ગરુડ (2) : પૌરાણિક આધાર મુજબ કશ્યપ પ્રજાપતિ અને વિનતાનો પુત્ર તથા સૂર્યના સારથિ અરુણનો નાનો ભાઈ. તાર્ક્ષ એટલે કે કશ્યપનો પુત્ર હોવાથી તાર્ક્ષ્ય કહેવાય છે. ઋક્સંહિતામાં તાર્ક્ષ્ય અને શ્યેન નામો છે. એક ખિલસૂક્તમાં તેને પરાક્રમી પક્ષી કહ્યો છે : શતપથ બ્રાહ્મણમાં તેને પક્ષીરાજ કહ્યો છે અને તેને સૂર્યના પ્રતીકરૂપે વર્ણવ્યો છે. ગરુડે સ્વર્ગલોકમાંથી આણેલો સોમ કે અમૃત તે સૂર્યમાંથી પ્રાપ્ત થતી પ્રાણશક્તિ છે એમ શતપથમાં કહ્યું છે. વૈદિક યાગ માટે થતા અગ્નિચયનમાં સુપર્ણ અને શ્યેન આકારની વેદિઓનું ચયન થતું. એ રીતે ગરુડ વૈદિક સાહિત્યમાં જાણીતો છે.
વૈદિક સોમાહરણની જેમ પુરાણોમાં ગરુડના સ્વર્ગલોકમાંથી અમૃત લાવવાની કથા ઘણી જાણીતી છે. કદાચ અમૃતાહરણની કથા વૈદિક સોમાહરણનું રૂપાન્તર હોય. મહાભારતમાં આ કથા સવિસ્તર મળે છે. કશ્યપની બે પત્નીઓ કદ્રુ અને વિનતા બહેનો હતી પણ શોક્ય તરીકે પરસ્પરની વિરોધી હતી. બંનેએ તેમની સેવાથી કશ્યપને પ્રસન્ન કર્યા. કશ્યપે તેમને ગમે તે એક વર માગવા કહ્યું. એક વર પ્રમાણે સહસ્ર પુત્રો થાય અને બીજા વર અનુસાર એક પુત્ર થાય. કદ્રુએ હજાર પુત્રોનું વરદાન માગ્યું. તેને હજાર સર્પો પુત્ર તરીકે મળ્યા. વિનતાને એક પુત્ર મળ્યો તે હતો ગરુડ. પછી કશ્યપ તો તપ કરવા વનમાં ચાલ્યા ગયા. ગરુડ પહેલાં વિનતાને એક પુત્ર થયેલો તે અપક્વ અવસ્થામાં જન્મ્યો હોઈ એના પગ નબળા હતા તેથી તે અનૂરુ – નિર્બળ ઊરુવાળો પણ કહેવાય છે. તે સૂર્યનો સારથિ થયો. વહેલી સવારે સૂર્યોદય પહેલાં જે રક્તરંગી પ્રકાશ હોય છે તે જ અરુણ. ગરુડ જન્મથી જ અત્યંત સામર્થ્યવાન હતો. જન્મ વખતે જ એનું તેજ એટલું બધું હતું કે ખુદ દેવો એ તેજથી અંજાઈ ગયેલા. અગ્નિના કહેવાથી ગરુડે પોતાનું તેજ ઓછું કરેલું. ગરુડના જન્મ પહેલાં વિનતા અને કદ્રુને વિવાદ થયો. ઇન્દ્રના ઉચ્ચૈ:શ્રવા અશ્વના પુચ્છના વાળ ધવલ છે એમ વિનતા કહે અને કાળા છે એમ કદ્રુ કહે. બંનેએ શરત કરી કે જે હારે તે વિજેતાની દાસી થાય. ઉચ્ચૈ:શ્રવા સમગ્ર શરીરે ધવલ હતો પણ કદ્રુએ તેના સર્પપુત્રોને ઉચ્ચૈ:શ્રવાના પૂંછડામાં સંતાડ્યા તેથી પુચ્છ કાળું દેખાયું અને પરાજિત વિનતાને કદ્રુની દાસી થવું પડ્યું. ગરુડના જન્મ પછી માતાને દાસીપણું કરતી જોઈ ગરુડને દુ:ખ થયું. માતાને દાસ્યમાંથી મુક્ત કરવાનો ઉપાય તેણે કદ્રુને પૂછ્યો. કદ્રુએ કહ્યું કે તું સ્વર્ગમાંથી અમૃત લાવી આપે તો તારી માતા મુક્ત થાય. માતાના આશીર્વાદ લઈ ગરુડ સ્વર્ગલોક તરફ ઊપડ્યો. માર્ગમાં તેણે નિષાદ લોકોનો સંહાર કર્યો. પછી કશ્યપને મળી તેમના કહેવા પ્રમાણે એક સરોવરમાં શત્રુભાવે રહેતા એક હાથી અને કાચબાને પકડી તે ઊડ્યો. એક વિશાળ વટવૃક્ષને જોઈ ગરુડ તેની ડાળે બેસવા ગયો તો ડાળ તૂટી ગઈ. એ ડાળ પર વાલખિલ્ય મુનિઓ તપ કરતા હતા એ જોઈ ગરુડે ડાળને ચાંચમાં પકડી લીધી. પછી તે કશ્યપ પાસે ગયો. કશ્યપે વાલખિલ્યોને પ્રસન્ન કર્યા અને તેમણે એ ડાળ છોડી દીધી. ગરુડની આ સેવાથી પ્રસન્ન થયેલા વાલખિલ્યોએ તેને આશીર્વાદ આપ્યા. ગરુડ સ્વર્ગલોકમાં પહોંચ્યો. ગરુડ અમૃત લેવા આવ્યો જાણી દેવો અમૃતની રક્ષા માટે તત્પર થયા. ગરુડ સાથે તેમનું યુદ્ધ થયું તેમાં દેવો પરાજિત થયા. અમૃતકુંભ પાસેના બે ર્દષ્ટિવિષ સર્પોની આંખમાં ધૂળ નાખી ગરુડે અમૃતકુંભ હરી લીધો અને કદ્રુને આપ્યો. કુંભને દર્ભાસન પર રાખી સર્પો સ્નાન કરવા ગયા તેટલામાં ઇન્દ્ર તે કુંભને હરી ગયો. સર્પો દર્ભાસનને ચાટવા લાગ્યા તેથી તેમની જીભ ચિરાઈ ગઈ.
છેક સ્વર્ગલોકથી ગરુડ અમૃતકુંભ પૃથ્વી પર લાવ્યો છતાં એણે એ કુંભને અબોટ્યો રાખ્યો. શુદ્ધતા માટે તેની આ નિષ્ઠા જોઈ શ્રી વિષ્ણુએ તેને પોતાના ધ્વજમાં રાખ્યો અને તેને વાહન બનાવ્યો. ઇન્દ્રે પણ તેની સાથે મિત્રતા કરી.
ગરુડની બહેન સુમતિ ઇક્ષ્વાકુવંશી પ્રસિદ્ધ સગર રાજાની પત્ની હતી. તેને સાઠ હજાર પુત્રો થયા હતા. સગર રાજાના અશ્વમેધના અશ્વને શોધતાં તે બધા કપિલ મુનિના ક્રોધાગ્નિમાં બળી ભસ્મ થઈ ગયા. સગરના પૌત્ર ભગીરથે સ્વર્ગંગાને ભૂમિ પર આણી તેમનો ઉદ્ધાર કરેલો.
વિશ્વામિત્રના શિષ્ય ગાલવને ગુરુદક્ષિણામાં આઠસો શ્યામકર્ણ અશ્વો મેળવી આપવામાં ગરુડે સહાય કરેલી.
બ્રહ્માંડપુરાણમાં ગરુડની પાંચ પત્નીઓ — ભાસી, શ્યેની, શુકી, ધાર્તરાષ્ટ્રી અને ક્રૌંચીનાં નામ છે. ગરુડથી ભાસીનાં સંતાનો ભાસ પક્ષીઓ થયાં. શ્યેનીનાં ગરુડ પક્ષીઓ થયાં, શુકીના શુક જાતિનાં સંતાન થયાં, ધાર્તરાષ્ટ્રીનાં હંસ આદિ જલચર પક્ષીઓ થયાં અને ક્રૌંચીના ક્રૌંચ જાતિનાં પક્ષી થયાં.
શ્રી વિષ્ણુની કૃપાથી ગરુડે કશ્યપને ગરુડપુરાણ કહ્યું.
ગરુડ જાતિના ગારુડી લોકોની એક જાતિ હજીય ક્યાંક ક્યાંક મળે છે. ગારુડીઓ સર્પવિદ્યા કે ગરુડવિદ્યા જાણે છે. ગારુડીવિદ્યા વિષવિદ્યા છે. નાગજાતિ સાથે ગરુડ જાતિનું સ્વભાવવૈર છે. ગરુડો હવે લુપ્તપ્રાય છે. નાગજાતિ ભારતની અગ્નિ દિશામાં વસે છે.
વિષ હરનાર મણિ ગારુડ મણિ તરીકે ઓળખાય છે.
ગરુડની મૂર્તિ ચાંચ અને પાંખોવાળા માનવની આકૃતિની હોય છે. તેને બે, ચાર કે આઠ હાથ હોય છે. પીઠે પાંખો ઉપર શ્રી વિષ્ણુ બેઠેલા પણ બતાવાય છે. શિવમંદિરોમાં જેમ શિવની સમક્ષ નંદીની મૂર્તિ હોય છે તેમ વિષ્ણુમંદિરોમાં ગરુડની મૂર્તિઓ રહેતી. ગરુડની મૂર્તિ હોય એવા ગરુડસ્તંભો પણ રહેતા. ગરુડના એક હાથમાં અમૃતકુંભ બતાવાતો. શ્રૌત ચયનયાગોમાં અગ્નિની વેદિરૂપે શ્યેન કે સુપર્ણના આકારની ઈંટોના પાંચ થરની આકૃતિઓ રહેતી તે શ્યેનચિતિ કે સુપર્ણવેદિ કહેવાતી. આ ગરુડાકાર ચિતિઓના નિર્માણનો મોટો વિધિ કેટલાય દિવસ ચાલતો. આહિતાગ્નિઓ આ વેદિઓ પર શ્રૌત અગ્નિ રાખતા.
ગરુડનો મહિમા મોટો છે. ગરુડની ત્રિપદા ગાયત્રીનો મંત્ર પણ છે.
નટવરલાલ યાજ્ઞિક