ગાંઠિયા માખી : તલના પાકમાં ઉપદ્રવ કરતી દ્વિપક્ષ (diptera) શ્રેણીના સેસિડોમાયડી કુળની એક જીવાત ગૉલ ફલાય (Asphondylia sesami). તલનો પાક જ્યારે ફૂલ અવસ્થાએ આવે ત્યારે આ જીવાતના નુકસાનથી ફૂલમાંથી ડોડવા બેસવાને બદલે ગાંઠિયા (ગૉલ્સ) થઈ જાય છે. આ કીટકની પુખ્ત અવસ્થા ફિક્કા પીળાશ પડતા રંગની અને પગ વગરની હોય છે. તે ગાંઠમાં જ રહે છે, માદા માખી ફૂલની અંદર ઈંડાં મૂકે છે. તેમાંથી નીકળતા ડીંભ/ઇયળ ફૂલના ભાગો ખાય છે. તેના કારણે ડોડવા બેસતા નથી અને ફૂલ આગળ ગાંઠ બને છે. તેથી આ જીવાતને તલની ‘ગાંઠિયા માખી’ તરીકે ઓળખવામાં આવે છે. આ કીડા ફૂલમાં જ કોશેટો બનાવે છે. કોશેટા અવસ્થા પૂરી થતાં તેમાંથી નાજુક માખી નીકળે છે. પાકની ઋતુ દરમિયાન તેની 4થી 5 પેઢી થાય છે. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી આ જીવાતનો ઉપદ્રવ ખાસ જોવા મળતો હોય છે. નુકસાન વધતું અટકાવવા ઉપદ્રવ લાગેલા છોડનો નાશ કરવો અને અગાઉ ઊગેલા બિનઋતુમાં થતા તલના છોડનો નાશ કરવો હિતાવહ છે. ઉપદ્રવ વધુ જણાય તો મૉનોક્રોટોફૉસ 0.04 ટકા, મિથાઇલ પેરાથિયોન 0.05 ટકા અથવા ફૉસ્ફામિડોન 0.03 % પ્રવાહી મિશ્રણ પૈકી ગમે તે એકનો છંટકાવ કરવો પડે છે. આ ગૉલ ફલાયની ઇયળ ઉપર ચેલ્સિડ કુળનું પરોપજીવી કીટક-યુરીટોમાં ડેન્ટીપૅક્ટસ, જૈવ નિયંત્રક (biological control) છે. તેનાથી આ ગાંઠિયા માખની ઇયળનું કુદરતમાં નિયંત્રણ શક્ય બને છે.

પી. એ. ભાલાણી

પરબતભાઈ ખી. બોરડ