ગરીબદાસ (2) (જ. 1717, છુદાની, પંજાબ; અ. 1778, છુદાની, પંજાબ) : ગરીબ પંથના સ્થાપક ભારતીય સંત. આ ગરીબદાસ હાલના હરિયાણામાં વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ્યા હતા. તે જાટ હતા. એમનું કુટુંબ વ્યવસાયે ખેડૂત હતું. તેમના પિતા જમીનદાર હતા. પ્રચલિત માન્યતા અનુસાર બાર વર્ષના ગરીબદાસને સંત કબીરનું દર્શન થયું ત્યારથી તેમણે કબીરને જ ગુરુપદે સ્થાપ્યા અને નિર્ગુણ ઉપાસક થયા. ગરીબદાસ ગૃહસ્થી સંત હતા. ભક્તિની સાથે જ તેમણે સાંસારિક જવાબદારી પણ નિભાવી હતી. તેમણે ગરીબપંથની સ્થાપના કરી. એમનો અનુયાયીવર્ગ બહોળો હતો. ગરીબદાસ પોતે તો તેમના વતનમાં જ રહ્યા પણ તેમના અનુયાયીઓએ તેમના પંથનો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સારો પ્રચાર કર્યો. અનેક ગામોમાં ગરીબપંથના સ્થાનકો ‘ડેરા’ના નામથી સ્થપાયેલાં છે.
ગરીબદાસની સાધુતાના કેટલાક ચમત્કારો લોકપ્રસિદ્ધ છે. તત્કાલીન મુસ્લિમ રાજ્યકર્તાએ તેમને કારાવાસમાં પૂરેલા ત્યારે ચમત્કારિક રીતે તે કારાવાસમાંથી નીકળી ગયા હતા. તેમની જીવનપ્રણાલી અને સંતપણાના પ્રભાવે કરી ઘણા નાસ્તિકો શ્રદ્ધાળુ આસ્તિક બનેલા.
ગરીબદાસમાં ભક્તિ અને પાંડિત્ય એકરસ થયેલાં હતાં. તેમની વાણીમાં ભક્તની પ્રતીતિ અને અનુભૂત પાંડિત્ય હતાં. તેમના ગ્રંથ ‘હિંકરબોધ’માં ચોવીસ હજાર સાખીઓ છે. એમ કહેવાય છે કે તેમાંની સત્તર હજાર સાખીઓ ગરીબદાસની છે અને શેષ સાખીઓ કબીરની છે. તેમની સત્તર હજાર સાખીઓમાંથી પસંદ કરેલી સાખીઓનો એક સંગ્રહ ‘ગરીબદાસ કી બાની’ પ્રકાશિત થયેલો છે. ગરીબદાસની સાખીઓ ચોટદાર અને પ્રતીતિકર છે અને કબીરની સાખીઓની યાદ અપાવે એવી સરસ છે.
નટવરલાલ યાજ્ઞિક