ગદ્દાફી, મુઅમ્મર કર્નલ (જ. 7 જૂન 1942, સિરટે, મિસ્રાના, લિબિયા; અ. 20 ઑક્ટોબર 2011, લિબીયા) : ઉત્તર આફ્રિકાના તેલસમૃદ્ધ દેશ લિબિયાના રાજકીય નેતા. પિતા અર્ધવિચરતી આદિવાસી જાતિના ઘેટાં ચરાવનાર ભરવાડ હતા. માધ્યમિક સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી ગદ્દાફી લિબિયાની મિલિટરી કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી 1965માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે પણ તેઓ રાજકીય રીતે સક્રિય હતા. સત્તા મેળવવા માટે તેમણે ઇજિપ્તના ગમાલ અબ્દુલ નાસરના અધિકારીઓની સાથે મળીને ખાનગી અધિકારીઓનું એક મંડળ ઊભું કર્યું હતું.

મુઅમ્મર કર્નલ ગદ્દાફી

ગદ્દાફી અને તેના સાથીદારોએ લિબિયાના રાજા ઇદરીશ અલ્ સાનુસી પહેલાનું શાસન લશ્કરી બળવા દ્વારા સપ્ટેમ્બર 1969માં ઉથલાવી પાડ્યું. ક્રાંતિકારી કમાન્ડ કાઉન્સિલના તેઓ ચૅરમૅન બન્યા. તેમણે બિનજોડાણની નીતિ અખત્યાર કરી અને તે દ્વારા બ્રિટન અને અમેરિકાનાં બાકી રહેલાં લશ્કરી થાણાં લિબિયામાંથી પાછાં ખેંચાવી લીધાં.

ગદ્દાફીના નેતૃત્વ હેઠળ લિબિયા મધ્ય-પૂર્વ અને આફ્રિકાને લગતી બાબતોમાં સક્રિય રીતે દરમિયાનગીરી કરતું રહ્યું છે. 1970ના પૂર્વાર્ધમાં ઇજિપ્ત, સીરિયા અને ટ્યૂનિસિયાને સાથે ભેળવીને એક સમવાયતંત્ર (સંઘ) રચવાનો તેમણે અસફળ પ્રયાસ કર્યો હતો. તેમણે પૅલેસ્ટાઇનના ગેરીલાઓના શસ્ત્રસંઘર્ષને પૂરેપૂરો ટેકો આપ્યો હતો.

ઘરઆંગણે ગદ્દાફીએ લોકપ્રિય સમિતિઓ અને કૉંગ્રેસ-આધારિત શાસન સ્થાપ્યું, જેમાં માર્ચ 1977માં પોતાને પ્રમુખ તરીકે જાહેર કરીને બહુજન ગણતંત્ર(mass republic)ની ઘોષણા કરી. તેમણે પોતાના આરબ સોશિયાલિસ્ટ યુનિયન (ASU) સિવાયનાં બાકીનાં બધાં રાજકીય સંગઠનો ઉપર પ્રતિબંધ મૂક્યો. દેશમાં જે પ્રકારનો સમાજવાદ દાખલ કર્યો તેમાં પરંપરાગત આદિવાસી નેતા અને શહેરી ઉમરાવોની સત્તાને ઉવેખીને ખાનગી માલિકીની મિલકતો અને ધંધા પર પ્રતિબંધો મૂક્યા, બધી ખાનગી તેલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. ગદ્દાફી એક વખત મુસ્લિમ મૌલવીઓના દૃષ્ટિકોણનો વિરોધ કરતા હતા, પરંતુ ત્યારપછી તેમણે પોતાની વ્યક્તિગત હેસિયતથી ઇસ્લામનું અર્થઘટન કર્યું કે તેમના અનુયાયીઓ અને અલ્લાહની વચ્ચે સીધો સંબંધ છે અને કુરાન એ કાયદાનો એકમાત્ર સ્રોત છે. મુસ્લિમ કટ્ટરતાવાદી અને ઝનૂની આરબ રાષ્ટ્રવાદી તરીકે તેમણે 1973માં દેશમાં સાંસ્કૃતિક ક્રાંતિ દાખલ કરી અને તેના પાયા તરીકે કુરાનને સ્થાપ્યું.

1979માં ગદ્દાફીએ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું, પણ આરબ સોશિયાલિસ્ટ યુનિયન અને લશ્કરના વડા તરીકે તેઓ ચાલુ રહ્યા.

તેમના નેતૃત્વ નીચે લિબિયાનાં દળો 1980માં ચાડમાં ત્યાંના પ્રમુખ કર્નલ ગોઉકાઉની ઔડેઇનને મદદ કરવા દાખલ થયાં હતાં. ચાડ અને લિબિયા ભળી જશે એવું પણ તેમણે 1981માં જાહેર કર્યું હતું, પરંતુ હજુ તે દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.

લિબિયાના બે આતંકવાદી નાગરિકોએ ડિસેમ્બર, 1988માં અમેરિકાના એક નાગરિક વિમાનમાં બૉમ્બ મૂકવાથી એ વિમાન સ્કૉટલૅન્ડમાં તૂટી પડ્યું હતું. 270 માણસોએ જાન ગુમાવ્યા હતા. પાછળથી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સી.આઈ.એ.એ આ નાગરિકોનાં નામ શોધી કાઢ્યાં હતાં અને તેમને અમેરિકાને સોંપી દેવા માગણી કરી હતી, જેનો ગદ્દાફીએ સ્વીકાર ન હતો કર્યો, પરિણામે આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા. આથી 1992માં યુનોએ લિબિયા પર પ્રતિબંધો લાદ્યા. એપ્રિલ 1999માં લિબિયાએ વિમાન અકસ્માતમાં સંડોવાયેલા બે શકમંદોને સુપરત કર્યા. પછીથી ગદ્દાફીએ સામૂહિક વિનાશનાં શસ્ત્રો અંગેના કાર્યક્રમનો અંત લાવવાનું વચન આપતાં સપ્ટેમ્બર 2004માં અમેરિકાએ લિબિયા વિરુદ્ધ મૂકેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા. એથી પ્રેરાઈને લિબિયાએ તેની તેલ અને વાયુપેદાશોનું કામ અમેરિકાની ઊર્જા કંપનીઓને સોંપ્યું. પરિણામે બંને દેશો વચ્ચેના વિદેશ સંબંધો મે 2006માં પુન:સ્થાપિત થયા અને રાબેતા મુજબના બન્યા.

સરમણ ઝાલા