ગાંધી, મથુરાદાસ લાલજીભાઈ (જ. 1875;  અ. 6 ઑગસ્ટ 1957, મોડાસા) : મોડાસા પંથકમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા સાબરકાંઠાના સ્વાતંત્ર્યસેનાની. પિતા લાલજીભાઈ પીતાંબરદાસ ગાંધી અને માતા સંતોકબહેન. તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને પિતાની સાથે દહેગામની શાળામાં માત્ર 15 વર્ષની ઉંમરે માસિક રૂપિયા સાતના પગારથી મદદનીશ શિક્ષક બન્યા. પરંતુ ટૂંકો પગાર ન પોસાતાં, મેઢાસણ, રૂપાલ, શીણાવાડ વગેરે દેશી રાજ્યોમાં કારકુન તથા કામદાર તરીકે અને દેવની મોરીના ઠાકોરના કારભારી તરીકે સેવા આપી. તે દરમિયાન 1905માં બંગભંગની ચળવળ શરૂ થતાં, કારભારીપણું છોડ્યું અને મોડાસાની શંકર રામજી ધર્મશાળામાં વલ્લભદાસ દેસાઈના અધ્યક્ષપદે સભા બોલાવી, તેમાં પ્રથમ રાજદ્વારી ભાષણ આપી સ્વદેશની લડતમાં ઝંપલાવ્યું.

તેમણે 1905માં બે માસ કોલકાતા રોકાઈ, બંગભંગની લડતનો અભ્યાસ કરીને, સાબરકાંઠામાં વિલાયતી ખાંડ અને વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ ચલાવી. પરિણામે 1922–23 સુધીમાં એકલા મોડાસામાં 240 રેંટિયા ફરતા થઈ ગયા હતા.

મોરી ઠાકોરનું કારભારીપણું છોડ્યા પછી મથુરાદાસ મુંબઈમાં વેપારી પેઢી ચલાવતા હતા. ત્યાં 1920 સુધીમાં રાષ્ટ્રીય ચળવળના રંગે રંગાયા. તેથી નાના ભાઈ મોહનલાલને પેઢીની જવાબદારી સોંપીને તે મોડાસા આવ્યા અને સાબરકાંઠાના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની બન્યા.

1920–21 દરમિયાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલેલી અસહકારની લડતના તમામ કાર્યક્રમોને તેમણે સાબરકાંઠામાં અમલમાં મૂકી બતાવ્યા. 1930–31ની સવિનય કાનૂનભંગની લડત દરમિયાન તેમણે પરદેશી કાપડ બહિષ્કારની લડતને જોરદાર બનાવી. તેથી 12 જુલાઈ 1930ના રોજ તેમની ધરપકડ થઈ. તેમને 8 માસની સજા થઈ. તે તેમણે સાબરમતી જેલના ‘મહાત્મા હૉલ’માં ભોગવી. 12 માર્ચ 1931ના રોજ તે જેલમાંથી છૂટ્યા ત્યારે મોડાસામાં ‘મથુરાદાસ દિન’ ઊજવીને ‘ધર્મયુદ્ધ’ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે 8 એપ્રિલ 1930ના રોજ ‘સ્વરાજ સબરસ’ સાબરકાંઠાનાં અનેક ગામોમાં વેચ્યું હતું.

‘હિંદ છોડો’ લડતમાં તેમની આગેવાની હેઠળ રમણલાલ સોની, રમણલાલ ગાંધી, નટવરલાલ ગાંધી, પુરુષોત્તમદાસ શાહ, હરિલાલ ગાંધી વગેરે જોડાયા હતા. મોડાસાના મહાલકારી ચોકસીએ મથુરાદાસને પકડી સાબરમતી જેલમાં મોકલી દીધા હતા. તેથી મોડાસામાં એ ચળવળ જોરદાર બની હતી.

મથુરાદાસે ઈડર, માલપુર, બાલાસિનોર વગેરે દેશી રાજ્યોની પ્રજાને દેશી રાજાઓના જુલમમાંથી છોડાવવા માટે પ્રજાકીય મંડળો સ્થાપીને લડત ચલાવી હતી. આમ મથુરાદાસ આઝાદીની લડતના તમામ તબક્કામાં સક્રિય ભાગ ભજવીને સાબરકાંઠામાં ચાલેલી આઝાદીની લડતના સુકાની બન્યા હતા.

મથુરાદાસે રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવી હતી. તે માટે તેમણે દશા નીમા વિદ્યોત્તેજક ફંડ, મોડાસા કેળવણી મંડળ, મોડાસા મહિલા મંડળ, સંસ્કૃત પાઠશાળા, બાલાસિનોર લોકસમાજ, મોડાસા તાલુકા કૉંગ્રેસ, મોડાસા તાલુકા લોકલ બોર્ડ, મોડાસા પ્રદેશ સેવા સંઘ, ઈડર પ્રજાકીય મંડળ, આદિવાસી સેવા સમિતિ, સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ, મહીકાંઠા પ્રદેશ પ્રજાસંઘ, ઈડર ખેડૂત મંડળ, અમદાવાદ જિલ્લા લોકલ બોર્ડ વગેરે સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમની સેવાઓની કદરરૂપે મોડાસામાં સ્થપાયેલ ઉચ્ચતર કેળવણી મંડળ સાથે તેમનું નામ જોડેલું છે.

મહેશચંદ્ર પંડ્યા