ગર્ભ-યકૃત અંત:ક્ષેપ (foetal liver infusion, FLI) : ગર્ભશિશુ(foetus)ના યકૃત(liver)ના કોષોનું નિલંબિત દ્રાવણ (suspension) નસ વાટે ચડાવવું તે. સૌપ્રથમ મુખ્યત્વે ગર્ભના યોક-સૅકમાં, ત્યારબાદ કલેજા કે યકૃતમાં અને છેલ્લે અસ્થિમજ્જામાં લોહીના કોષો બને છે. ગર્ભશિશુમાં લગભગ દોઢ માસથી શરૂ થઈને 8થી 10 માસ સુધી યકૃતમાં લોહીના કોષો ઉદભવે છે. તેમાં 3થી 6-7 માસ સુધી તે જ મુખ્ય ઉત્પાદન-સ્થાન છે (જુઓ આકૃતિ). તે સમયે યકૃતમાં 80 %થી 90 % કોષો રુધિરકોષ-પ્રસર્જી (haemopoietic) પેશીનાં હોય છે. તેથી 8થી 20 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત પછી તેના યકૃતમાં કોષોને નસ વાટે આપીને લોહીના કોષોનું ઉત્પાદન બંધ થયું હોય તેવા અપસર્જી પાંડુતા (aplastic anaemia) વિકારમાં તેમનો પ્રાયોગિક ઉપયોગ કરવાના પ્રયત્નો થયા હતા. ઉપરાંત થેલૅસેમિયા તથા લોહીના કૅન્સર(leukaemia)માં પણ તેને વાપરવાના પ્રયોગો કરાયેલા હતા. વિશિષ્ટ માધ્યમ(medium)માં સંપૂર્ણ જીવાણુરહિત વાતાવરણમાં ગર્ભ-યકૃત કોષોનું દ્રાવણ બનાવાય છે. તેમાંના કોષોની સજીવતા (viability) નિશ્ચિત કર્યા પછી બહારના દર્દીઓના વિભાગમાં દર્દીને તે નસ વાટે અપાય છે. ગર્ભ-યકૃતની રુધિરકોષપ્રસર્જી પેશીના આદિકોષો(stem cells)માં કોઈ પ્રતિજનતા (antigenicity) હોતી નથી તેથી તેમને દર્દીના કોષોના પેશીજૂથ (tissue-type) સાથે સરખાવવાની જરૂર હોતી નથી.
આમ આ એક સરળ, ઓછી ખર્ચાળ અને અસ્થિમજ્જા પ્રત્યારોપણ(bone marrow transplantation)ની અવેજીમાં વાપરી શકાય એવી પદ્ધતિ હતી. તેથી શરૂઆતમાં તેણે ઘણો ઉત્સાહ સર્જ્યો હતો. ચીન અને અમેરિકામાં શરૂઆતના પ્રયોગો થયા હતા અને પાછળથી ભારતમાં પણ દિલ્હી અને અમદાવાદ ખાતે તેના પ્રયોગો આરંભાયા હતા (1980–1990). તેનો સાનુકૂળ પ્રતિભાવ 25 %થી 62 % દર્દીઓમાં જોવા મળ્યો હતો; પરંતુ લોહીના કોષો બનવાનું લાંબા સમય સુધી ચાલુ રહ્યું ન હતું. કોઈ ખાસ આડઅસરો જોવા મળી ન હતી. ક્યારેક યકૃત-કાર્ય-કસોટીઓ અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વિષમ (abnormal) થયાં હતાં. તેનાથી ટૂંકા સમય માટે લાભ થાય છે તથા કેટલાક નૈતિક પ્રશ્નો પણ ઉદભવે છે તેથી તેના પ્રયોગો હાલ બંધ છે.
શિલીન નં. શુક્લ
ભરત જે. પરીખ