ગાંધી, પ્રવીણચંદ્ર (જ. 25 ઑગસ્ટ 1922; અ. 9 માર્ચ 2010) : દેના બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર. પિતાનું નામ વરજીવન અને માતાનું નામ ગુણવંતીબહેન.

1969માં રાષ્ટ્રીયકરણ થયા પછી કસ્ટોડિયનપદે નિમાયા. પ્રવીણચંદ્ર ગાંધીની વૈવિધ્યપૂર્ણ – દશકોની કારકિર્દીમાં તેઓ ભારતીય ભાષાનાં અખબારોના સંગઠન, ઇન્ડિયન ન્યૂઝ પેપર્સ સોસાયટી, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, ભારતીય વિદ્યાભવન, ઇન્ડિયન નૅશનલ થિયેટર તથા વ્યાપાર ઉદ્યોગનાં સંગઠનો – Ficci Assocham અને IMCના માર્ગદર્શક રહ્યા હતા. કૉર્પોરેટ ક્ષેત્રમાં મોટી પબ્લિક લિ. કંપનીઓના ડાયરેક્ટર હતા. વ્યાપારી, સામાજિક થિયેટર અને ધાર્મિક ઉપરાંત મીડિયાના ક્ષેત્રમાં દાયકાઓ સુધી સક્રિય ભૂમિકાથી ઉચ્ચ ધારાધોરણ સ્થાપ્યાં અને વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું.

1960માં ઇન્ડિયન મર્ચન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને 1962માં પ્રમુખ બન્યા પછી દશક સુધી વ્યાપાર-ઉદ્યોગના માર્ગદર્શક રહ્યા. ઑલ ઇન્ડિયા ઍસોસિયેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ, મહારાષ્ટ્ર ઇકૉનૉમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ અને બૉમ્બે શ્રોફ ઍસોસિયેશનના વિકાસમાં સક્રિય ભાગ લીધો.

અખબારી સ્વાતંત્ર્યના પ્રખર પુરસ્કર્તા પ્રવીણભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ અને મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે સતત બે દશક સુધી જન્મભૂમિ પત્રોનો વિકાસ માર્ગ પ્રશસ્ત કર્યો. પ્રેસટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ(1988)પદે ચૂંટાયા.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ અને મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે એમણે જન્મભૂમિ પત્રોના વિકાસમાં સક્રિય યોગદાન આપ્યું છે. કુદરતી આપત્તિ હોય કે આક્રમણ હોય ત્યારે રાહત ભંડોળ છલકાવવામાં અને તેના સદઉપયોગ-વિતરણમાં એમનાં જ્ઞાન અને અનુભવ અજોડ હતાં.

એક પ્રતિષ્ઠિત બૅન્કર, નાણાકીય સલાહકાર તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે, વર્ષ 2002માં ભારત સરકારે એમને પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા.

કુન્દન વ્યાસ