ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ)
January, 2010
ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ) : રાષ્ટ્રીય ખ્યાતિ પામેલું ચેન્નાઈનું વિશાળ મ્યુઝિયમ. 1851માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. 1828થી ચેન્નાઈની લિટરરી સોસાયટીએ ચેન્નાઈમાં ભૂસ્તરશાસ્ત્રનું મ્યુઝિયમ રચવાની શરૂઆત કરેલી અને 1850માં ગ્રીન બેલ્ફેરનાં ખંતભર્યાં સાથ-સંભાળથી ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની કૉલેજમાં આ મ્યુઝિયમ શરૂ થયું. મ્યુઝિયમની સ્થાપના સમયે 19,830 નમૂના એકઠા થયા હતા. દિનપ્રતિદિન સંગ્રહમાં વધારો થતો રહ્યો અને વિશાળ મકાનની રચના પણ થવા માંડી. તેના ફળસ્વરૂપે 1951માં ભારતના વડાપ્રધાન જવાહરલાલના હસ્તે કૉલેજની પાસે જ ‘નૅશનલ આર્ટ ગૅલરી’ ખુલ્લી મૂકવામાં આવી. આ મ્યુઝિયમમાં કલા, પુરાતત્વ,
નૃવંશશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર તેમજ સિક્કાશાસ્ત્રના નમૂનાઓનો સમાવેશ થાય છે. બ્રુસ પુટનાં પ્રાગૈતિહાસિક પાષાણ ઓજારો તેમજ પુરાતત્વ વિભાગમાં સહેલાણીઓને રસ પડે તેવા નમૂનામાં અમરાવતીના બૌદ્ધ સ્તૂપોના અને સુંદર કોતરકામ કરેલા શિલ્પના અવશેષો છે. શરૂઆતના દ્રવિડ, પલ્લવ, ચૌલ અને પાંડ્ય વંશનાં શિલ્પ-સ્થાપત્યના નમૂના પણ ઘણા જ આકર્ષક છે. શિષ્ટ કલા દર્શાવતી ધાતુપ્રતિમાઓ તથા ઉત્તમ કલાકારીગરીવાળી હાથીદાંતની ચીજવસ્તુઓનો સંગ્રહ પણ ઉત્કૃષ્ટ કોટિનો છે. ધાતુપ્રતિમામાં જુદા જુદા પ્રકારની નટરાજની નાનીમોટી મૂર્તિઓનો વિશાળ રસપ્રદ સંગ્રહ પણ સર્વોત્તમ કહી શકાય તેવો છે. કલાવિભાગમાં મુઘલ, રજપૂત તથા અન્ય શૈલીનાં અને રવિ વર્મા જેવા આધુનિક કલાકારોનાં ચિત્રો છે. મ્યુઝિયમમાં સિક્કા તેમજ શિલાલેખોનો પણ વિપુલ સંગ્રહ છે. ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં દક્ષિણ ભારતના ખડકો અને ખનિજોના અશ્મીભૂત અવશેષો, ખાણમાંથી મળી આવેલ અબરખ તેમજ કીમતી પથ્થરોનો સમાવેશ થાય છે. પ્રાણીવિભાગમાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓ, માછલીઓ વગેરેનું પ્રદર્શન છે. આ મ્યુઝિયમમાં વનસ્પતિશાસ્ત્રના નમૂના પણ છે. શૈક્ષણિક પ્રવૃત્તિમાં અવારનવાર સંસ્કૃતિવિષયક પ્રવચનો અને વાર્તાલાપો યોજાય છે. આ મ્યુઝિયમનું થિયેટર ભારતનું એક ઉત્તમ થિયેટર મનાય છે. લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, સિને પ્રૉજેક્ટર વગેરે જેવી વૈજ્ઞાનિક સગવડો ધરાવે છે. ત્યાંનું ‘કોનેમારા’ પુસ્તકાલય શ્રેષ્ઠ ગ્રંથાલયમાં ગણાય છે. તે આ મ્યુઝિયમની પાસે જ આવ્યું હોવાથી મ્યુઝિયમનું પોતાનું ગ્રંથાલય નથી બન્યું.
જ. મૂ. નાણાવટી