ગલતોરો
January, 2010
ગલતોરો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia pulcherrima Sw. (બં. કૃષ્ણચુર; ગુ. ગલતોરો, શંખેશ્વર; હિં. ગુલુતરા; સં. રત્નગંધી; મલા. માયિલ્કોન્ના; ત. માયિર્કોન્રાઈ, નાલાલ; અં. પીકૉક ફલાવર, બાર્બેડોસ પ્રાઇડ) છે. તે એક વિદેશી (exotic), સહિષ્ણુ (hardy), શુષ્કતા-રોધી (drought-resistant) ક્ષુપ કે 5 મી. સુધીની ઊંચાઈ ધારણ કરતું નાનું વૃક્ષ છે; અને સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં શોભન
વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. શાખાઓ ચળકતી, અશાખિત કે શાખિત હોય છે અને પત્રાક્ષ(rachis)ના તલ પ્રદેશે સીધી યુગ્મ છાલશૂળ (prickle) આવેલી હોય છે. પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત પ્રકારનાં, પત્રાક્ષ 5–9 જોડમાં અને પ્રત્યેક પત્રાક્ષ ઉપર 6–12 જોડ પર્ણિકાઓ આવેલી હોય છે. પર્ણતલ ગ્રંથિમય કે પિનાધાર (pulvinus) પ્રકારનું હોય છે. તેની બંને બાજુએ ઉપપર્ણો (stipules) આવેલાં હોય છે. પુષ્પો પીળાં, નારંગી-લાલ અથવા પીળી કિનારીવાળાં લાલ, સુંદર, અગ્રસ્થ અને કક્ષીય, 20–30 સેમી. લાંબી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ક્વચિત્ તેના ઉપર પણ સીધી છાલશૂળો જોવા મળે છે. વજ્ર દલાભ (petaloid) અને ઊંડી ખાંચવાળું હોય છે. દલપુંજ અસમાન દલપત્રોનો બનેલો, નહોર જેવા આકારનો અને પીળો કે લાલ હોય છે. શિંબી (legume), કાષ્ઠમય, ચાંચવાળું અને 8–10 બીજવાળું હોય છે. બીજ ચતુષ્કોણાકાર અને કાળાં હોય છે.
ગલતોરો ઘરના આંગણામાં અને ઉદ્યાનોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેનું બીજ દ્વારા પ્રસર્જન સહેલાઈથી કરી શકાય છે. તે પુષ્કળ પ્રમાણમાં પુષ્પો ઉત્પન્ન કરે છે. તેને લોનમાં સારી રીતે ઉછેરી શકાય છે. તેની ઊંચી વાડ પણ બનાવવામાં આવે છે; પરંતુ તેનું સતત સમાકૃન્તન (trimming) કરવું જરૂરી છે. ગલતોરોના મૂળ પર સૂત્રકૃમિઓ (Aphelenchoides sp.) આક્રમણ કરે છે.
ગલતોરાનાં મૂળ ફેફસાં અને ત્વચાના રોગોની ચિકિત્સામાં ઉપયોગી છે. તેનો કાઢો આંતરાયિક (intermittent) તાવમાં આપવામાં આવે છે. મૂળનું ચૂર્ણ બાળકોને આંચકી પર અપાય છે. પર્ણો પ્રતિ-કૅન્સર પ્રક્રિયા દર્શાવે છે. પર્ણોનું સૂકું ચૂર્ણ વિસર્પ(erysipelas)માં ઉપયોગી છે. તેઓ રેચક હોય છે અને સોનામુખીની અવેજીમાં વાપરી શકાય છે. તેઓ જ્વરહર (antipyretic) ગુણધર્મ પણ ધરાવે છે. તેમનો ઉપયોગ ગર્ભસ્રાવક (abortifacient) તરીકે થાય છે. પર્ણોના આસવ કે કાઢાનો મૂત્રપિંડમાં થતી પથરીમાં ઉપયોગ થાય છે. છાલ સંકોચક (astringent) હોય છે અને ગર્ભસ્રાવક અને આર્તવજનક (emmenagogue) તરીકે વપરાય છે. પુષ્પો આંતરડાંનાં કૃમિઓ, કફ અને જુકામ(catarrh)ની ચિકિત્સામાં ઉપયોગી છે. પર્ણો અને પુષ્પોનો નિષ્કર્ષ માત્ર ગ્રામ ધનાત્મક બૅક્ટેરિયા સામે પ્રતિ-જીવાણુક (anti-bacterial) સક્રિયતા દર્શાવે છે. પર્ણો, પુષ્પો અને ફળો ટેનિન, ગુંદર, રાળ, બૅન્ઝોઇક ઍસિડ અને લાલ રંગનું દ્રવ્ય ધરાવે છે. ફળનો ચર્મશોધન દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે.
પ્રકાંડમાં પેલ્ટોગાયનૉઇડ, પલ્ચેરિમિન (C18H12O7, ગ.બિં. 231–32o સે.) અને 6-મિથોક્સિપલ્ચેરિમિન (C19H14O8, ગ.બિં. 270–71o સે.), બે હોમોઆઇસોફલેવોનૉઇડ, બોન્ડુસેલિન અને 8મિથોક્સિબોન્ડુસેલિન (C18H16O5), ઉપરાંત 2, 6–ડાઇમિથોક્સિ બૅન્ઝોક્વિનોન, 4’–મિથાઇલઆઇસોલિક્વિરિટિજેન, પલ્ચેરેલ્પિન (C30H40O7, ગ.બિં. 243–46o સે.) હોય છે.
પ્રકાંડની છાલમાં બે ઇલેજિટેનિન – ટેનિન 1 અને ટેનિન 2 હોય છે. ઉપરાંત તે ગૅલિક, ઇલેજિક અને સિબેસિક ઍસિડ, લ્યુકોડેલ્ફિનિડિન, પ્રોડેલ્ફિનિડિન, ક્વિર્સિમેરિટ્રિન, x–સિઝાલ્પિન અને β–સિટોસ્ટૅરોલ ધરાવે છે. ત્રણ માસના છોડમાંથી ત્રીજું ઇલેજિટેનિન અલગ કરવામાં આવ્યું છે. માયરિસાઇટ્રોસાઇડ નામનો ફલેવોનોસાઇડ વનસ્પતિમાંથી પ્રાપ્ત થયો છે. પુષ્પોમાં સાયનિડિન-3, 5-ડાઇગ્લુકોસાઇડ હોય છે.
મૂળમાં ત્રણ નવા સિઝાલ્પિન – પ્રકારના ડાઇટર્પેનૉઇડો મળી આવ્યા છે : વૉઉએકાપેન–5α–ઓલ (C20H30O2), 6β–સિન્નામોઇલ–7β–હાઇડ્રોક્સિવૉઉએકાપેન–5α–ઓલ (C29H36O5) અને 8, 9, 11, 14–ડાઇડીહાઇડ્રોવૉઉએકાપેન –5α–ઓલ (C20H26O2). ઉપરાંત, મૂળમાં સિટોસ્ટૅરોલ હોય છે. 6β-સિન્નામોઇલ–7β–હાઇડ્રોક્સિવૉઉએકાપેન–5α–ઓલ કોષ-વિષાળુ (cytotoxic) પ્રક્રિયા દર્શાવે છે.
લીલું ખાતર અને શુષ્ક પરિપક્વ બીજ અનુક્રમે 32.1 % અને 34.4 % ક્લેદ ઉત્પન્ન કરે છે. ક્લેદ ગૅલેક્ટોમેનન પૉલિસૅકેરાઇડ છે. બીજપત્રોમાં 46.8 % પ્રોટીન, 16.6 % લિપિડ અને 0.98 % ફૉસ્ફરસ હોય છે. બીજ પીળા રંગનું ખાદ્ય તેલ (7.5 %) ઉત્પન્ન કરે છે. તેની વાસ વિશિષ્ટ હોય છે. તેલના ભૌતિક–રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.29° 0.9016, વક્રીભવનાંક 1.4378, ઍસિડ આંક 1.0, આયોડિન આંક 90.1, સાબૂકરણ આંક 190.0 અને અસાબુનીકૃત દ્રવ્ય 1.2 %, તેલમાં ફૅટીઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 14.7 %, સ્ટિયરિક 9.6 %, ઓલિક 63.0 અને લિનોલિક 22.7 %.
વનસ્પતિ ચારા માટે ઝેરી હોય છે. પર્ણોમાં હાઇડ્રોસાયનિક ઍસિડ હોય છે. તેનાં શુષ્ક પર્ણો સસલાને આપવાથી તે સુસ્ત બને છે; સ્પંદનો અને કષ્ટ શ્વાસ (dyspnea) વધે છે અને અંતે મૃત્યુ પામે છે.
છાલનો નિષ્કર્ષ બટાટાના વાઇરસ Xને અવરોધે છે. પર્ણનો નિષ્કર્ષ Ustilagoની કેટલીક જાતિઓમાં બીજાણુઓનું અંકુરણ (100 %) અટકાવે છે. વનસ્પતિમાંથી ઉત્પન્ન કરેલો કોલસો શાહી બનાવવામાં વપરાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ