ગર્ગ (વૃદ્ધ ગર્ગ) : અતિ પ્રાચીન મંત્રદ્રષ્ટા, કવિ, તત્વદર્શી અને જ્યોતિર્વિદ. ગર્ગ નામે ઓછામાં ઓછી ત્રણ વિખ્યાત વ્યક્તિઓના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં મળે છે. તેમાંના પ્રાચીનતમ ગર્ગનું દર્શન ઋક્સંહિતાના છઠ્ઠા મંડળનું સુડતાલીસમું સૂક્ત છે. એમનાં સૂક્તોમાં મળતી ઇન્દ્ર અને સોમની સ્તુતિઓમાં તેમનું કવિત્વ અને સૂક્ષ્મ તત્ત્વદર્શન જણાઈ આવે છે. આ ગર્ગ ગોત્રપ્રવર્તક પણ છે. તેમના ગોત્રમાં ઘણી વિભૂતિઓ થઈ ગઈ છે. તે જ્યોતિષશાસ્ત્રના પ્રવક્તા હતા. વૃદ્ધ ગર્ગસંહિતા જે હમણાં સુધી અપ્રાપ્ય હતી તેની થોડી હસ્તપ્રતો મળી છે તે ઉપરથી તેમનું ગ્રહનક્ષત્રચારનું જ્ઞાન, વાયુ, વૃષ્ટિ, તાપ, ઠંડી આદિ વિશેનું સચોટ જ્ઞાન જાણવા મળે છે. એમની સંહિતામાંથી પાછળના આચાર્યોએ ગ્રહચાર, ઋતુ વગેરે વિષયોની માહિતીનો ઉપયોગ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રના પ્રવક્તા આચાર્યોની નામાવલીમાં ગર્ગનું નામ છે અને કશ્યપ તથા પરાશરે તેમનો નામોલ્લેખ કર્યો છે.
ગર્ગનું સ્વતંત્ર વર્ણન પુરાણ કે અન્ય પ્રાચીન ગ્રંથમાં મળતું નથી. માત્ર ચંદ્રવંશના વર્ણનમાં શાકુન્તલેય ભરત પછી તેમનો નામોલ્લેખ છે. તેથી આ ગર્ગ વૃદ્ધ ગર્ગના નામે પરિચિત છે અને તેમની જ્યોતિષશાસ્ત્ર વિશેની સંહિતા વૃદ્ધ ગર્ગસંહિતા તરીકે જાણીતી છે. આ સંહિતા બહુ મહત્વની ગણાય છે. વરાહમિહિરે તેમની બૃહત્સંહિતામાં વૃદ્ધ ગર્ગસંહિતાના કેટલાક ભાગોનો સાર લીધેલો છે. જ્યોતિષશાસ્ત્રના જૂના ભાષ્યકારોએ વૃદ્ધ ગર્ગસંહિતાના ઘણા શ્લોકો ઉદ્ધૃત કર્યા છે. સંગ્રહકારોએ એ સંહિતામાંના ઘણા શ્લોક તેમના સંગ્રહોમાં લીધા છે. લોકભાષામાં પરિચિત ભડળી વાક્યોનું મૂળ વૃદ્ધ ગર્ગસંહિતામાં છે.
મહાભારત અને ભાગવતમાં જે એક જ્યોતિષી ગર્ગાચાર્યના ઉલ્લેખ છે તે વૃદ્ધ ગર્ગ વિશેના છે એટલે પ્રાચીનતમ ગર્ગ ઋગ્વેદ સમયના અને શ્રીકૃષ્ણ તેમજ કૌરવ-પાંડવોના સમય કરતાં ઘણા પ્રાચીન છે. ગર્ગ વૈદિક સરસ્વતીના કાંઠે હતા એમ મહાભારતના એક ઉલ્લેખ ઉપરથી જણાય છે. મહાભારતનું યુદ્ધ અટકાવી ન શકવાથી બલરામ આ યુદ્ધથી વિમુખ થયા. શ્રીકૃષ્ણે અર્જુનના સારથિરૂપે તેમાં ભાગ લીધો. ખિન્ન બલરામ યુદ્ધના દિવસો દરમિયાન તીર્થયાત્રાએ નીકળી ગયા. પ્રભાસતીર્થથી સરસ્વતીના કિનારે કિનારે આગળ વધતાં તે ગંધર્વતીર્થ પહોંચ્યા અને ત્યાંથી તે ગર્ગસ્રોત તીર્થે ગયા. આ તીર્થમાં ગર્ગઋષિએ તપ કરી ભગવાન શિવ પાસેથી ચોસઠ અંગોવાળા જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાન વૃદ્ધ ગર્ગસંહિતામાં સચવાયેલું છે. તેમાં કાલજ્ઞાન, ગ્રહોની ગતિ, ઉદયાસ્ત, વક્રી-માર્ગી ગ્રહગતિ, ઉલ્કા, ઉત્પાતો, પરિવેશ, ભૂકંપ, ધૂમકેતુ આદિ શુભાશુભ નિમિત્તો આદિનું નિરૂપણ છે. ગર્ગસ્રોતમાં અનેક તપસ્વી મુનિઓ વૃદ્ધ ગર્ગ પાસે જ્યોતિષશાસ્ત્રનું અધ્યયન કરતા હતા. બલદેવે ગર્ગસ્રોતમાં સ્નાન કર્યું. બલદેવના એટલે કે કૌરવ પાંડવોના સમયમાં પણ ગર્ગતીર્થમાં જ્યોતિષનું અધ્યાપન કરાવાતું. મહાભારત અનુશાસન પર્વમાં ઉપમન્યુના આખ્યાનમાં સ્વયં ગર્ગની એક ઉક્તિનું પદ્ય છે.
‘चतुःषष्ट्यंगमददत् कालज्ञानं ममादभुतम् ।
सरस्वत्यास्तटे तुष्टो (शिवः) मनोयोगेन पाण्डव ।।’
અધ્યાય 13-38
‘પ્રસન્ન થયેલા શિવે મને મનમાં સ્ફુરણા કરાવવા રૂપે ચોસઠ અંગવાળું જ્યોતિ:શાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું.’ આ ગર્ગ અંગિરાના ગોત્રના વિતથના પુત્ર હતા. આ ગર્ગ તે પ્રસિદ્ધ વૃદ્ધ ગર્ગ. એમણે બૃહદ્ ગર્ગસંહિતા એમના હિમાલયમાંના આશ્રમમાં રહી ગુરુ-શિષ્ય-સંવાદરૂપે રચી હતી. વૃદ્ધ ગર્ગના શિષ્ય આદિ પરિવારનાં નામ મળતાં નથી. ક્રોષ્ટ્રુકિ તેમના પુત્ર હતા અને ગર્ગસંહિતાના તે મુખ્ય શ્રોતા હતા. ગર્ગે તેમનો મયૂરચિત્રક નામનો ગ્રન્થ તેમના ભાગુરિ નામે શિષ્યને સંભળાવ્યો હતો. આ હતા વૈદિક કાળના ગર્ગ.
ગર્ગ (પુરાણી અને જ્યોતિષી) : આ ગર્ગ ગોત્રપ્રવર્તક મંત્રદ્રષ્ટા અને જ્યોતિષશાસ્ત્રપ્રવર્તક ગર્ગ કરતાં ઘણા પાછળના સમયમાં થયા. યદુકુલના પુરોહિત અને જ્યોતિષી તરીકે તેમનો ભાગવતમાં ઉલ્લેખ છે. આ ગર્ગે વસુદેવની ઇચ્છાથી કૃષ્ણ અને બલરામના ઉપવીત પર્યન્તના સર્વ સંસ્કારો કંસની જાણ બહાર કરાવેલા અને બંનેયનું ભવિષ્ય ભાખેલું. વસુદેવને ત્યાં દીર્ઘાયુ પુત્ર થાય એ સારુ વસુદેવ વતી ગર્ગે દેવીનું અનુષ્ઠાન કરેલું. દેવીની કૃપાથી દેવકીના ઉદરે વિષ્ણુ અવતર્યા. ગર્ગનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી હતું. પુરાણ (ગર્ગસંહિતા અથવા ગર્ગપુરાણ) અનુસાર તે વૃષભાનુને ત્યાં ગયા તે સમયનું એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ આમ વર્ણવાયું છે : ‘તે છત્રધારી હતા તેથી તે ઇન્દ્રસમા લાગતા હતા. તેમણે દંડ ધારણ કરેલો હતો તેથી તે ધર્મરાજ યમ સમા લાગતા હતા. તેમના પ્રકાશથી દિશાઓ ઝળહળતી હતી તેથી તે સૂર્યસમા લાગતા હતા.’ યાદવોમાં તે પૂજ્ય ગણાતા હતા. ઉગ્રસેનની સભામાં તે ગયા ત્યારે પૂજ્ય પુરોહિત તરીકે તેમનું બહુમાન કરાયેલું. તેમણે ગર્ગસંહિતા રચી છે. તેમાં તેમની રસાર્દ્ર કવિતા તેમને ઉત્તમ કવિ સિદ્ધ કરે છે. ગર્ગસંહિતામાં તેમણે જે કૃષ્ણચરિત્ર ગાયું છે તે એમના પ્રત્યક્ષ અનુભવ અનુસારનું નિરૂપણ છે. તે ઉત્તમ ભક્ત હતા. શ્રીકૃષ્ણનું તેમનું દર્શન પરાત્પરતત્ત્વ તરીકેનું છે. વિષ્ણુ કરતાંય તે પરમતત્વ છે. ગોલોક વૈકુંઠ કરતાંય આગળનું તે પરમતત્વનું ધામ છે. શ્રીરાધા તેમનાં સંગિની છે એવી વિગતો ગર્ગપુરાણમાં મળે છે. તે ઉત્તમ જ્યોતિષી હતા એમ ભાગવતમાં કહેલું છે. આમ આ ગર્ગ વૈદિક મંત્રદ્રષ્ટા અને વૃદ્ધ ગર્ગસંહિતાના પ્રવક્તા ગર્ગ પછી સમયાન્તરે થયેલા છે. ગર્ગ ગોત્રમાં ઘણી વિભૂતિઓ થઈ ગઈ. જ્યોતિષશાસ્ત્રમાં ગર્ગ ગોત્રનું મોટું પ્રદાન છે.
હિંમતરામ જાની