ગાંધી, રાજમોહન દેવદાસ (જ. 7 ઑગસ્ટ 1935, દિલ્હી) : જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય. તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હીમાં મૉડર્ન સ્કૂલ તથા સેંટ સ્ટીવન્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ સાપ્તાહિક હિમ્મત, મુંબઈના મુખ્ય સંપાદક (1964–81), ઇન્ડિયન એક્સપ્રેસ, ચેન્નાઈ(મદ્રાસ)ના સ્થાનિક સંપાદક (1985–87) રહ્યા. 1982–84 દરમિયાન તેઓ પ્રેસ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના સભ્ય રહ્યા. વિશ્વની વિવિધ યુનિવર્સિટીઓમાં તેઓ મુલાકાતી પ્રાધ્યાપક અને ફેલો રહ્યા અને કેટલીક યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ ઉપાધિ પ્રદાન કરી છે.
તેમણે પ્રકાશિત કરેલ ગ્રંથોમાં ‘રિવેન્જ ઍન્ડ રીકન્સિલિએશન : અન્ડરસ્ટૅન્ડિંગ સાઉથ એશિયન હિસ્ટરી’, ‘ધ ગુડ બોટમૅન : એ પૉર્ટ્રેટ ઑવ્ ગાંધી’, ‘પટેલ : એ લાઇફ’ અને ‘અન્ડરસ્ટૅન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ’નો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘રાજાજી : એ લાઇફ’ એક સુંદર અને ગંભીર ચરિત્ર છે. તેની આકર્ષક શૈલી ઉપરાંત તેનાં અનોખાં છબિચિત્રોની એક પૂરી વીથિકાનું સર્જન તેની સાહિત્યિક ગુણવત્તાના પ્રતીક સમું છે. જીવનચરિત્રને આખ્યાન બનાવવાની દુર્લભ ક્ષમતા, તથ્યોની પ્રામાણિકતા અને તેમાંના યથાર્થ સામાજિક ચિત્રણને કારણે આ કૃતિ અંગ્રેજીમાં લખાયેલ ભારતીય ચરિત્રસાહિત્યનું એક અનોખું પ્રદાન ગણાય છે.
પ્રકાશ ન. શાહ
બળદેવભાઈ કનીજિયા