ગર્ભધમનીવિવૃતતા (patent ductus arteriosus) : ગર્ભાવસ્થામાંથી મહાધમની (aorta) તથા ફુપ્ફુસ ધમની(pulmonary artery)ને જોડતી નસનું જન્મ પછી પણ ખુલ્લું રહેવું તે. છોકરીઓમાં, અપક્વ જન્મેલાં (premature) શિશુઓમાં, ઊંચાઈ પર આવેલા સ્થળે જન્મેલાં શિશુઓમાં તથા જેમની માતાને સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં રૂબેલા નામનો વિષાણુજન્ય રોગ થયો હોય તેવાં શિશુઓમાં તેનું પ્રમાણ વધુ હોય છે.
મહાધમની અને ફેફસી ધમની વચ્ચેના જોડાણની લંબાઈ, પહોળાઈ તથા બંને ધમનીમાંના લોહીના દબાણના તફાવત પ્રમાણે આ ખુલ્લી રહેતી નસ દ્વારા બંને ધમનીઓના લોહીનું સંમિશ્રણ થાય છે. સામાન્ય રીતે આ જોડતી નસોમાં થોડું અથવા મધ્યમસરનું લોહી વહેતું હોવાથી ફેફસી રુધિરાભિસરણ(pulmonary circulation)માં ખાસ મોટો તફાવત ઉદભવતો નથી તથા તેમાંના લોહીનું દબાણ તથા અવરોધ સરખાં રહે છે. દર્દીમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતાં નથી તથા છાતીના મધ્યમાં આવેલા વક્ષાસ્થિ(sternum)ના ડાબી બાજુના ઉપલા છેડે હૃદયના ધબકારા સાંભળવામાં આવે તો જોડાણ કરતી નસમાંથી વહેતા લોહીથી ઉદભવતી ધ્રુજારી મર્મરના અવાજ રૂપે સંભળાય છે. આવી મર્મર હૃદયના પહેલા અને બીજા ધબકારા વચ્ચે મોટી થાય છે, બીજા ધબકારા સમયે પણ સંભળાય છે અને બીજા ધબકારા પછી ઘટે છે. જાણે કોઈ યંત્રમાંથી ઘરેરાટી ઉત્પન્ન થતી હોય તેવા પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. આ નિદાનસૂચક ચિહ્ન ગણાય છે. ક્યારેક તેની ધ્રુજારી (thrill) છાતી પર તે સ્થળે હાથ મૂકવાથી અનુભવી શકાય છે. જો જોડાણ કરતી નસ મોટી હોય તો તેમાંથી ઘણું લોહી વહે છે અને તે સમયે હાથની નાડીમાં જળહથોડી (water hammer) પ્રકારના ધબકારા ઉત્પન્ન થાય છે, ફેફસાંમાંના રુધિરાભિસરણમાં લોહીનું પ્રમાણ વધે છે, હૃદયનાં ડાબા કર્ણક અને ક્ષેપક મોટાં થાય છે અને તેથી ક્યારેક હૃદયના દ્વિદલ વાલ્વમાં પણ મર્મર ઉત્પન્ન થાય છે. ધીરે ધીરે ફેફસી રુધિરાભિસરણમાં લોહીનું દબાણ તથા અવરોધ વધે છે અને જ્યારે તે મહાધમનીમાંના દબાણ અને અવરોધ જેટલાં થાય ત્યારે જોડાણ કરતી નસમાં વહેતા લોહીનું પ્રમાણ ઘટે છે અથવા બંધ થાય છે અને તેથી છાતીના ઉપલા ડાબા ભાગમાંની મર્મર ઘટે છે અથવા તેને સ્થાને હૃદયના સંકોચનકાળ (systole) સમયે એક ટૂંકી મર્મર સંભળાય છે તથા હૃદયના ધબકારાનો બીજો અવાજ મોટો થાય છે. ફેફસાંમાં પરિભ્રમણ કરતા લોહીનું દબાણ વધે ત્યારે દર્દીને શ્વાસ ચડે છે, તેની નાડી જળહથોડી પ્રકારની રહેતી નથી તથા તેનું જમણું ક્ષેપક મોટું થાય છે. જો ફેફસી રુધિરાભિસરણમાંનું દબાણ મહાધમનીમાંના દબાણ કરતાં વધે તો લોહીના વહેણની દિશા બદલાય છે અને ઓછા ઑક્સિજનવાળું લોહી શરીરના નીચલા ભાગમાં વહે છે અને તેથી પગના નખ ભૂરા થાય છે અને પગનાં આંગળાંના છેડા ફૂલે છે. તેને આંગળાંની ગદાકારિતા (clubbing) અથવા ગદાંગુલિ (clubbed finger) કહે છે. હાથની આંગળીઓ અને નખ સામાન્ય રંગ અને આકારનાં રહે છે. હાથ અને પગની આંગળીઓમાં ઉદભવતા આ તફાવતનું કારણ જોડાણ કરતી નસના સ્થાન પર આધારિત છે. મહાધમની અને ફેફસી ધમની વચ્ચે જોડાણ કરતી નસ માથું અને બંને હાથમાં લોહી પહોંચાડતી શાખાઓ નીકળી ગયા પછીની મહાધમની સાથે જોડાતી હોવાથી ઓછા ઑક્સિજનવાળા લોહી સાથેનું સંમિશ્રણ ફક્ત શરીરના નીચલા ભાગ અને પગમાં પહોંચે છે. તેથી પગના નખ અને આંગળીઓમાં વિકાર ઉદભવે છે (જુઓ આકૃતિ).
નિદાન કરવા માટે ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રામ, છાતીનું એક્સ-રે ચિત્રણ, ઇકોકાર્ડિયોગ્રામ તથા ડૉપ્લર પદ્ધતિની તપાસ કરવામાં આવે છે. ફેફસી પરિભ્રમણમાં દબાણ વધ્યું ન હોય તેવા મોટા જોડાણવાળી પુખ્તવયની વ્યક્તિમાં જોડાણ કરતી નસને કાપીને બાંધી દેવાની શસ્ત્રક્રિયા કરાય છે. જો જોડાણ કરતી નસમાં કૅલ્શિયમ જામ્યું હોય તો શસ્ત્રક્રિયા કરતી વખતે તકલીફ રહે છે; પરંતુ શસ્ત્રક્રિયા કરવી જરૂરી ગણાય છે. જોડાણની નસ નાની હોય તો જોડાણના સ્થાને ચેપ લાગવાનો ભય રહે છે જે ઉંમર વધવાની સાથે વધે છે.
જન્મ પહેલાં ગર્ભ માટે મહાધમની અને ફેફસી ધમની વચ્ચેનું આ જોડાણ ઘણું જરૂરી હોય છે અને જન્મ બાદ તે બંધ થવું પણ જરૂરી જ છે. જન્મ બાદ તરત કે 2-3 અઠવાડિયાંમાં તે બંધ થાય છે. ક્યારેક તે માટે 4થી 6 અઠવાડિયાં પણ થાય છે. ત્યારપછી કુદરતી રીતે બંધ થવાની સંભાવના નહિવત્ હોય છે. આવા સંજોગોમાં શસ્ત્રક્રિયા કરીને તેને બંધ કરવાનો વિકલ્પ વ્યક્તિગત ધોરણે વિચારાય છે. જો કોઈ અન્ય તકલીફ ન હોય તો શસ્ત્રક્રિયા કરવાની યોગ્ય ઉંમર 1-2 વર્ષ છે. ક્યારેક ઇન્ડોમિથાસિન નામની દવા આપવાથી પણ આ જોડાણ બંધ થાય છે.
શિલીન નં. શુક્લ
શ્રેણિક શાહ
આશિતા શાહ