ગાંધી, મેનકા (જ. 26 ઑગસ્ટ 1956, દિલ્હી) : ભારતીય રાજકારણના પટ પર તેજલિસોટાની જેમ ચમકી જનાર મહિલા. તેમણે શાળાકીય શિક્ષણ લૉરેન્સ હાઈસ્કૂલમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીરામ કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યાં તેઓ સંજય ગાંધીના પરિચયમાં આવ્યાં અને તે પરિચય લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ તેમણે ત્રણ વર્ષ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જર્મન ભાષાનો અભ્યાસ કર્યો.

મેનકા ગાંધી

ધનિક પિતા લેફ. કર્નલ ટી. એસ. આનંદનાં પુત્રી હોવાના કારણે બાલ્યાવસ્થાથી જ તેઓ સ્વભાવે ઉગ્ર અને વધુ પડતાં સ્વાભિમાની હતાં. પરિણામે તેમને જીવનમાં અનેક સંઘર્ષો કરવા પડ્યા. નહેરુ કુટુંબની એક રાજકીય અભિલાષા સમા સંજય ગાંધીના અકાળ અવસાન પછી તેમનો ખૂબ જાણીતો સંઘર્ષ તેમનાં સાસુ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સામે શરૂ થયો. રાજકીય ક્ષેત્રે રાજીવ ગાંધીનાં હજુ પગરણ પણ થયાં નહોતાં ત્યારે ઇન્દિરા ગાંધીના એક હરીફના રૂપમાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાને વિકસાવવાના પ્રયાસ રૂપે તેમણે ‘સંજય રાષ્ટ્રીય મંચ’(Sanjay National Forum)ની રચના કરી. કૉંગ્રેસની સામે જનતાદળે ઊભા કરેલા સંયુક્ત મોરચામાં તેઓ ‘સંજય રાષ્ટ્રીય મંચ’ સાથે જોડાઈ ગયાં. તેઓ સંસદમાં ચૂંટાયાં અને ભૂતપૂર્વ વડાપ્રધાન વી. પી. સિંહના કેન્દ્રીય પ્રધાનમંડળમાં પર્યાવરણનાં મંત્રી નિમાયાં.

તેઓ ‘સૂર્યા’ નામના સામયિક(માસિક)નાં તંત્રી હતાં અને તેમનાં લખાણો લોકપ્રિય બનેલાં. તેમણે સંજય ગાંધીના જીવનને આવરી લેતું આકર્ષક આલબમ (1994) પ્રકાશિત કર્યું છે. તેમનો પ્રાણીઓ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ સુવિદિત છે.

મીનળ ચૌહાણ