ગરીબદાસ (1) (જ. 1566, સાંભર, રાજસ્થાન; અ. 1636, નરાને, સાંભર) : ભારતના એક જ્ઞાની સંત, સંત દાદૂ દયાળના પુત્ર. તે નિર્ગુણોપાસક હતા. તે કુશળ વીણાવાદક અને ગાયક પણ હતા. મોટે ભાગે તે વતનની આસપાસમાં રહેતા. સંત દાદૂ દયાળના અવસાન પછી તેમની ગાદી ગરીબદાસને મળી હતી પણ ગરીબદાસે તે સ્વીકારેલી નહિ. તેમણે વિપુલ સાહિત્ય રચ્યાનું કહેવાય છે. પણ હાલ તેમની એક કૃતિ ‘અનભૈ પ્રબોધ’ અને કેટલીક છૂટક સાખીઓ તથા પદો ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ સાહિત્ય ‘ગરીબદાસ કી બાની’ એ નામથી જયપુરથી પ્રકાશિત થયું છે. ત્યાંના લોકોએ ગરીબદાસની સ્મૃતિમાં એક તળાવ બાંધ્યું અને તેને ગરીબસાગર નામ આપ્યું. દાદૂ દયાળની જેમ ગરીબદાસ પણ પ્રસિદ્ધ સંત હતા.

નટવરલાલ યાજ્ઞિક