ગાંડીવ (1925–1973) : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરતના ઉપક્રમે પ્રસિદ્ધ થતું રહેલું બાળકોનું પખવાડિક. નાનાં બાળકોથી માંડી કિશોરોને ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પખવાડિકના તંત્રી નટવરલાલ માળવી હતા. બાળવાર્તા, બાળકાવ્યો, દેશવિદેશની કિશોરકથાઓ, વિવિધ કહેવતો, કોયડા, ભુલભુલામણીનાં ચિત્રો ઇત્યાદિ દ્વારા બાળકની જિજ્ઞાસાને વધુ સતેજ કરવાનો અભિગમ રહેતો. ‘ગાંડીવ’ 1925ના જુલાઈ માસથી શરૂ થયું હતું. એમાંની મનોરંજક વાર્તાઓ દ્વારા લંબોદર શર્મા જેવું હાસ્યરસિક પાત્ર સર્જાયું હતું. બકોર પટેલ તો એ કાળે બાળકો-કિશોરોનું પ્રિય પાત્ર હતું. હરિપ્રસાદ વ્યાસનું આ સર્જન દીર્ઘકાળ સુધી બાળકોને મનોરંજન આપતું રહ્યું. ‘જાણવા જેવું’ વિભાગમાં અવનવી માહિતી અપાતી. વિદેશી સર્જકોની વાર્તાઓ, સાહસકથાઓ, દરિયાઈ કથાઓ, વિજ્ઞાનકથાઓ જેવી સામગ્રી દ્વારા કિશોરોની જિજ્ઞાસા સંતોષાતી. આ સચિત્ર પખવાડિકનો દિવાળી અંક વિપુલ માહિતીથી સભર રહેતો. કોયડા અંક સહુને માટે રસપ્રદ નીવડે તેવો બન્યો હતો. લગભગ પાંચ દાયકા લગી ‘ગાંડીવ’ દ્વારા બાળ-કિશોર સાહિત્યનું સર્જન થતું રહ્યું. 1973માં ‘ગાંડીવ’ બંધ પડ્યું.
પ્રફુલ્લ રાવલ