ગાઝી, અબ્દુલ રશીદ (જ. 29 જાન્યુઆરી 1964, ઇસ્લામાબાદ, પાકિસ્તાન; અ. 1૦ જુલાઈ 2૦૦7, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ઉગ્રવાદી મુસ્લિમ ધર્મગુરુ અને ઇસ્લામાબાદ ખાતેની લાલ મસ્જિદના મુખ્ય ધર્મગુરુ. મૌલાના અબ્દુલ અઝીઝના નાના ભાઈ. તેમના પિતા મૌલાના અબ્દુલે તેમને બાળપણમાં ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે મદ્રેસામાં દાખલ કરેલા; પરંતુ થોડાક જ સમય બાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલા. ત્યાર બાદ તેમણે પાકિસ્તાની કાયદે આઝમ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત તરીકે તેઓ પાકિસ્તાનના શિક્ષણ મંત્રાલયમાં દાખલ થયેલા. તેઓ નાનપણથી જ બળવાખોર વૃત્તિના હતા, જેને કારણે તેમણે પિતાની ઇચ્છાનો અનાદર કરી દાઢી રાખવાની ના પાડી તથા જે મુસલમાનોએ કુરાનશરીફ ધર્મગ્રંથ સમગ્ર રીતે ગોખી નાંખ્યું હોય તેઓ પોતાના નામ સાથે ‘હાફીઝ’ પદવી શરૂઆતમાં લગાડતા હોય છે તે લગાડવાની પણ અબ્દુલ રશીદે ના પાડી હતી. આને કારણે ગુસ્સે ભરાયેલા તેમના પિતાએ પોતાની સમગ્ર સંપત્તિ પોતાના વસિયતનામામાં અબ્દુલ રશીદના મોટા ભાઈ અબ્દુલ અઝીઝના નામે કરી હતી; પરંતુ 1998માં પિતા મૌલાના અબ્દુલ્લાની લાલ મસ્જિદના પ્રાંગણમાં વિરોધી ઇસ્લામી જૂથના એક કટ્ટરવાદીએ ખૂન કર્યા પછી અબ્દુલ રશીદની વિચારસરણીમાં અને જીવનમાં એકાએક વળાંક આવ્યો અને તેની રૂએ તેઓ મવાળ વિચારસરણીનો ત્યાગ કરી કટ્ટરવાદીઓના જૂથમાં સામેલ થયા હતા અને તેને કારણે તેમણે પણ ત્યારથી પોતાના નામ સાથે શરૂઆતમાં ‘હાફીઝ’ પદવી લગાડવાની શરૂઆત કરી. સાથોસાથ ઇસ્લામના વિજેતા સૈનિકો ‘ગાઝી’ નામની જે અટક પોતાના નામના અંતે લગાડતા હોય છે તે અટક અબ્દુલ રશીદે પણ સ્વીકારી અને ત્યારથી તેઓ અબ્દુલ રશીદ ગાઝી નામથી સર્વત્ર ઓળખાતા થયા. તેમણે પાકિસ્તાનના શિક્ષણ વિભાગની નોકરી એક બાજુ ચાલુ રાખી અને બીજી બાજુ પોતાના મોટા ભાઈ સાથે પોતે પણ લાલ મસ્જિદના વહીવટમાં આગળ પડતો ભાગ લેતા થયા. કટ્ટરવાદી મુસ્લિમોના નેતા બનવાનું અબ્દુલ રશીદનું પહેલું પગથિયું હતું. ટૂંક સમયમાં જ લાલ મસ્જિદમાં તેમનો પ્રભાવ વધતો ગયો. અબ્દુલ રશીદની વિચારસરણીમાં જે પલટો આવ્યો તેમાં તેમના મોટા ભાઈ અબ્દુલ અઝીઝનો ફાળો મોટો હતો. અબ્દુલ અઝીઝે અબ્દુલ રશીદને લાલ મસ્જિદના વહીવટના કામમાં પોતાના મદદનીશ (deputy) તરીકેનો હોદ્દો પણ આપ્યો.
વર્ષ 2૦૦1માં રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફે અફઘાનિસ્તાનમાં અમેરિકાને મદદ કરવાનો જે નિર્ણય લીધો તેને લીધે રોષે ભરાયેલા અબ્દુલ રશીદ તેની સામે પડ્યા. તેવી જ રીતે વર્ષ 2૦૦4માં પાકિસ્તાનની કેન્દ્ર સરકારે મુશર્રફના નેતૃત્વ હેઠળ તાલીબાન પરસ્ત આદિવાસી (tribal) ફિરકાઓ સામે જે સશસ્ત્ર કાર્યવાહી કરી તેને લીધે અબ્દુલ રશીદના નેતૃત્વ હેઠળના મુસ્લિમ કટ્ટરપંથીઓમાં ઉગ્ર પ્રતિક્રિયા થઈ અને તેમણે મુશર્રફ સામે મોરચો ઊભો કર્યો, તે આટલે સુધી કે મુશર્રફની હત્યા કરવા માટે લાલ મસ્જિદના પ્રાંગણમાંથી લોકોને ઉશ્કેરવાની ઝુંબેશ પણ શરૂ કરી. કદાચ તેને પરિણામે જ મુશર્રફના કાફલાઓ પર 2–3 વાર હુમલા પણ થયા હતા જેમાંથી તે દર વખતે સહીસલામત બચી ગયા હતા. લાલ મસ્જિદનું પરિસર અને ખાસ કરીને તેમાં કામ કરતા બે મદ્રેસા – જામિઆ હાફસા અને જામિઆ ફરિદિઆ મુશર્રફ વિરોધી કાવતરાનાં મુખ્ય કેન્દ્રો બની ગયાં હતાં. વર્ષ 2૦૦6થી ઇસ્લામાબાદ ખાતેની પાકિસ્તાનની કેન્દ્ર સરકારની શાસન કરવાની સત્તા સામે પણ પડકાર ફેંકવાની શરૂઆત થઈ. સાથોસાથ દેશની સરકારને મુશ્કેલીમાં મૂકવા માટે પાકિસ્તાનમાંના કેટલાંક કેન્દ્રો અને પ્રતિષ્ઠાનો પર સશસ્ત્ર હુમલા કરવામાં આવ્યા, દેશવિદેશના નાગરિકોના અપહરણનો સહારો લેવામાં આવ્યો અને ખાસ તો ચીનનાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોને તેમની સામે કાદવ ઉછાળીને હિંસક કૃત્યોના નિશાન બનાવવામાં આવ્યાં.
છેવટે જુલાઈ 2૦૦7માં જ્યારે લાલ મસ્જિદ ખાતેની પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ અને પાકિસ્તાની સરકાર અને ઉગ્રવાદીઓ વચ્ચેની મંત્રણાઓ નિષ્ફળ નીવડી ત્યારે મુશર્રફના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની લશ્કરની ટુકડીઓએ લાલ મસ્જિદમાં અડ્ડો જમાવીને બેઠેલા ઉગ્રવાદીઓ સામે ‘ઑપરેશન સાયલન્સ’ હેઠળ 1૦ જુલાઈ 2૦૦7ના રોજ સશસ્ત્ર કામગીરી કરી, જેમાં માર્યા ગયેલા 75 ઉગ્રવાદીઓમાં શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કરનારા અબ્દુલ રશીદનો પણ સમાવેશ થતો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે