ગળતેશ્વર (2) : ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજથી 4 કિમી. દૂર ગલસેરા ગામે સાબરમતીના કિનારે આવેલું મંદિર. અહીં શંકરનું મંદિર છે. સાબરકાંઠા ગૅઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જોવા મળતા ગોળ લિંગને બદલે અહીં ચોરસ લિંગ છે. આ તેની વિશિષ્ટતા છે. હાલ અહીં લિંગના સ્થળે
ખાડો છે અને તેની તિરાડમાંથી પાણી ગળે છે. મુસ્લિમ શાસન દરમિયાન લિંગ ઉપર પ્રહાર કરવાથી આ તિરાડો પડી હશે. પાણીના ગળવાને કારણે ગળતેશ્વર નામ પડ્યું જણાય છે. મંદિરની રચના સાદી, કોઈ પણ જાતના અલંકાર વિનાની છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબી બાજુએ હનુમાનજીનો ગોખ છે, જ્યારે જમણી બાજુના ગોખમાં ગણેશની મૂર્તિ છે. પ્રવેશદ્વારની સામેની દીવાલના ગોખમાં પાર્વતીની મૂર્તિ છે. આ સ્થળ પ્રાચીન છે. તેનો પદ્મપુરાણમાં ઉલ્લેખ છે. નૈસર્ગિક સૌંદર્યથી આકર્ષાઈને લોકો રજામાં ઉજાણી માટે ગળતેશ્વર આવે છે. જન્માષ્ટમી તથા શરદપૂર્ણિમાને દિવસે અહીં મેળો ભરાય છે.
શિવપ્રસાદ રાજગોર