ગર્ભપાત (abortion) : ગર્ભશિશુ જીવી શકે એટલો વિકાસ ન થયો હોય તે સમયે કુદરતી કે કૃત્રિમ રીતે સગર્ભાવસ્થાનો અંત આવવો તે. આપોઆપ થતા ગર્ભપાતને સાદી ભાષામાં કસુવાવડ (miscarriage) કહે છે. સામાન્ય રીતે તે 20 અઠવાડિયાંથી નાનો અને 500 ગ્રામથી ઓછા વજનનો ગર્ભ હોય છે. ગર્ભપાત મુખ્યત્વે 2 પ્રકારના છે : કુદરતી અથવા આપોઆપ થતો ગર્ભપાત અને પ્રેરિત (induced) અથવા કૃત્રિમ ગર્ભપાત (જુઓ સારણી 1).

સારણી 1 : ગર્ભપાતના પ્રકારો

(અ) કુદરતી અથવા આપોઆપ (spontaneous) થતો ગર્ભપાત

(1)    એક અને અપુનરાવર્તી

(ક)  સંભવિત (threatened)

(ખ)  નિશ્ચિત (inevitable)

(ગ)  અપૂર્ણ (incomplete)

(ઘ)  પૂર્ણ (complete)

(ચ)  લક્ષણરહિત (missed)

(છ)  સપૂય (septic)

(2)    પુનરાવર્તી (recurrent)

(ક)  પ્રથમ ત્રણ મહિનામાં

(ખ)  બીજા ત્રણ મહિનામાં

(આ) કૃત્રિમ અથવા પ્રેરિત (induced)

(1)    કાયદેસર

(ક)  પ્રથમ ત્રણ મહિનામાં

(ખ)  બીજા છ મહિનામાં (20 અઠવાડિયાં સુધી)

(2)   ગેરકાયદેસર (ગુનાઇત)

(ક)  સપૂય

કુદરતી ગર્ભપાત : કુદરતી ગર્ભપાતનો દર 10 % સગર્ભાવસ્થાઓ ગણાય છે; પરંતુ બીટા-હ્યૂમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન (β-HCG) નામના દ્રવ્યનું લોહીમાંનું પ્રમાણ નિશ્ચિત કરવાના વિવિધ પ્રયોગોએ દર્શાવ્યું છે કે 35 % ઋતુસ્રાવચક્રોમાં ગર્ભધારણ (conception) થાય છે. તેમાંના ફક્ત ⅔ કિસ્સાઓમાં શારીરિક તપાસથી નિદાન કરી શકાય છે અને તેથી ફક્ત 10 %થી 15 % કિસ્સામાં ગર્ભપાતનું નિદાન કરાય છે. કુલ ગર્ભધારણના 30 %-40 % કિસ્સામાં ગર્ભપાત થાય છે; પરંતુ 20 %થી 30 % કિસ્સામાં ખૂબ શરૂઆતના સમયમાં તેમ થતું હોવાથી તેનું નિદાન થયું હોતું નથી (આકૃતિ 1). આમ મોટા ભાગના ગર્ભપાત સગર્ભાવસ્થાની ખૂબ શરૂઆતમાં જ થાય છે. સગર્ભાવસ્થાનાં 8 અઠવાડિયાં પછી ગર્ભપાતનો દર ઘટીને 3.2 % જેટલો થઈ જાય છે. શરૂઆતના તબક્કામાં થતા ગર્ભપાતને શરૂઆતની સગર્ભાવસ્થાનો વ્યય (early pregnancy wastage) કહે છે અને તે કદાચ સુયોગ્યની જૈવ પસંદગી(biological selectivity of the fittest)નો કુદરતી ક્રમ પણ હોઈ શકે.

આકૃતિ 1 : યુવાન દંપતીઓના એક વર્ષ સુધીના અભ્યાસ દરમિયાન સળંગ 1000 ઋતુસ્રાવચક્રો : (ક) 1000 ઋતુસ્રાવચક્રો, (ખ) અંડકોષમોચન (ovulation), (ગ) અંડકોષનું ફલન (fertilization), (ઘ) ફલિતાંડ(zygote)નું ગર્ભાશયમાં સ્થાપન (implantation), (ચ) શરૂઆતની સગર્ભાવસ્થા તથા (છ) તેનું પરિણામ. 1000 ઋતુસ્રાવચક્રોમાં 950માં અંડકોષ છૂટો પડે, (ખ1) અને 50માં તે ન છૂટો પડે (ખ2), 950 અંડકોષવાળાં ઋતુસ્રાવચક્રોમાંથી 879માં તેનું ફલન શક્ય બને (ગ1) અને 71માં તેનું ફલન ન થાય (ગ2), અંડકોષ વગરનાં ઋતુસ્રાવચક્રો (50) અને અંડકોષનું ફલન ન થાય (71) તે અસફળ ફલિતા સૂચવે છે (અ). 879 ફલિતાંડોમાંથી 776નું ગર્ભાશયમાં સ્થાપન થાય (ઘ1) તથા 103 ફલિતાંડ સ્થાપન ન થાય (ઘ2). તેવી જ રીતે સ્થાપિત થયેલા 667 ફલિતાંડોમાંથી 103નો શરૂઆતમાં જ વ્યય થાય છે (ચ2). આમ સગર્ભાવસ્થામાંનું નિદાન થાય તે પહેલાં 206 ફલિતાંડોનો વ્યય થાય (આ). 667 સ્થાપિત સગર્ભાવસ્થામાંથી 600માં સજીવજન્મ (છ1) થાય, 6 મૃતશિશુનો જન્મ (છ3) અને 67નો ગર્ભપાત થાય છે (છ2), જેનું નિદાન થયેલું હોય. આમ જેનું નિદાન ન થયું હોય એવા 23 % ગર્ભપાતો (આ) અને જેનું નિદાન થયું હોય એવા 8 % ગર્ભપાતો (ઇ) મળીને કુલ આશરે 31 % ગર્ભપાત થાય. નોંધ : (I) અને (III) 1000 ઋતુસ્રાવચક્રોનું પ્રવર્તન દર્શાવતા આલેખો તથા (II) 879 ફલિત થયેલા કિસ્સાનો આલેખ.

જ્યાં ગર્ભ પ્રસ્થાપિત થયો હોય એવી ગર્ભાશયની અંદરની દીવાલ(decidua basalis)માં લોહી વહે અને આસપાસની પેશી મૃત્યુ પામે ત્યારે ફલિતાંડ કે પ્રાગર્ભ (ભ્રૂણ) આખેઆખો થોડા પ્રમાણમાં છૂટો પડી જાય છે. તેને બાહ્ય પદાર્થ ગણીને ગર્ભાશયમાં સંકોચનો ઉદભવે છે, જે તેને બહાર કાઢી નાખે છે. બહાર નીકળેલી કોથળી(sac)માં કરમાયેલો (macerated) ભ્રૂણ હોય છે. ક્યારેક જો તેમાં ભ્રૂણનો અંશ ન દેખાય તો તેને કરમાયેલો (blighted) અંડ કહે છે. ક્યારેક આવા અંડની આસપાસ લોહીનો ગઠ્ઠો જામેલો જોવા મળે છે. ક્યારેક ગર્ભજળમાં લોહીના ગઠ્ઠા જામે તો કઠણ ગાંઠોવાળો ગર્ભપાતી-અંડ જોવા મળે છે. જો ગર્ભશિશુ વિકાસ પામ્યું હોય અને તે પછી ગર્ભપાત થાય તો ગર્ભશિશુ કરમાઈ જાય છે, તેનું માથું દબાઈ જાય છે, પેટ ફૂલે છે અને તે ઝાંખા લાલ રંગનું બને છે. ગર્ભની ચામડી પોચી પડે છે. તેની પોપડીઓ વળીને ખરી પડે છે તથા તેના અંદરના અવયવોમાં કોષનાશ થાય છે, ગર્ભજળ શોષાઈ જાય છે અને ક્યારેક ગર્ભશિશુ સાવ સૂકું બની જાય છે. ગર્ભપાત પછી 2 અઠવાડિયે અંડકોશમોચન (ovulation) ફરી શરૂ થાય છે. અને તેથી નવો અંડકોશ છૂટો પડીને ફલન માટે તૈયાર થાય છે.

કુદરતી ગર્ભપાતનાં કારણો : 80 % ગર્ભપાત પ્રથમ 12 અઠવાડિયાંમાં થાય છે. તેમાંના અર્ધા ઉપરાંતના ગર્ભમાં રંગસૂત્રોમાં વિષમતા હોય છે (જુઓ આકૃતિ 2). ગર્ભપાતનો દર માતા અને પિતાની વય સાથે પણ સંબંધ ધરાવે છે (આકૃતિ 3). જો માતા આગલી પ્રસૂતિ પછી પ્રથમ મહિનામાં ફરીથી ગર્ભ ધારણ કરે તોપણ ગર્ભપાતનો દર વધે છે. દરેક વખતે ગર્ભપાતનું કારણ જાણી શકાતું નથી (25 %); પરંતુ સામાન્ય રીતે સગર્ભાવસ્થાની શરૂઆતના તબક્કામાં થતા ગર્ભપાતમાં સૌપ્રથમ ભ્રૂણ કે ગર્ભશિશુ મૃત્યુ પામ્યું હોય છે, જ્યારે પાછળના તબક્કામાં તેવું થતું હોતું નથી. ગર્ભના મૃત્યુનું કારણ અંડકોશ કે ફલિતાંડ(zygote)ના જનીનીય (genetic) બંધારણમાં વિકૃતિ હોય છે અથવા માતામાં અને ક્યારેક પિતામાં કોઈ રોગ હોય છે. 70 % ગર્ભમાં કોઈ દૈહિક વિષમતા (morphologic abnormality) હોય છે અને 60 % કિસ્સામાં રંગસૂત્રોમાં વિકાર હોય છે. વિવિધ પ્રકારની રંગસૂત્રીય વિષમતા જોવા મળે છે, જેમ કે દેહસૂત્રીય ત્રિસૂત્રતા (autosomal trisomy), એકસૂત્રતા (monosomy), ત્રિગુણિત (triploidy) કે ચતુર્ગુણિત (tetraploidy) રંગસૂત્રીયતા, રંગસૂત્રની સંરચનામાં વિકૃતિ વગેરે. ક્યારેક લિંગસૂત્રો(sex chromosomes)ની સંખ્યા વધેલી હોય છે.

આકૃતિ 2 : રંગસૂત્રોમાં વિકૃતિવાળા ગર્ભના થતા ગર્ભપાતનું પ્રમાણ

સગર્ભાવસ્થાના પાછલા તબક્કામાં થતા ગર્ભપાતમાં રંગસૂત્રીય વિષમતા ભાગ્યે જ જોવા મળે છે. આવા કિસ્સામાં જનીનીય વિકૃતિ (genetic mutation) અથવા માતાના વિકારો (15 %) મુખ્ય ભાગ ભજવે છે, જેમ કે બ્રુસેલા, લિસ્ટેરિયા, માયકોપ્લાઝમા, ક્લેમાયડિયા વગેરે સજીવોના ચેપથી થતા રોગો, ક્ષય કે કૅન્સરથી ઉદભવતી શારીરિક ક્ષીણતા, લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, થાઇરૉઇડ ગ્રંથિ(ગલગ્રંથિ)ની વધુ કે ઓછી ક્રિયાશીલતાના વિકારો, પ્રોજેસ્ટેરોન(progesterone)ની ઊણપ, અપૂરતું પોષણ, તમાકુનું સેવન, વિકિરણન (radiation) સાથે સંસર્ગ તથા વાતાવરણમાંનાં વિવિધ ઝેરી દ્રવ્યો (દા. ત., આર્સેનિક, સીસું, ફૉર્માલ્ડિહાઇડ, બેન્ઝીન, ઇથિલીન ઑક્સાઇડ) વગેરે. અગાઉ ગર્ભનિરોધક દવાનું સેવન કરવાથી ગર્ભપાતનો દર વધતો નથી; પરંતુ ગર્ભાશયમાં આવું કોઈ સાધન મૂકવામાં આવ્યું હોય અને તે નિષ્ફળ ગયું હોય તો ચેપજન્ય ગર્ભપાત થાય છે. ક્યારેક માતામાંની પ્રતિરક્ષાલક્ષી (immunologic) વિષમતાઓ પણ ગર્ભપાત સર્જે છે. માતા અને ગર્ભના લોહીના કોષોની અસંગતતા પણ ક્યારેક ગર્ભપાત કરે છે. પેટ પર અન્ય કારણસર શસ્ત્રક્રિયા કરવાથી ઘણી વખત ગર્ભપાત થાય છે. શારીરિક ઈજા કે માનસિક આઘાતથી ગર્ભપાત થાય છે એવું સાબિત થયેલું નથી. માતાના જનનમાર્ગમાં આવ્યા પછી જો 3-4 દિવસે અંડકોશ ફલિત થાય તો તેનો ઘણી વખત ગર્ભપાત થાય છે. ગર્ભાશયના રોગો : દા. ત., ગર્ભાશયનું તંતુસમાર્બુદ (fibroid) અથવા ગર્ભાશયના પોલાણની દીવાલો ચોંટેલી હોવી વગેરે પણ ગર્ભપાત કરે છે. ફાઇબ્રૉઇડથી ગર્ભપાત થયો છે એવું ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેની મોટી ગાંઠ ગર્ભાશયના પોલાણને નાનું કરે અને ગર્ભપાતનું અન્ય કોઈ કારણ મળે નહિ. ગર્ભાવસ્થામાં જો માદા ગર્ભશિશુ ડાયઇથાયલસ્ટીબેસ્ટેરોલ(DES)ના સંસર્ગમાં આવ્યું હોય તો તેના ગર્ભાશયમાં વિકૃતિ અને વિષમતાઓ ઉદભવે છે. આવી માતાને ગર્ભપાત થવાની સંભાવના વધુ છે.

આકૃતિ 3 : માતા તથા પિતાની ઉંમરની ગર્ભપાતના દર પર અસર

કુદરતી ગર્ભપાતની સારવાર : કુદરતી ગર્ભપાતની સારવારને 5 જુદી જુદી અવસ્થાઓની સારવાર રૂપે નક્કી કરવામાં આવે છે. આ પાંચ જુદી જુદી અવસ્થાઓ છે : સંભવિત (threatened) ગર્ભપાત, નિશ્ચિત (inevitable) ગર્ભપાત, અપૂર્ણ (incomplete) ગર્ભપાત, લક્ષણરહિત (missed) ગર્ભપાત અને પુનરાવર્તી (recurrent) ગર્ભપાત.

સંભવિત (threatened) ગર્ભપાત : સગર્ભાવસ્થાના પ્રથમ અર્ધા ભાગમાં યોનિમાર્ગે લોહી પડે છે અથવા લોહીવાળું પ્રવાહી પડે ત્યારે ગર્ભપાતની સંભાવના છે એમ મનાય છે. ત્યારે ક્યારેક થોડો દુખાવો થાય છે.
20 %થી 25 % સગર્ભા સ્ત્રીઓને આ સમયે લોહીના ડાઘા પડે છે અને તેમાંની અર્ધા ભાગની સ્ત્રીઓમાં ગર્ભપાત થાય છે. લોહી થોડા પ્રમાણમાં પડે છે પરંતુ તે થોડા દિવસથી માંડીને એક-બે અઠવાડિયાં ચાલુ રહે છે. આવા સંજોગોમાં ગર્ભપાત ન થાય તોપણ કાળપૂર્વ પ્રસૂતિ (preterm delivery), ઓછા વજનનું શિશુ કે જન્મસમયની આસપાસ શિશુનું મૃત્યુ થાય એવું પણ જોવા મળે છે. ક્યારેક આ પ્રકારનો લોહીનો સ્રાવ સામાન્ય ઋતુસ્રાવ હોય છે તો ક્યારેક તે ગર્ભાશય-ગ્રીવા(uterine cervix)ની કોઈ વિષમતા પણ હોય છે. જોકે તેમને પેટના કે પીઠના નીચલા ભાગમાં ધીમો ધીમો દુખાવો થતો નથી. જો અન્ય કારણોસર લોહી વહેતું હોય તો તે તેની સારવારથી કે આપોઆપ બંધ થાય છે, કેટલાક સંભવિત ગર્ભપાતના કિસ્સામાં સારવાર તદ્દન નિષ્ફળ જાય છે. તેથી જો શરૂઆતની સગર્ભાવસ્થામાં બધા જ લોહી વહેવાના કિસ્સાઓને સંભવિત ગર્ભપાતની સ્થિતિ ગણવામાં આવે તો સારવારની સફળતાનો દર ઊંચો આંકવામાં આવે છે. શરૂઆતની સગર્ભાવસ્થામાં લોહી પડે તો ગર્ભનિરોધક સાધન ગર્ભાશયમાં રહી ગયું છે કે નહિ તે તપાસવામાં આવે છે. જો તે હોય તો તેને દૂર કરવામાં આવે છે. જો લોહી પડવા સાથે નિયમિતપણે પેટના આગલા નીચલા ભાગમાં દુખાવો થાય, પીઠના નીચલા ભાગમાં ધીમો દુખાવો થાય અથવા પેટના નીચલા ભાગમાં સતત ધીમો દુખાવો અને સ્પર્શવેદના હોય તો ગર્ભપાત થઈ જવાની સંભાવના વધુ રહે છે. દર્દીને આરામ અપાય છે. કેટલાક નિષ્ણાતો પ્રોજેસ્ટેરોનની ગોળીઓ કે ઇન્જેક્શન આપે છે. પરંતુ તેનાથી થતો લાભ વિવાદાસ્પદ છે. ક્યારેક તે માદા ગર્ભને નુકસાન પહોંચાડે છે. હ્યૂમન ગોનેડોટ્રોફિનનો ઉપયોગ કરવાનું પણ સૂચવાય છે. ખૂબ લોહી પડવાથી ઍનીમિયા (પાંડુતા) થાય, ગર્ભ મૃત્યુ પામ્યો હોય અથવા તેમાં હાઇડેટિડીફૉર્મ મોલ થયો હોય તો તેને દૂર કરવો હિતાવહ ગણાય છે. આ માટે નિયમિત શારીરિક તપાસ, સૉનોગ્રાફી તથા β-HCGના લોહીનું પ્રમાણ જાણવામાં આવે છે.

નિશ્ચિત (inevitable) ગર્ભપાત : સંભવિત ગર્ભપાતની સ્થિતિમાં ગર્ભાશયનું મુખ પહોળું થયેલું હોય અને ગર્ભનાં આવરણો ફાટી ગયાં હોય તો ગર્ભપાત થવાનું નિશ્ચિત મનાય છે. ક્યારેક ગર્ભજળકોષ્ઠ(amniotic cyst)ની અંદર ભરાયેલું પ્રવાહી બહાર નીકળી આવે તો ગર્ભપાત નથી થતો; પરંતુ ઘણી વખત તેમાં ચેપ લાગે અથવા ગર્ભપાત પ્રક્રિયા શરૂ થઈ જાય છે. શરૂઆતની સગર્ભાવસ્થામાં જો અચાનક પ્રવાહી પડવા માંડે તો દર્દીને પથારીમાં આરામ કરવાનું કહેવાય છે. જો પ્રવાહી પડવાનું બંધ થાય તો તેને 48 કલાક પછી હરફર કરવાની છૂટ અપાય છે; પરંતુ જો પ્રવાહી પડવાનું ચાલુ રહે, લોહી પડે, પેટમાં દુખાવો થાય અથવા તેમાં ચેપ લાગે તો ગર્ભપાત નિશ્ચિત છે એમ માનીને ગર્ભાશયમાંથી ગર્ભ દૂર કરવાની સલાહ અપાય છે. તે સમયે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને ઍન્ટિબાયૉટિક દવાઓ તથા નસ વાટે પ્રવાહી અપાય છે અને કૃત્રિમ ગર્ભપાત કરાવાય છે.

અપૂર્ણ (incomplete) ગર્ભપાત : સામાન્ય રીતે 10 અઠવાડિયાં સુધીના ગર્ભપાતમાં ગર્ભ તથા ઓર બંને બહાર નીકળી જાય છે; પરંતુ તે પછીના ગર્ભપાતમાં ઘણી વખત આખી અથવા થોડી ઓર અંદર રહી જાય છે. તેને કારણે વહેલું-મોડું લોહી પડવા માંડે છે. મોડે થયેલા ગર્ભપાતમાં અથવા ઓર થોડી ચોંટી રહેલી હોય તો લોહી ખૂબ પડે છે અને જોખમી સંકટ ઊભું થાય છે. ઓરને દૂર કરવા માટે ક્યારેક ગર્ભાશય-ગ્રીવા(cervix)ને પહોળી કરવાની જરૂર નથી પડતી કેમ કે ઓર છૂટી પડીને ગર્ભાશય-ગ્રીવામાં આવી પડેલી હોય છે. ઘણી વખત ચૂષક-ખોતરક(suction curettage)ની મદદથી ઓર કાઢવી તે સગવડભર્યું છે. જો તાવ આવતો હોય તો ઍન્ટિબાયૉટિક અપાય છે.

લક્ષણરહિત (missed) ગર્ભપાત : સગર્ભાવસ્થાના પ્રથમ અર્ધા ભાગમાં ગર્ભાશયમાં જ ગર્ભનું મૃત્યુ થયું હોય અને ત્યારપછી તે 4થી 8 અઠવાડિયાં ગર્ભાશયમાં જ રહ્યું હોય તો તેને લક્ષણરહિત ગર્ભપાત કહે છે. આવા સંજોગોમાં સંભવિત ગર્ભપાતનાં કોઈ ચિહનો જોવા મળતાં નથી અને સ્તનનો વિકાસ શમી જાય છે; પરંતુ ગર્ભાશય મોટું જ રહે છે. તેનો સમય જતાં થતો વિકાસ અટકી જાય છે. દર્દી વજન ગુમાવે છે. ઘણી વખતે ઋતુસ્રાવ બંધ થઈ ગયો હોય એ સિવાય કોઈ બીજું લક્ષણ હોતું નથી. મોટા ભાગના કિસ્સામાં મૃતગર્ભને શરીર અન્ય ગર્ભપાતની જેમ જ બહાર કાઢે છે. લાંબા સમય સુધી જો મૃતગર્ભ શરીરમાં રહ્યો હોય તો તે કરમાઈ (macerated) જાય છે. ક્યારેક લોહીના ગંઠાવાના વિકારો ઉદભવે છે. સામાન્ય રીતે આવું 4 મહિનાના કે તેનાથી મોટા ગર્ભમાં થાય છે. દર્દીના શરીરમાંથી જુદી જુદી જગ્યાએથી લોહી પડે છે. સંભવિત ગર્ભપાતની સારવારમાં પ્રોજેસ્ટેરોન વાપરવાથી ઘણી વખત લક્ષણરહિત ગર્ભપાત થાય છે. જોકે મોટા ભાગના કિસ્સામાં તેનું કારણ જાણવા મળતું નથી. જરૂર પડ્યે ગર્ભપાત કરાવવા માટે નસ વાટે ઑક્સિટૉસિન અપાય છે કે પ્રોસ્ટાગ્લેન્ડિનનો મલમ યોનિમાર્ગમાં મૂકવામાં આવે છે. શસ્ત્રક્રિયા કરીને પણ ક્યારેક ગર્ભપાત કરાવાય છે.

સારણી 2 : પુનરાવર્તી ગર્ભપાતનાં કારણો

 (1) પ્રથમ 3 માસમાં થતો ગર્ભપાત

(ક)  શુક્રકોષ કે અંડકોષના જનીનોમાં ક્ષતિ

(ખ)  બીટા હ્યૂમન ગોનેડોટ્રોફિન નામના અંત:સ્રાવની ઊણપ

(ગ)  અજ્ઞાત કારણ – કદાચ માનસિક તણાવ

(ઘ)  લોહીના જૂથ(Rh પ્રકાર)ની અસંગતતા

(ચ)  ચેપજન્ય

 (2) બીજા 3 માસમાં થતો ગર્ભપાત

(ક)  અક્ષમ ગર્ભાશય-ગ્રીવા (incompetent cervix)

(અ)  જન્મજાત

(આ)  ઈજાજન્ય

(ખ)  ગર્ભાશય-ગ્રીવામાં ફાઇબ્રોડની ગાંઠ

(ગ)  પાછળ તરફ વળેલું ગર્ભાશય

(ઘ)  માતાને લાંબા સમયના રોગો. દા. ત., લોહીનું ઊંચું દબાણ,

મૂત્રપિંડની નિષ્ફળતા

(ચ)  ચેપજન્ય

(છ)  અજ્ઞાત કારણોસર

પુનરાવર્તી (recurrent) ગર્ભપાત : 3 કે વધુ વખત આપોઆપ થતા ગર્ભપાતના વિકારને પુનરાવર્તી ગર્ભપાતનો વિકાર કહે છે. મોટે ભાગે તેનું કોઈ કારણ હોતું નથી. 70 %થી 90 % કિસ્સામાં ત્યારપછી સફળ સગર્ભાવસ્થાની સંભાવના રહેલી હોય છે. પરંતુ એક ગર્ભપાત પછી બીજો ગર્ભપાત થવાનું જોખમ 20 % છે, બીજા પછી તે 25 % છે, પછી 30 % છે અને ત્યારબાદ વધીને 70–80 % થાય છે. આવા વિકારવાળી સ્ત્રી અને તેના પતિનું રંગસૂત્રીય વર્ગીકરણ (karyotyping) કરાવવું જરૂરી ગણાય છે. ક્યારેક ફૉસ્ફોલાયપિડ (phospholipid) સામે પ્રતિદ્રવ્યો (antibodies) હોય છે અથવા ક્યારેક ગર્ભાશયનું મુખ પૂરેપૂરું બંધ રહેવાને સક્ષમ હોતું નથી. આવા સંજોગોમાં પણ વારંવાર ગર્ભપાત થાય છે. પુનરાવર્તી ગર્ભપાતનાં કારણો સારણી 2માં દર્શાવ્યાં છે.

અક્ષમ ગર્ભાશયગ્રીવા (incompetent cervix) : જ્યારે બીજા ત્રિમાસિક ભાગ (16મા અઠવાડિયે) અથવા ત્રીજા ત્રિમાસિક ભાગની શરૂઆતમાં ગર્ભાશય-ગ્રીવા (cervix) પહોળી થઈ જાય અને દુખાવો ન થતો હોય ત્યારે ગર્ભનાં આવરણો લચી પડે છે. તે ફૂલે અને ફાટી જાય અને તે સાથે સ્વતંત્ર રીતે જીવી ન શકે તેવા ગર્ભશિશુનો પ્રસવ થાય છે. આને અક્ષમ ગર્ભાશય-ગ્રીવાનો વિકાર કહે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે દરેક સગર્ભાવસ્થા સમયે થાય છે. જ્યારે ગર્ભાવસ્થા ન હોય ત્યારે ગર્ભાશયચિત્રણ (hysterography) કરીને, ફૉલિના કૅથેટરના ફુલાવેલા બલૂનને તેમાંથી ખેંચી જોવાની કે સહેલાઈથી નાખી શકાતા ગ્રીવા-વિવૃતક (cervical dilator) વડે ગર્ભાશય-ગ્રીવાનું અંદરનું મુખ પહોળું છે એવું નિશ્ચિત કરવાની નિદાન તપાસ કરાય છે. સગર્ભાવસ્થામાં સૉનોગ્રાફીની મદદથી ગર્ભાશયનું અંદરનું મુખ પહોળું છે કે નહિ તે જોઈ શકાય છે; પરંતુ આ બધી પદ્ધતિઓથી ચોક્કસ નિદાનની ખાતરી નથી. તેનું કારણ જાણી શકાયું નથી. ક્યારેક વિવૃતન અને ખોતરણ (dilatation and curettage, D&C) વખતે કે અન્ય કોઈ પ્રક્રિયા વખતે ગર્ભાશયના અંદરના મુખને ઈજા થઈ હોય તો આવું બને છે. ક્યારેક જન્મજાત વિકાસની ખામી પણ હોઈ શકે. અક્ષમ ગર્ભાશય-ગ્રીવાથી થતો ગર્ભપાત પ્રથમ ત્રિમાસિકમાં આપોઆપ થતા (કુદરતી) ગર્ભપાતથી અલગ પ્રકારનો ગણવો જરૂરી છે કેમકે બંનેનાં કારણો અલગ અલગ છે. અક્ષમ ગર્ભાશય-ગ્રીવાની સારવારરૂપે ગોળ ફરતા (pursestring) ટાંકા લેવાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. તે સમયે લોહી પડવું, ગર્ભાશયનું સંકોચન થવું કે ગર્ભનાં આવરણો ફાટવાં વગેરે વિષમતાઓ થયેલી

આકૃતિ 4 : વારંવાર થતા ગર્ભપાતને અટકાવતી શસ્ત્રક્રિયાનું ચિત્રાત્મક નિર્દેશન (1) ગર્ભાશય, (2) ગર્ભજળકોષ્ઠ જેમાં ગર્ભશિશુ હોય છે, (3) ગર્ભાશય-ગ્રીવા, (4) ગર્ભાશય-ગ્રીવા પર લેવાતો ટાંકો

હોવી ન જોઈએ. સામાન્ય રીતે ટાંકા 14 અઠવાડિયાં પછી લેવામાં આવે છે. 20થી 26મા અઠવાડિયા પછી ટાંકા લેવા હિતાવહ ગણાતા નથી અને દર્દીને આરામ લેવાનું સૂચન કરાય છે. ટાંકા લેતા પહેલાં ગર્ભમાં કોઈ ખામી નથી તથા દર્દી સ્ત્રીને જનનમાર્ગનો કોઈ અન્ય રોગ નથી એવું જાણી લેવાય છે. ટાંકા લીધા પછી જાતીય સંભોગની મનાઈ સૂચવાય છે અને વારંવાર શારીરિક તપાસ કરાય છે. દર્દીને ઓછો શ્રમ કરવાની સલાહ અપાય છે. તેના વડે કાલપૂર્વ પ્રસૂતિ રોકી શકાય છે એવી માન્યતા છે; પરંતુ ક્યારેક ચેપ લાગે કે ગર્ભનાં આવરણો ફાટે તો કાલપૂર્વ પ્રસૂતિ થઈ જાય છે. તે માટે હાલ 2 પ્રકારની શસ્ત્રક્રિયાઓ પ્રચલિત છે : મૅકડોનાલ્ડની પદ્ધતિ (1963) અને શિરોડકરની પદ્ધતિ (1955).

કૃત્રિમ અથવા પ્રેરિત (induced) ગર્ભપાત (આકૃતિ 5) : ગર્ભશિશુનું સ્વતંત્ર જીવન શક્ય ન હોય તેટલી વહેલી સગર્ભાવસ્થાને પૂરી કરી દેવાની પ્રક્રિયાને પ્રેરિત ગર્ભપાત કહે છે. સામાન્ય રીતે તેવું માતાની તંદુરસ્તી માટે કરવામાં આવે છે. તેથી તેની ઉપચારલક્ષી (therapeutic) ગર્ભપાત કહે છે. ભારતમાં ‘મેડિકલ ટર્મિનેશન ઑવ્ પ્રૅગ્નન્સી’ના કાયદાની અંતર્ગત ગર્ભનિરોધ નિષ્ફળ જાય તો કૃત્રિમ ગર્ભપાતને કુટુંબકલ્યાણ કાર્યક્રમના એક ભાગરૂપે આવરી લેવાયો છે. આ પ્રક્રિયામાં કાયદાકીય પાસા ઉપરાંત નૈતિક પાસાં પણ છે. તેથી ગર્ભશિશુની જાતિ( લિંગ ) જાણીને માદા ગર્ભશિશુનો ગર્ભપાત ગેરકાયદેસર કરવાના કાયદા કેટલાંક રાજ્યોમાં થયા છે. બળાત્કારાને કારણે રહેલા ગર્ભને ગર્ભપાત કરાવી દૂર કરાવાય છે. ગર્ભપાતને સરળ રીતે ઉપલબ્ધ કરવાથી જાતીય અનૈતિકતા અને વ્યભિચાર વધવાનો ભય સેવાય છે. જો ગર્ભશિશુમાં મોટી ખામી હોય અથવા તેનો માનસિક અલ્પ વિકાસ (mental retardation) થવાની શક્યતા હોય તોપણ કૃત્રિમ ગર્ભપાત કરવાનું સૂચન કરાય છે. કૃત્રિમ ગર્ભપાતની પદ્ધતિઓ સારણી 3માં દર્શાવી છે.

સારણી 3 : કૃત્રિમ ગર્ભપાતની પદ્ધતિઓ

1 શસ્ત્રક્રિયા :
(અ)  ગર્ભાશય-ગ્રીવાને પહોળી કરીને ગર્ભાશયને ખાલી કરવું

(1)  ખોતરણ (curettage)

(2)  શૂન્યાવકાશકારક અથવા ચૂષક (suction) ખોતરણ

(3)  વિવૃતન અને ખોતરણ (D & C)

(આ)  ઉચ્છેદન :

(1)  ગર્ભાશયછિદ્રણ (hysterotomy)

(2)  ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy)

2 દવાઓ :
(અ)  નસ વાટે ઑક્સિટૉસિન
(આ)  20 % સલાઇન અથવા 30 % યૂરિયાના અતિ-આસૃતીય

(hyperosmolar) દ્રાવણને ગર્ભજળમાં નાખવું

(ઇ)  પ્રોસ્ટાગ્લેન્ડિન E2F અને તેના સમધર્મી(analogue)નો

ઉપયોગ

(i)   ગર્ભજળમાં ઇન્જેક્શન

(ii)  બહિરંડી (extraovular) ઇન્જેક્શન

(iii)  યોનિમાર્ગે અંત:સરણ (vaginal insertion)

(iv)  નસમાં ઇન્જેક્શન

(v)  મોં વાટે

(ઈ)  ઉપરની દવાઓના વિવિધ સમૂહો
(ઉ)  પ્રોજેસ્ટેરોનનો ઉપયોગ

આકૃતિ 5 : શસ્ત્રક્રિયા વડે ગર્ભપાત : (અ, આ) લેમિનેરિયા દંડનો ઉપયોગ, (ઇ) હેગાર વિવૃતકનો ઉપયોગ, (ઉ) ખોતરકનો ઉપયોગ, (1) ગર્ભપાત, (2) ગર્ભાશય-ગ્રીવા (cervix), (3) ગર્ભાશય-ગ્રીવાનું પોલાણ, (4) લેમિનેરિયા દંડ, (4A) ફૂલેલો લેમિનેરિયા દંડ, (5) યોનિ (vagina), (6) ગર્ભશિશુ, (7) હેગારનો વિવૃત્તક (dilator), (8) મૂત્રાશય, (9) મળાશય, (10) કરોડના મણકા, (11) બે રિટ્રેક્ટર, (12) ભગોષ્ઠ, (13) ખોતરક (curet)

હૉસ્પિટલમાં દાખલ કરેલી તંદુરસ્ત માતામાં કરાતા ગર્ભપાતમાં ગર્ભાશયનું મુખ પહોળું કરીને ગર્ભાશયની અંદરની દીવાલ પરથી ગર્ભને ખોતરી કાઢવામાં આવે છે. ક્યુરેટેજ (curettage) અથવા તેને શૂન્યાવકાશકારી ચૂષક(vacuum suction)ની મદદથી બહાર કાઢવામાં આવે છે. ગર્ભાશયનું મુખ અને ગ્રીવાને પહોળાં કરવા પ્રથમ લેમિનેરિયા દંડ અને ત્યારબાદ હેગારના વિવૃતકો (Hegar’s dilators) વપરાય છે. છીંકણી રંગની દરિયાઈ વનસ્પતિ, લેમિનેરિયા ડીજીટાટા (laminaria digitata) અથવા લેમિનેરિયા જેપોનિકા(laminaria japonica)ના થડમાંથી 3થી 10 મિમી. વ્યાસવાળા જુદા જુદા દંડ બનાવાય છે. તે જલગ્રાહી (hydroscopic) છે અને તેથી તેમને ગર્ભાશય-ગ્રીવામાં મૂકવામાં આવે ત્યારે તે ધીમે ધીમે ફૂલીને ગર્ભાશય-ગ્રીવાને પહોળી કરે છે. ત્યારબાદ તેને હેગારના વિવૃતકોની મદદથી મોટા પ્રમાણમાં પહોળી કરાય છે (આકૃતિ 5). ખૂલી ગયેલા ગર્ભાશયના મુખમાંથી ચૂષકને પ્રવેશ આપવામાં આવે છે અને ડેસિડ્યુઆ બેઝાલિસ સિવાયનાં ગર્ભધારણનાં બધાં જ દ્રવ્યો(products of conception)ને દૂર કરવામાં આવે છે. ચૂષણ પદ્ધતિમાં ગર્ભાશય લગભગ પૂરેપૂરું (પરંતુ સંપૂર્ણ નહિ) ખાલી કરી શકાય છે. ત્યારબાદ ખોતરક(curet)ની મદદથી અંદરની સપાટી પર ચોંટી રહેલા ટુકડા દૂર કરાય છે. સમગ્ર પ્રક્રિયામાં પહોળી કરાતી ગર્ભાશય-ગ્રીવાને ઈજા ન પહોંચે અને ખોતરણ કરતી વખતે ગર્ભાશયમાં કાણું ન પડી જાય તેનું ધ્યાન રખાય છે. શૂન્યાવકાશકારી ચૂષક વડે ગર્ભપાત કરવાથી કાણું પડવાનો ભય ઓછો રહે છે. જો માતા અને ગર્ભ વચ્ચે લોહીના Rh જૂથની અસંગતતા હોય તો ઍન્ટિ-ડી-ઇમ્યુનોગ્લૉબ્યુલિનનું ઇન્જેક્શન અપાય છે. ક્યારેક જો ગર્ભાશયમાં રોગ હોય તો ખોતરણને બદલે શસ્ત્રક્રિયા વડે ગર્ભાશયને દૂર કરવાનું અથવા તેમાં કાણું પાડી ગર્ભને દૂર કરવાનું સૂચન કરાય છે. જોકે, ગર્ભાશયમાં કાણું પાડીને ગર્ભપાત કરવાનું (hysterotomy) હાલ ખાસ થતું નથી.

સગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક(4થી 6 મહિના)ના ગાળામાં ઑક્સિટૉસિનને નસ વાટે અંત:ક્ષેપ (infusion) રૂપે આપવાથી ગર્ભપાત થાય છે. સાથે લેમિનેરિયા દંડનો ઉપયોગ કરવાથી ગર્ભપાત વધુ સરળ બને છે. ક્યારેક અતિજલવિષતા (water intoxication), ગર્ભાશય કે ગર્ભાશય-ગ્રીવામાં કાણું પડવા અથવા લોહીનું દબાણ ઘટવા જેવી તકલીફો થાય છે. બીજા ત્રિમાસિક ગાળામાં ગર્ભજળમાં 20 %થી 25 % ક્ષારપાણી (saline) અથવા 30 %થી 40 % યૂરિયાનું દ્રાવણ ઉમેરવાથી ગર્ભપાત થાય છે. પશ્ચિમ દેશમાં આ પદ્ધતિનો ઉપયોગ ઘટ્યો છે કેમકે ક્યારેક તે નિષ્ફળ જાય છે અથવા તેમાં ક્યારેક ક્લોસ્ટ્રિડિયમ પરફ્રિન્જન્સ (clostridium perfringens) જેવા જીવાણુથી જોખમી ચેપ લાગે છે. હાલ ગર્ભપાત કરાવવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિનનાં સંયોજનો વપરાય છે, ખાસ કરીને E2, F2α અને અન્ય સમધર્મી સંયોજનો (analogues). તેમને યોનિમાં અધિસ્થાપિત ઔષધરૂપે (suppository), ગર્ભાશયના નીચલા ભાગમાં લૂગદી (jel) રૂપે અથવા ગર્ભજળમાં ઇન્જેક્શન રૂપે મૂકવામાં આવે છે. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ વડે કરાતા ગર્ભપાતમાં અવતરતું ગર્ભશિશુ જીવતું હોય છે. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ તથા ઍન્ટિ-પ્રોજેસ્ટેરોન RU-486 નામની દવાને મુખ વાટે આપવાના હાલ પ્રયોગો થઈ રહ્યા છે.

પ્રથમ 20 અઠવાડિયાંમાં  યોગ્ય અનુભવવાળા નિષ્ણાત તબીબ દ્વારા માન્ય હૉસ્પિટલ કે કેન્દ્રમાં ગર્ભપાત કરાવવો આવશ્યક ગણાય છે. તે માટે સ્ત્રી તથા તેના પતિની લેખિત મંજૂરી જરૂરી ગણાય છે. પુખ્ત ન હોય એવી છોકરી કે ગાંડી સ્ત્રીનાં માતા કે પિતાની મંજૂરી મેળવવી જરૂરી ગણાય છે. ગર્ભપાત કર્યાની માહિતી ખાનગી રાખવાનું તથા રાજ્યના તબીબી સેવાના વડાને જણાવવાનું જરૂરી ગણાય છે.

પ્રથમ 2 મહિનામાં કાયદેસર રીતે કરાતા ગર્ભપાતમાં માતાની માંદગી કે મૃત્યુનું પ્રમાણ નહિવત્ છે (0.6/1 લાખ). ત્યારબાદ દર 2 અઠવાડિયે આ પ્રમાણ બમણું થાય છે. કાયદેસરના ગર્ભપાતમાં માતાના મૃત્યુનો દર સામાન્ય પ્રસૂતિમાં થતા મૃત્યુના દર કરતાં સાતમા ભાગનો હોય છે.

સપૂય (septic) ગર્ભપાત : ગેરકાયદેસર અથવા ગુનાઇત ગર્ભપાતમાં યોગ્ય સાચવણીઓનો અભાવ હોવાથી ચેપ લાગે, પરુ થાય અને જીવનને જોખમ ઉત્પન્ન થાય છે. હાલ તેનો દર ઘટ્યો છે. તે સમયે ચેપ અથવા તેની વિષતા લોહીમાં પ્રસરે છે (septicaemia), લોહીનું દબાણ ઘટે છે, અને આઘાતની સ્થિતિ (shock) ઉદભવે છે. મૂત્રપિંડ નિષ્ફળ જાય છે અને મૃત્યુ નીપજે છે. અપૂરતો ગર્ભપાત થયો હોય તો તરત જ ગર્ભપાત કરાવવો જરૂરી ગણાય છે અને ઍન્ટિબાયૉટિક આપવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

યોગિની મહેતા