ગળતેશ્વર (1) : ગુજરાત રાજ્યમાં સરનાલ (તા. ઠાસરા, જિ. ખેડા) ગામની સીમમાં ગામથી લગભગ દોઢ કિમી. દૂર ગલતી નદી અને મહીસાગરના સંગમસ્થાને આવેલું મહાદેવનું પ્રાચીન મંદિર. કહેવાય છે કે આ સ્થાને પ્રાચીન કાળમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો. આ મંદિર પુરાતત્વખાતાનું રક્ષિત સ્મારક છે. ચાલુક્યકાળમાં લગભગ દશમી સદીમાં બંધાયેલ આ શિવાલયની રચના એવી રીતે કરવામાં આવી છે કે ગલતી નદીનું જળ શિવલિંગની ફરતે થઈને કુદરતી રીતે

ગળતેશ્વરનું મંદિર

સતત વહ્યા કરે છે. ઊંચા ઓટલા પર પૂર્વાભિમુખ બંધાયેલું આ મંદિર ગર્ભગૃહ અને મંડપની રચના ધરાવે છે. મંડપના મધ્ય ઘુમ્મટને 12 સ્તંભો ટેકવે છે. મંડપની દીવાલોને જાળીદાર પડદીઓથી ઢાંકેલી છે. આ રચના કર્ણાટકનાં ચાલુક્ય મંદિરોને મળતી આવે છે. ગર્ભગૃહ પરનું શિખર નાશ પામ્યું છે. ગર્ભગૃહની બહારની દીવાલો પર શિવનાં વિવિધ સ્વરૂપ હોવા ઉપરાંત દિક્પાલોની પ્રતિમાઓ જોવામાં આવે છે. દશમી સદીમાં આ મંદિરને પરમાર રાજા સીયક બીજાનો રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. આ સ્થળે જન્માષ્ટમી તેમજ મહાશિવરાત્રિએ તથા શ્રાવણ માસના સોમવારે મેળા ભરાય છે. મેળામાં દસેક હજાર માણસો ભાગ લે છે. આ મંદિરની રચના ચાલુક્ય શૈલીની છે અને મહારાષ્ટ્રના કલ્યાણ પાસેના અંબરનાથના મંદિરને મળતી આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ