ગર્દભિલ્લ (ઈ. પૂ. પહેલી સદી) : ઉજ્જનના ગર્દભિલ્લ વંશના પ્રવર્તક રાજવી. તેનું નામ દર્પણ હતું. ગર્દભી વિદ્યાનો ઉપાસક હોવાથી તે ગર્દભિલ્લ કહેવાયો. પ્રબંધ ચિંતામણિના લેખક મેરુતુંગાચાર્યના મતે બલમિત્ર અને ભાનુમિત્રના અને નભવાહનના અનુક્રમે 60 અને 40 વર્ષના શાસન પછી ગર્દભિલ્લ વંશનું શાસન 152 વરસ સુધી પ્રવર્ત્યું. ગર્દભિલ્લે 13 વરસ રાજ્ય કર્યું હતું. તેને શકોએ હરાવી મારી નાખ્યો હતો.
કાલકાચાર્યની બહેન સરસ્વતી જૈન સાધ્વી હતી. ઉજ્જનના રાજા ગર્દભિલ્લે તેના લાવણ્યથી મોહિત થઈને બળાત્કારે તેને અંત:પુરમાં રાખી. કાલકાચાર્ય તથા ઉજ્જનના સંઘની અનેક વિનંતી છતાં તેણે સરસ્વતીને મુક્ત કરી નહિ. તેથી તેની ઉપર વેર લેવા કાલકાચાર્ય હિંદુક દેશ કે પારસકુલ (ઈરાન) ગયા. શક અધિપતિને જ્યોતિષવિદ્યાના જ્ઞાનથી પ્રભાવિત કરી 96 શક રાજાઓ સહિત તે સિંધમાં થઈને સૌરાષ્ટ્રમાં આવ્યા. ભરૂચના રાજા અને કાલકાચાર્યના ભાણેજ બલમિત્રની સહાયથી શકોએ ઉજ્જન ઉપર આક્રમણ કર્યું. આ આક્રમણ ઈ. પૂ. 57થી 56 પૂર્વે કરાયું હતું. ગર્દભિલ્લ ગર્દભી વિદ્યાની સાધના કરતો હતો તે દરમિયાન તેની ઉપર હુમલો કરી તેને મારી નાખ્યો.
ગર્દભિલ્લની હાર બાદ કાલકાચાર્યે પ્રાયશ્ચિત્ત કરીને તેની બહેન સરસ્વતીને સંયમી જીવનની પ્રેરણા આપીને તે વિદેશ ચાલ્યા ગયા.
શિવપ્રસાદ રાજગોર