ગર્ભને સંકટ (foetal distress) : ગર્ભશિશુની સંકટમય સ્થિતિ, જેની સારવાર ન થાય તો મૃત્યુ થાય અથવા નવજાત શિશુને અતિશય માંદગી આવે. જ્યારે ગર્ભાશયનું સંકોચન પૂરું થાય કે તરત જો ગર્ભશિશુના હૃદયના ધબકારા 120/મિનિટથી ઓછા હોય એવું વારંવાર જોવા મળે તો ગર્ભશિશુ સંકટમાં છે એમ મનાય છે. જો તે સમયે તેના હૃદયના ધબકારા 100/મિનિટથી પણ ઓછા હોય તો ગર્ભશિશુ સંકટમાં છે એવું નિશ્ચિત ગણાય છે. ગર્ભશિશુના હૃદયના ધબકારા વારંવાર કેટલા સમયના અંતરે માપવા તે નક્કી નથી; પરંતુ ઓછા જોખમવાળી પ્રસૂતિમાં ઓછામાં ઓછું દર 30 મિનિટે ધબકારા સાંભળવા જરૂરી ગણાય છે. જોકે વધુ જોખમવાળી સ્થિતિમાં દર 15 મિનિટે સાંભળવા અથવા ઇલેક્ટ્રૉનિક સાધનો વડે સતત નોંધ કરવી જોઈએ એમ મનાય છે. યોગ્ય પ્રકારના સ્ટેથોસ્કોપ અથવા ડૉપ્લર-અલ્ટ્રાસાઉન્ડ સાધન વડે ગર્ભશિશુના ધબકારાની નોંધ લઈ શકાય છે. ગર્ભશિશુ અને માતાના ધબકારા વચ્ચેનો તફાવત સમજવા માટે સાથે સાથે માતાની નાડીના ધબકારા ગણવામાં આવે છે.
ગર્ભશિશુના હૃદયના ધબકારાનો મૂળભૂત દર 120થી 160/મિનિટ ગણાય છે. જો તે 120થી વધુ ઘટે તો મધ્યમ પ્રકારનો વિકાર અને 100 જેટલો ઘટે તો તીવ્ર પ્રકારનો વિકાર ગણાય છે. તેવી જ રીતે 180 સુધીનો ધબકારાનો દર મધ્યમ પ્રકારનો અને 180થી વધુ દર તીવ્ર પ્રકારનો વિકાર સૂચવે છે. ગર્ભાશયના સંકોચન વખતે ગર્ભશિશુનું માથું સંકોચાય છે અને તેથી તે સમયે તેના હૃદયના ધબકારા ઘટે છે; પરંતુ ગર્ભાશયના સંકોચન પછી તરત પણ જો તે ઘટેલા હોય તો તે ગર્ભને સંકટ સૂચવે છે. આવા ઘટાડાના દરને મોડી વેગક્ષતિ (deceleration) કહે છે અને તે ગર્ભાશય અને/અથવા ઓરમાં ઘટેલા રુધિરાભિસરણથી ઉદભવતી ઑક્સિજનની ઊણપ સૂચવે છે. તેને કારણે ગર્ભશિશુના લોહીમાં ઍસિડિક આયનોના વધારાથી થતો વિકાર થાય છે. ગર્ભશિશુમાં ઑક્સિજનની ઊણપને કારણે ગર્ભને સંકટની સ્થિતિ ઉદભવે છે. ગર્ભાશયનાં કોક કોક સંકોચનો પછી જો ધબકારા ઘટતા હોય તો તે ગર્ભનાળ (umbilical cord) પર દબાણ સૂચવે છે.
જો ગર્ભને ઉદભવેલું સંકટ મંદ હોય તો તે સામાન્ય વિકાર સર્જે છે, જો તેની તીવ્રતા મધ્યમ પ્રકારની હોય અને સતત રહે તો ગર્ભશિશુ તથા નવજાત શિશુમાં વિકાર ઉદભવે છે અને જો તીવ્ર પ્રકારનુ સંકટ હોય તો તેનું ગર્ભાશયમાં મૃત્યુ નીપજે છે. ગર્ભની તંદુરસ્તી જાણવા માટે 4 મહત્વનાં ચિહનો છે : ગર્ભનું હલનચલન, ગર્ભાશયની વૃદ્ધિ, ગર્ભશિશુના હૃદયના ધબકારાનો દર તથા ગર્ભજળકોષ્ઠમાં મેકોનિયમની હાજરી. નિદાન માટે અલ્ટ્રાસૉનોગ્રાફી, હ્યૂમન પ્લાસેન્ટલ લૅક્ટોજનનું લોહીમાંનું પ્રમાણ તથા વીજ-મોજણી (electric monitoring) ઉપયોગી છે.
સારણી 1 : ગર્ભશિશુના ધબકારાની યાંત્રિક નોંધણીની જરૂરવાળી પરિસ્થિતિ
1. | ગર્ભશિશુના ધબકારાની અનિમિતતા, પરંતુ તરત પ્રસૂતિ થવાની શક્યતા ઓછી |
2. | ગર્ભજળમાં મેકોનિયમ (meconium) |
3. | ઑક્સિટૉસિન વડે પ્રસૂતિ શરૂ કરાઈ હોય અથવા ઝડપી બનાવાઈ હોય |
4. | અગાઉ સિઝેરિયન સેક્શનનું ઑપરેશન કરાયેલું હોય |
5. | ગર્ભાશય-ઓરની રુધિરીય અપર્યાપ્તતા (utero-placental insufficiency) અથવા સંકટમય ગર્ભશિશુ
(ક) લોહીનું ઊંચું દબાણ (ખ) લોહી પડવું (ગ) કાલપૂર્વ (preterm) અથવા વિલંબિત (postterm) પ્રસૂતિ (ઘ) અપૂરતી વૃદ્ધિને કારણે નાના કદનું ગર્ભશિશુ (ચ) આડું અથવા ઊંધું ગર્ભશિશુ (છ) અગાઉ અજ્ઞાત કારણસર મૃતશિશુનો જન્મ (stillbirth) (જ) સિકલસેલ (દાત્રકોષી) ઍનિમિયા (ઝ) ગર્ભશિશુમાં રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) (ટ) મધુપ્રમેહ |
માતાના ધબકારા વધ્યા હોય ત્યારે અથવા ગર્ભશિશુ મૃત્યુ પામેલું હોય ત્યારે ભૂલથી ગર્ભશિશુના ધબકારા ઘટ્યા છે એવું તારણ નીકળે છે માટે યોગ્ય સ્ટેથોસ્કોપ કે ડૉપ્લર કે રિયલટાઇમ અલ્ટ્રાસાઉન્ડ વડે તપાસ કર્યા પછી જ સારવાર કરવાનું સૂચવાય છે. અંત:દર્શક(endoscope)ની મદદથી ગર્ભશિશુના માથાની નસમાંથી લોહી મેળવીને તેનું pH મૂલ્ય જાણવાથી નિદાન કરી શકાય છે; પરંતુ કુશળ નિદાન કરનાર ડૉક્ટર રૂઢિગત શારીરિક તપાસથી પણ ગર્ભના સંકટનું નિદાન કરી શકે છે. ગર્ભશિશુના હૃદયના ધબકારા જાણવા માટે ઇલેક્ટ્રૉનિક વીજગ્રો મૂકવાની કે તેના માથામાંથી લોહી લેવાની પ્રક્રિયા કરવાથી કેટલીક આનુષંગિક તકલીફો વધવાની શક્યતા છે; જેમ કે ચેપ લાગવો, ગર્ભનાળભ્રંશ (cord prolapse), ગર્ભશિશુને ઈજા વગેરે. ક્યારેક લોહી પડવાની તકલીફ પણ થાય છે. તેથી સારણી 1માં દર્શાવેલી પરિસ્થિતિઓ સિવાયની પ્રસૂતિમાં ગર્ભાશયનાં બે સંકોચનો વચ્ચે યોગ્ય સ્ટેથોસ્કોપની મદદથી ગર્ભશિશુના ધબકારા ગણવાની સામાન્ય પણ ચોકસાઈભરેલી તપાસ પૂરતી ગણાય છે.
ઓરપાત (abruptio placentae) : પ્રસૂતિ પહેલાં, જો ગર્ભાશયમાં ઓર જે સ્થાને જોડાયેલી હોય ત્યાંથી છૂટી પડે તો તેને ઓરપાત કહે છે. તે સમયે ગર્ભશિશુને સંકટ ઉત્પન્ન થાય છે. ઓરપાત વખતે ઓર ગર્ભાશયથી છૂટી પડે છે, ક્યારેક માતા અને ગર્ભશિશુમાં લોહી વહેવાનો વિકાર થાય છે અને ગર્ભાશયના સ્નાયુની સજ્જતા (tone) ઘટે છે. તેને કારણે ગર્ભશિશુમાં ઑક્સિજનની ઊણપ ઉદભવે છે. તે સમયે જરૂર પ્રમાણે માતાને કે ગર્ભશિશુને લોહી આપવું પડે છે તથા તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે છે. મોટા ભાગના કિસ્સામાં સિઝેરિયન સેક્શન દ્વારા શસ્ત્રક્રિયા વડે શિશુનો જન્મ કરાવાય છે. જો શિશુ મૃત્યુ પામેલું હોય તો યોનિમાર્ગે પ્રસૂતિ કરાવાય છે. પ્રસૂતિનો પ્રકાર અને સમય માતાની શારીરિક સ્થિતિ પર આધારિત રહે છે.
શિલીન નં. શુક્લ
યોગિની મહેતા