ગલન (melting) : ઘન પદાર્થની પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામવાની ક્રિયા. આ ઘટના સ્ફટિકીકરણથી ઊલટી છે. શુદ્ધ ઘન પદાર્થને ગરમી આપવામાં આવતાં તેની અંદરના કણોની સરેરાશ આંદોલનીય ઊર્જા વધતી જાય છે અને છેલ્લે એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સ્ફટિકમાંના કણો તેમનાં પરિરોધી (confining) બળોની ઉપરવટ જઈ શકે તેટલી ઊર્જા સાથે આંદોલન કરે છે. આવે વખતે ઘન પદાર્થ પીગળવાનું શરૂ કરે છે. નિયત (સામાન્ય રીતે 1 વાતાવરણના) દબાણે જે તાપમાને આમ બને છે તે સ્ફટિકીકરણ તાપમાન અથવા ઠારબિંદુ જેટલું જ હોય છે, પણ તેને ગલનબિંદુ (melting point) Tf કહેવામાં આવે છે. આ તાપમાને ઘન અને પ્રવાહી પ્રાવસ્થા (phase) એકબીજા સાથે સમતોલનમાં હોય છે. વધુ ઘનને પિગાળવા માટે આ રીતે જે અણુઓ વધારે ઊર્જા સાથે દૂર થાય છે તેટલી ઊર્જાની પૂર્તિ કરવા માટે વધુ ગરમી આપવી પડે છે, પણ જ્યાં સુધી ઘન અને પ્રવાહી બન્ને એકબીજા સાથે સમતોલનમાં હોય ત્યાં સુધી તાપમાનમાં વધારો થતો નથી. એક મોલ (mole) ઘન પદાર્થ પીગળીને એક મોલ પ્રવાહીમાં તાપમાનમાં ફેરફાર વગર ફેરવાય ત્યારે જેટલી ગરમી (કૅલરી અથવા જૂલ) શોષાય તેને ગલનની ગુપ્ત ઉષ્મા (latent heat of fusion), Lf કહે છે. ફેરફાર અચળ દબાણે થતો હોવાથી આ ગુપ્ત ઉષ્મા પ્રવાહી અને ઘન અવસ્થાની એન્થાલ્પીના તફાવત બરાબર હોય છે :

ગલનબિંદુએ ગલનની પ્રક્રિયા પ્રતિવર્તી (reversible) હોવાથી ગલનની ગુપ્ત ગરમી એ પ્રતિવર્તી ઉષ્મા છે.

જ. દા. તલાટી