. અહીંથી દૂધ, ઘી વગેરે જેવી પેદાશો નજીકના જિલ્લાઓમાં પહોંચાડાય છે. ઘેટાંઉછેર દ્વારા ઊન અને ધાબળાનું ઉત્પાદન લેવાય છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લામાં ખનિજો મળતાં ન હોવાથી તેને લગતા કોઈ ઉદ્યોગો નથી. અહીં કૃષિઓજારો, ખાંડ, દાળ અને અફીણનું ઉત્પાદન કરતા એકમો  આવેલા છે. ગાલીચા-શેતરંજી, પ્લાસ્ટિકનાં રમકડાં, વાંસની બનાવટની ચીજો, માટીનાં વાસણો-પાત્રો-રમકડાંના તથા ધોવાનો સાબુ અને પેટીઓ બનાવવાના ગૃહઉદ્યોગો આવેલા છે.

જિલ્લામાં હાથસાળનું કાપડ, અફીણ, ઍલ્યુમિનિયમનાં વાસણો, બીડીઓ, લાકડાની ચીજવસ્તુઓ અને છાપકામ માટેની શાહી તૈયાર કરવામાં આવે છે. અહીંથી હાથવણાટની સાડીઓ, અફીણ, ઘઉં અને ચોખાની નિકાસ અને સૂતર, કેરોસીન અને સિમેન્ટની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની સારી સગવડ છે. બ્રૉડ ગેજ અને મીટર ગેજ રેલમાર્ગોની લંબાઈ અનુક્રમે 41 અને 52 કિમી. જેટલી છે. પાકા સડકમાર્ગોની લંબાઈ 750 કિમી.ની છે. બીજા સડકમાર્ગોની લંબાઈ 500 કિમી.થી વધુ છે. ગાઝીપુર સડકમાર્ગે વારાણસી અને ગોરખપુર સાથે સંકળાયેલું છે.

મુસાફરોની અવરજવર અને માલની હેરફેર માટે બસો, ગાડાં, ટૅક્સી અને ટ્રૅક્ટર તથા ટ્રકોની સગવડ પૂરતા પ્રમાણમાં છે.

પ્રવાસન : લોકવાયકા મુજબ કેવટે રામચંદ્રજીના પગ પખાળીને તેમને નદી પાર કરાવેલા તે નદી (હવે આ નદી પોખર-તળાવ-માં ફેરવાઈ ગયેલી છે) અહીં આવેલી હતી, વિજયા દશમીએ એને લગતોપગ પખાળવાનો ઉત્સવ ઊજવાય છે. આ સિવાય અહીં લૉર્ડ કૉર્નવૉલિસનું ધાતુનું પૂતળું – સ્મારક તરીકે મુકાયેલું છે, આ સ્મારક આજે ભગ્ન સ્થિતિમાં જોવા મળે છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન થાય છે. કહેવાય છે કે ગાઝીપુરનું સ્થળ પાષાણયુગની પ્રાચીનતાની યાદ અપાવે છે, તેથી ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો માટે અહીં સંશોધનની પૂરતી તક છે.

વસ્તી–લોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 40,84,790 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓની વસ્તી 75% છે, જ્યારે બાકીની 25% વસ્તીમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોનો સમાવેશ થાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 66% જેટલું છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ છે. કૉલેજોની સંખ્યા મધ્યમસરની છે. ગાઝીપુર અને મુહમ્મદાબાદમાં દવાખાનાંની સુવિધા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકા અને સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 8 નગરો અને 2661 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પટણાના શુંગ વંશના રાજાઓના અંકુશમાં તથા ત્યાર બાદ ગુપ્તવંશના ચંદ્રગુપ્તના કબજામાં આ પ્રદેશ હતો. તે પછી ઈસુની 7મી સદીમાં તેના ઉપર થાણેશ્વરના સમ્રાટ હર્ષનો અંકુશ હતો. ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગે આ પ્રદેશની મુલાકાત લીધી હતી. તે જણાવે છે કે અશોકે અહીં એક સ્તૂપ બંધાવ્યો હતો. એક અનુશ્રુતિ અનુસાર દિલ્હીના રાજા પૃથ્વીરાજના વંશજ રાજા માંધાતાને મારી નાખીને કેટલાક ગાઝીઓએ આ મુલક કબજે કરી તેને ગાઝીપુર નામ આપ્યું. ગાઝીપુર નગર ઈ. સ. 1330(હિજરી 730)માં સ્થપાયું તેમ માનવામાં આવે છે. આ પ્રદેશ ઉપર મુઘલોએ શાસન કર્યું હતું. બ્રિટિશ આધિપત્ય સ્થપાયા બાદ, 1857ના વિપ્લવ વખતે ગાઝીપુરમાં 65મી નેટિવ ઇન્ફન્ટ્રી હતી અને તે બ્રિટિશ સરકારને વફાદાર રહી હતી; પરંતુ આઝમગઢથી આવેલા લોકો ગાઝીપુરમાં રહ્યા અને આખા જિલ્લામાં હિંસક બનાવો બન્યા. આંતરવિગ્રહ જેવી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ; પરંતુ કેટલાક સંઘર્ષો પછી અંગ્રેજો આખા જિલ્લાનો કબજો મેળવી શક્યા. 1947માં દેશને સ્વતંત્રતા મળ્યા બાદ ત્યાં લોકશાહીની સ્થાપના થઈ.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ