ગર્ભજળનિષ્કાસન (amniocentesis) : ગર્ભશિશુ(foetus)ની આસપાસ ભરાયેલા પ્રવાહીને નિદાન માટે બહાર કાઢવું તે. ગર્ભશિશુની આસપાસ તેનાં 2 આવરણો છે – (1) ગર્ભજળકોષ્ઠ(amniotic cyst)ની દીવાલ તથા (2) ગર્ભાવરણ (chorion). ગર્ભજળ (amniotic fluid) ભરેલી કોથળીને ગર્ભજળકોષ્ઠ કહે છે. તેની અંદર ગર્ભશિશુ તરતું હોય છે અને તે માતા સાથે ગર્ભનાળ (umbilical cord) અને ઓર (placenta) વડે જોડાયેલું હોય છે.

ગર્ભવિદ્યા (embryology) : ગર્ભના કોષોને પોષણ આપતા બીજકોષોના સમૂહ(cytotrophoblast)માં 7મા કે 8મા દિવસે સ્તર (પડ) છૂટા પડે છે. તેને સ્તરીભવન (delamination) કહે છે. તે સમયે પ્રાગર્ભ(embryo)ના પૃષ્ઠભાગે એક નાનું પોલાણ વિકસે છે. તે મોટું થઈને ગર્ભજળકોષ્ઠ બનાવે છે. ગર્ભની જુદી જુદી પેશીનો અલગ અલગ વૃદ્ધિદર હોવાને કારણે ગર્ભજળકોષ્ઠ વિકસીને આખા ગર્ભને વીંટાય છે અને ગર્ભશિશુ તેના પોલાણમાં આવેલા પ્રવાહીમાં તરતું થઈ જાય છે. સમય જતાં ગર્ભજળકોષ્ઠની દીવાલ તથા ગર્ભાવરણ વચ્ચેનો બહિર્દેહી અવકાશ (exocoelomic space) શોષાઈ જાય છે અને ગર્ભનાં બંને આવરણો એક બને છે તેને ગર્ભકોષ્ઠાવરણ (amniochorion) કહે છે. ફક્ત ગર્ભાશયની દીવાલમાં, જ્યાં ગર્ભ મૂળ સ્થાપિત થયેલો હોય ત્યાં, ગર્ભાવરણ ગર્ભાશયના ડેસિડ્યુઆ સાથે મળીને ઓર બનાવે છે. ઓરની ગર્ભ તરફની સપાટી પર ગર્ભજળકોષ્ઠની દીવાલ આવરણરૂપે આવેલી હોય છે.

આકૃતિ 1 : ગર્ભાશય, ગર્ભશિશુ તથા તેનાં આવરણો તથા ગર્ભજળકોષ્ઠ : (1) ગર્ભાશયનો સ્નાયુસ્તર, (2) ડેસિડ્યુઆ, (3) ગર્ભાવરણ (chorion), (4) ગર્ભજળકોષ્ઠ(amnion)ની દીવાલ, (5) ગર્ભકોષ્ઠાવરણ (amniochorion) અથવા ગર્ભનાં આવરણો (membranes), (6) ગર્ભજળ ખરેલું ગર્ભજળકોષ્ઠ, (7) ઓર (placenta), (8) ગર્ભનાળ (umbilical cord), (9) ગર્ભશિશુ (foetus). (ક) ઓર, માતા અને ગર્ભશિશુ વચ્ચે આપ-લે, (ખ) ગર્ભનું મૂત્ર, (ગ) ગર્ભના ફેફસી સ્રાવો, (ઘ) ગર્ભની ચામડી પરથી ખરતાં દ્રવ્યો, (ચ) ગર્ભ દ્વારા ગર્ભજળનું પાન.

ગર્ભજળના ગુણધર્મો : ગર્ભજળમાં સૌપ્રથમ ફક્ત બહિ:કોષીય પ્રવાહી (extracellular fluid) હોય છે અને તેમાં કોઈ કણિકામય દ્રવ્ય (particulate matter) હોતું નથી. તેનો આસૃતિદાબ (osmotic pressure) વધુ હોય છે. તેમાં ગર્ભશિશુનું મૂત્ર ઉમેરાય છે. 20 અઠવાડિયાં પછી મૂત્ર ગર્ભજળનો મુખ્ય ઘટક બને છે. તેને કારણે તેમાં યૂરિયા અને ક્રિયેટિનિન ઉમેરાય છે અને તેનો આસૃતિદાબ ઘટે છે. ગર્ભાવસ્થાના પાછલા ભાગમાં ફેફસાંમાંથી ગ્લિસેસે ફૉસ્ફોલાઇપીડ્ઝ તથા ખરી પડેલા કોષો, ગર્ભના વાળ, રુવાંટી વગેરે કણિકામય દ્રવ્યો પણ તેમાં ઉમેરાય છે. ડેસિડ્યુઆમાં ઉત્પન્ન થતા અંત:સ્રાવો (પ્રોલેક્ટિન ઍરૅકિડોનિક ઍસિડ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, પ્લેટલેટ ઍક્ટિવેટિંગ ફૅક્ટર તથા કેટલાંક ચોક્કસ સાયટોકાઇન્સ) ગર્ભજળમાં પ્રવેશે છે. ગર્ભશિશુનું મૂત્રપિંડ અધિત્વકીય વૃદ્ધિકારક ઘટક (epidermal growth factor) બનાવે છે જે મૂત્ર સાથે ગર્ભજળમાં પ્રવેશે છે. આ દ્રવ્ય ગર્ભજળકોષ્ઠને મોટું કરે છે તથા આવો જ કોઈક બીજો વૃદ્ધિકારક ઘટક ગર્ભના ફેફસાંનો વિકાસ કરે છે. આમ ગર્ભજળમાં ગર્ભશિશુના સ્રાવ (secretions) અને ઉત્સર્ગ (excretions) એમ બંને હોય છે.

ગર્ભજળનાં કાર્યો : ગર્ભશિશુ ગર્ભજળ પીએ છે તથા તે તેના શ્વસનમાર્ગમાં પણ પ્રવેશે છે. ગર્ભજળને કારણે ગર્ભને બહારના આંચકા સામે રક્ષણ મળે છે તથા તેને તેમાંથી પોષણ પણ મળે છે. વળી, આગળ જણાવેલા વૃદ્ધિકારક ઘટકો ગર્ભશિશુના અવયવોની વૃદ્ધિમાં પણ ઉપયોગી છે. જન્મ સમયે ગર્ભજળનો જલસ્થિતિદાબ (hydrostatic pressure) માતાના જન્મદાયી માર્ગને ખોલવામાં મદદ કરે છે. જન્મસમયે ગર્ભજળકોષ્ઠનાં આવરણો (membranes) આપોઆપ ફાટે છે અને તેમાંનું પ્રવાહી બહાર વહેવા માંડે છે.

ગર્ભજળના વિકારો : જો ગર્ભજળ વધુ પ્રમાણમાં થયું હોય તો તેને અતિગર્ભજળતા (hydramnios) કહે છે, જ્યારે તે ઓછું હોય તો તેને અલ્પગર્ભજળતા (oligohydramnios) કહે છે. જ્યારે ગર્ભનો મૂત્રપિંડ વિકસ્યો ન હોય ત્યારે અલ્પગર્ભજળતા થાય છે. જો ગર્ભશિશુની અન્નનળી વિકસી ન હોય તો તે પૂરતા પ્રમાણમાં ગર્ભજળ પીતું નથી. આવા સંજોગોમાં અતિગર્ભજળતા થાય છે. માતાને મધુપ્રમેહ હોય તોપણ ગર્ભજળ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અલ્પગર્ભજળતાવાળી સ્થિતિમાં ગર્ભનાં ફેફસાંના વિકાસ માટેનો વૃદ્ધિકારક ઘટક ઓછો મળે છે અને તેથી તેનો શ્વસનમાર્ગ બરાબર વિકસતો નથી. ગર્ભજળકોષ્ઠની બહારની સપાટી પર ચેપ લાગે ત્યારે તે જીવાણુ(bacteria)નું અંતર્વિષ (endotoxin) ક્યારેક ગર્ભપાત કરે છે. અંતર્વિષ ગર્ભજળમાં પ્રવેશે છે કે નહિ તે નિશ્ચિત નથી. જો આકસ્મિક રીતે ગર્ભજળ માતાના લોહીમાં પ્રવેશે તો તે માતામાં વિકાર સર્જે છે.

આકૃતિ 2 : ગર્ભજળકોષ્ઠના જળસ્થિતિદાબ વડે ગર્ભાશય-ગ્રીવાનું પહોળું થવું (વિવિધ તબક્કા) : (1) ગર્ભાશયની દીવાલ, (2) ગર્ભાશય-ગ્રીવા, (3) બંધ ગર્ભાશય-ગ્રીવા, (3A) પહોળી ગર્ભાશય-ગ્રીવા, (3B) વધુ પહોળી ગર્ભાશય-ગ્રીવા, (4) યોનિ (vagina), (5) ગર્ભજળકોષ્ઠ, (6) કરોડના મણકા, (7) ગર્ભાશયનું બહારનું મુખ, (8) ગર્ભાશયનું અંદરનું મુખ. નોંધ : તીર દબાણની દિશા સૂચવે છે.

આકૃતિ 3 : ગર્ભજળનિષ્કાસન : (1) ગર્ભાશય, (2) ગર્ભશિશુ, (3) ગર્ભજળકોષ્ઠ, (4) સોય અને સિરિંજ, (5) મૂત્રાશય, (6) યોનિ (vagina), (7) મળાશય, (8) કરોડના મણકા, (9) પ્યુબિક સિમ્ફાયસિસ, (10) પેટની આગળની દીવાલ

ગર્ભજળનિષ્કાસન (આકૃતિ 3) : ગર્ભજળને સોય વડે સુરક્ષિત રીતે બહાર કાઢીને તેનું પરીક્ષણ કરવાની પદ્ધતિ વિકસી છે. તેને કારણે ગર્ભશિશુની તંદુરસ્તી કે વિકારોનું નિદાન શક્ય બન્યું છે. અલ્ટ્રાસૉનોગ્રાફીની મદદથી સોયનો માર્ગ નક્કી કરવામાં આવે છે. 20થી 22 ગેજની 7થી 15 સેમી. લાંબી સોયને પેટની આગળની દીવાલ, ગર્ભાશયની દીવાલ તથા ગર્ભકોષ્ઠાવરણમાંથી પસાર કરીને ગર્ભજળ સુધી લઈ જવામાં આવે છે. ગર્ભજળના કોષોનું સંવર્ધન (culture) કરવાનું હોય ત્યારે 30 મિલિ. જેટલું ગર્ભજળ લેવામાં આવે છે. સામાન્ય રીતે તે ગર્ભાવસ્થાના 15થી 18મા અઠવાડિયે કરી શકાય છે. આ પ્રક્રિયાનાં ત્રણ મોટાં જોખમો છે : (1) ગર્ભશિશુ, ઓર કે ક્યારેક ગર્ભનાળને ઈજા, (2) ચેપ લાગવો અથવા (3) ગર્ભપાત અથવા કાલપૂર્વ પ્રસૂતિ (preterm labour). ક્યારેક ગર્ભજળમાં જો માતાનું લોહી વહે અથવા માતાના લોહીમાં ગર્ભનું લોહી ભળે તો માતામાં સમપ્રતિરક્ષાનો વિકાર થાય છે અને તેને કારણે ગર્ભના રક્તકોષો તૂટવાનો વિકાર પણ થઈ શકે છે. તેથી ગર્ભશિશુ અને માતાના લોહીના Rh જૂથની વિસંગતતા હોય તો ઍન્ટિ-ડી ગ્લૉબ્યુલિનનું ઇન્જેક્શન અપાય છે. જો ગર્ભજળ સાથે લોહી આવ્યું હોય તો કોષસંવર્ધન અને વિવિધ દ્રવ્યોની સાંદ્રતા (concentration) નિશ્ચિત કરતી કસોટીઓ બરાબર થઈ શકતી નથી. ગર્ભજળમાં બિલિરૂબિનનું પ્રમાણ જાણવાથી ગર્ભમાં રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) થઈ શકે છે કે નહિ તે જાણી શકાય છે. તેવી જ રીતે લેસેથિન તથા સ્ફિંગોમાયલિનનું ગુણોત્તર પ્રમાણ અથવા ફૉસ્ફાટિડિલ ગ્લિસરૉલનું પ્રમાણ જાણવાથી ગર્ભનાં ફેફસાંનો વિકાસ જાણી શકાય છે. તે માટે અન્ય પરીક્ષણો પણ ઉપલબ્ધ છે. જો શ્વસનમાર્ગ વિકસેલો ન હોય તો જન્મ સમયે શિશુને શ્વસનકાર્યમાં તકલીફ પડે છે. વિવિધ પ્રકારના વારસાગત ચયાપચયી વિકારોનું નિદાન પણ કરી શકાય છે (સારણી 1). ભાવિ બાળકની જાતિ (લિંગ) જાણવા માટે આ પરીક્ષણના ઉપયોગનો નૈતિક અને અમુક સ્થળે કાયદાકીય કારણોસર નિષેધ કરવામાં આવે છે.

સારણી 1 : ગર્ભજળપરીક્ષણ માટેનાં મુખ્ય ઉપયોગસૂચનો (indications)

1. માતાની 35 વર્ષ કે તેથી વધુ ઉંમર
2. અગાઉની પ્રસૂતિમાં રંગસૂત્રીય (chromosomal) વિકૃતિવાળું શિશુ
3. માતા કે પિતામાં રંગસૂત્રીય વિકૃતિ
4. નજીકના કુટુંબની વ્યક્તિમાં ડાઉનનું સંલક્ષણ
5. દેહસૂત્રીય (autosomal) કે લિંગસૂત્રીય (sex chromosomal) પ્રચ્છન્ન (recessive) વારસાગત રોગની સંભાવના
6. માતામાં α ક્રીટોપ્રોટીનનું વધુ પ્રમાણ
7. સૉનોગ્રાફીની તપાસમાં ગર્ભશિશુમાં વિકૃતિનું નિર્દેશન
8. અગાઉની પ્રસૂતિમાં ખોડખાંપણવાળું શિશુ
9. લિંગસૂત્રીય વિકૃતિની સંભાવનાવાળા ગર્ભની જાતિ (લિંગ) જાણવી.

ગર્ભજળકોષ્ઠદર્શન (amnioscopy) : જ્યારે ગર્ભાશયનું મુખ પૂરતું પહોળું થયું હોય ત્યારે કાણું પાડ્યા વગર સાધનની મદદથી ગર્ભજળકોષ્ઠની અંદર જોઈ શકાય છે. જોકે આ પદ્ધતિ ખાસ ઉપયોગમાં લેવામાં આવેલી નથી. તે ગર્ભજળમાં મેકોનિયમ ભળવાના વિકારના નિદાનમાં ઉપયોગી બની શકે.

શિલીન નં. શુક્લ

નિરુપમા શાહ