ગરાસિયા : ગુજરાતમાં ભીલ જાતિના પેટાજૂથ તરીકે અને રાજસ્થાનમાં એક સ્વતંત્ર જાતિજૂથ તરીકે ઓળખાતા લોકો. તેઓ પોતાને મૂળે ચિતોડના પતન પછી જંગલમાં નાસી ગયેલા અને ભીલો સાથે સ્થાયી થયેલા પણ મૂળ રજપૂત વંશના ગણાવે છે. તેમના આગેવાનોએ રાજા પાસેથી ખેતી માટે જે જમીન ભેટમાં મેળવેલી તે ગરાસ – ગ્રાસ તરીકે ઓળખાય છે. તે પરથી તેઓ ગરાસિયા કહેવાયા હશે. તેમની મુખ્ય વસ્તી રાજસ્થાનમાં સિરોહી, ઉદેપુર, પાલી અને ડુંગરપુર જિલ્લામાં, ગુજરાતમાં સાબરકાંઠામાં મેઘરજ, ભિલોડા, વિજયનગર અને ઈડર તાલુકામાં તથા બનાસકાંઠામાં પાલનપુર, દાંતા અને વડગામ તાલુકામાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં રહેતા રજપૂતોમાં પણ ગરાસિયાની મોટી વસ્તી છે.

તેઓ મુખ્ય ત્રણ પેટાજાતિ જૂથો : (1) સોકલા ગરાસિયા, (2) ડુંગરી ગરાસિયા અને (3) ભીલ ગરાસિયામાં વહેંચાયેલા છે, જેઓ ચડતો-ઊતરતો દરજ્જો ધરાવે છે અને લગ્નનિષેધ પણ રાખે છે. આશરે 150 જેટલાં ગોત્રો પૈકી મુખ્ય ગોત્રોમાં પરમાર, ચૌહાણ, સોલંકી અને થાઇવાર છે જેમાંનું દરેક ઘણાં પેટાગોત્રોમાં વહેંચાયેલું છે. આ દરેક ગોત્ર 25 જેટલાં ગોત્ર દેવ-દેવીઓ સાથે સંકળાયેલું છે તથા દરેક ગોત્ર કે કુળદેવી-દેવતા અંગેની ઉત્પત્તિ દંતકથા છે. તે પિતૃવંશીય પિતૃસ્થાની અને પિતૃસત્તાક એવી એક પિતાની છત્રછાયામાં રહેલી કુટુંબવ્યવસ્થામાં રહેતા જોવા મળે છે. મિલકત પિતાને હસ્તક હોય છે. છોકરા-છોકરી લગ્નસાથીની પસંદગીમાં, મિલકતમાં, છૂટાછેડા, પુનર્લગ્ન તથા પંચ પાસે ન્યાય માગવામાં સરખી સ્વતંત્રતા તથા સરખો અધિકાર ધરાવે છે.

તે ખેતી ઉપરાંત શિકાર, છૂટક મજૂરી તથા ખેતમજૂરી કરતા આવ્યા છે. શિક્ષણના વિકાસને પરિણામે સરકારી નોકરીઓમાં તથા શિક્ષણક્ષેત્રે કામ કરવાનું વલણ વધ્યું છે. તેઓ ઘણાં હિંદુ દેવદેવીઓ અંબા, શંકર, રામ, શામળિયો ભગવાન, ચામુંડા, કાળકા, જોગણી, ગણેશ, ભૈરવ, હનુમાન, શેષનાગ, ઇન્દ્ર, શીતળા માતા વગેરેની સાથોસાથ ભૂત, પ્રેત, ડાકણ વગેરે મેલાં તત્ત્વોમાં પણ શ્રદ્ધા ધરાવે છે. ભોપો તેમનો ધાર્મિક વડો છે. મૃત પિતૃઓના પાળિયા  ચીરા મૂકે છે અને સાંપ્રદાયિક અસરમાં આવેલા દેરી બનાવે છે. આઝાદી પહેલાં મોતીલાલ તેજાવતના આંદોલનની તથા ભક્તિ સંપ્રદાય અને ખ્રિસ્તી મિશનરીઓની અસરમાં આવવાને પરિણામે તેમનાં સામાજિક-ધાર્મિક માન્યતાઓ અને આચારોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઉપરાંત લગ્નની બાબતમાં પોતાની જાતિ કરતાં પોતાના સાંપ્રદાયિક વર્તુળમાં લગ્નનો આગ્રહ રખાતો જોવા મળે છે. સામાજિક નિયંત્રણ સ્વરૂપે ફળિયા-પંચ, ગામપંચ, પ્રદેશ-પટ્ટા પંચ તથા સમગ્ર ગરાસિયા જાતિપંચની રચના થયેલી છે જે સામાજિક ઝઘડા ઉપરાંત મારામારી, ચોરી, લૂંટ, ખૂન વગેરે જેવી બાબતોમાં હજુ પણ પોતાની અસરકારકતા દર્શાવે છે. તેમની ઉત્તરાયણ, દિવાળીના દિવસોમાં ગવાતો ‘હડેલો’, હોળી અને ગૌરી નૃત્યો વિશિષ્ટ સાંસ્કૃતિક લોકઉત્સવ અને લોકવાઙ્મયનો પરિચય કરાવે છે.

અરવિંદ ભટ્ટ