ગર્ભરેશિમ : મરાઠી કવયિત્રી ઇન્દિરા સંત(જ. 1914; અ. 2000)ની કાવ્યરચનાઓનો સાહિત્ય અકાદમી દ્વારા 1984માં પુરસ્કૃત કાવ્યસંગ્રહ. આ તેમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત આ કાવ્યસંગ્રહને 1984 વર્ષનો ‘અનંત કાણેકર ઍવૉર્ડ’ પણ એનાયત થયો છે. આ કાવ્યસંગ્રહમાં 1970 પછી કવયિત્રી દ્વારા રચાયેલી 109 કાવ્યરચનાઓનો સમાવેશ થયો છે, જે સાલવારી પ્રમાણે ગોઠવવામાં આવી છે. તે પૂર્વેના પાંચ કાવ્યસંગ્રહોનાં શીર્ષકો જે તે કાવ્યસંગ્રહમાં સામેલ કરવામાં આવેલા કોઈ એક કાવ્યરચના શીર્ષક પરથી પસંદ કરવામાં આવ્યાં હતાં; પરંતુ આ છઠ્ઠો કાવ્યસંગ્રહ તે બાબતમાં અપવાદરૂપ ગણાય તેવો છે; કારણ કે તેનું શીર્ષક તેમાંની કોઈ કવિતાના શીર્ષક સાથે સંબંધ ધરાવતું નથી. જોકે આ કાવ્યસંગ્રહનું શીર્ષક કાવ્યમય છે અને તે આ સંગ્રહમાં સમાવિષ્ટ કવિતાના પોતનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ગર્ભરેશિમ’ કાવ્યસંગ્રહ કવયિત્રીના જીવનની એક વિચક્ષણ સિદ્ધિ ગણાય તેવો છે. તેમાં સામેલ કરવામાં આવેલ દરેક કાવ્ય આ પીઢ કવયિત્રીની સર્જક તરીકેની પરિપક્વતાનો પુરાવો પૂરો પાડે છે. આ સંગ્રહમાંની મોટા ભાગની કાવ્યરચનાઓ મૃત્યુના વિચાર સાથે ગૂંથવામાં આવેલી છે; દા. ત., ‘ભેટ અટળ જી આહે’, ‘કુસુમકોશ’, ‘પાઉલ તરી ઉચલું કશી’, ‘ધુક્યાસારખા’, ‘કિનારા’, ‘મરણ’, ‘શોધ’, ‘કડેતોરાવર’ ઇત્યાદિ. ઉપરાંત, આ કાવ્યસંગ્રહમાંનાં ઘણાં કાવ્યો કવયિત્રીની પોતાની પાકટ ઉંમરનો પુરાવો પૂરો પાડે છે; દા. ત., ‘કિતી રાહૂન ગેલેલે પ્રવાસ’, ‘વાત થોડીશી ઉરતે મના કરાયા મોકળે મોકળે’, ‘તટસ્થ’ વગેરે. તેમાંની કેટલીક કાવ્યરચનાઓના માધ્યમથી કવયિત્રી પોતાના પિયરના ઘરની અને પોતાના બાળપણની વાતો કરે છે; દા. ત., ‘મન રેશમાચી ઘડી’, ‘ડાગરાવરતી ગાંવ’, ‘જિથે ચિમણી નાહી’, ‘નિવારા’, ‘માહેરચી વાટ’, ‘ચાર ચૌકાંચે માહેર’, ‘ગુલમહોર’ વગેરે. કેટલીક રચનાઓમાં કવયિત્રી પોતાની એકલતાને વાચા આપે છે; દા. ત., ‘મિત્ર-મૈત્રિણી જમતીલ તેવ્હાં’, ‘મહામગ્ન’, ‘નળિંબ’ વગેરે. સંગ્રહમાંની કેટલીક રચનાઓ માનસિક તણાવનો સંકેત આપે છે; દા. ત., ‘પદર ભરૂન’, ‘એક અડગળ’, ‘અબોલા’, ‘ઓઞ્ડે’ ઇત્યાદિ તો બીજી કેટલીક રચનાઓમાં કવયિત્રી પ્રકૃતિનું વર્ણન કરે છે; દા. ત, ‘બાળપણ’, ‘પિંપળ પાને’, ‘ભાગ્યવંત’, ‘અંગણાંત વૃક્ષવેલ’ વગેરે.

આધુનિક મરાઠી કાવ્યસૃષ્ટિમાં આ ‘ગર્ભરેશિમ’ કાવ્યસંગ્રહ કવયિત્રીની અભિવ્યક્તિની સમૃદ્ધિનો નિર્દેશ કરે છે.

લલિતા મિરજકર