ગઢવી, ભીખુદાન (જ. 19 સપ્ટેમ્બર 1948, ખીજદડ, જિ. પોરબંદર) : ગુજરાતી લોકસંગીતના અગ્રણી કલાકાર. પિતાનું નામ ગોવિંદભાઈ. વતન માણેકવાડા, જિલ્લો જૂનાગઢ. અભ્યાસ ધોરણ 10 સુધી. વ્યવસાયે ખેડૂત; પરંતુ આકાશવાણી, દૂરદર્શન તથા જાહેર કાર્યક્રમોમાં લોકસંગીતના પ્રસ્તુતીકરણમાં વ્યસ્ત રહે છે. તેમને ગાવાની કલા વારસામાં સાંપડી છે. તેમણે ગુજરાતમાં ઠેર ઠેર તથા સમગ્ર ભારતના જુદા જુદા પ્રદેશોમાં લોકસંગીતના જાહેર કાર્યક્રમો આપી ગુજરાતી લોકસંગીતના પ્રસાર-પ્રચારમાં નોંધપાત્ર યોગદાન કર્યું છે. તેમની આશરે 300 જેટલી ઑડિયો કૅસેટો જુદા જુદા સ્ટુડિયોના માધ્યમથી બહાર પડી છે. આ ઉપરાંત, તેમના લોકસંગીતના જીવંત કાર્યક્રમોની વીડિયો કૅસેટો પણ બહાર પડી છે. તેઓ તેમના લોકસંગીતના કાર્યક્રમોમાં ગુજરાતી લોકસાહિત્ય અને ગ્રામસંસ્કારોનું જતન કરવા પર વિશેષ ભાર મૂકતા હોય છે.

ભીખુદાન ગઢવી

તેમના અત્યાર સુધી દેશમાં થયેલ જાહેર કાર્યક્રમો ઉપરાંત વિદેશમાં જે કાર્યક્રમો થયા છે તેમાં દુબઈ, અબુધાબી, શારજાહ, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, કૅનેડા, અમેરિકા, આફ્રિકા ઇન્ડોનેશિયા, મોરેશિયસ ઉપરાંત વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીભાષી લોકો વસે છે તેમાંના લગભગ બધાં જ નગરોનો સમાવેશ થાય છે.

અમદાવાદ દૂરદર્શન પરથી તેમની જે શૃંખલા ‘કાઠિયાવાડના કાંગરેથી’ પ્રસારિત થઈ હતી તે ખૂબ લોકપ્રિય બની હતી. અમદાવાદ દૂરદર્શન ઉપરાંત ઝી ટી.વી. (ગુજરાતી), આલ્ફા અને ઈ. ટી.વી. જેવી ચૅનલો પર પણ તેમના જીવંત અને ધ્વનિમુદ્રિત કાર્યક્રમોનું પ્રસારણ થયું છે. મનોરંજન સાથે ધાર્મિક ઓપ અને સંસ્કારસભરતા  એ તેમના કાર્યક્રમોની વિશેષ લાક્ષણિકતા હોય છે, જે શ્રોતાઓ પર સચોટ અસર ઉપજાવે છે.

ગુજરાત સરકારે તેમને વર્ષ 2002-03ના ગૌરવ પુરસ્કારથી સન્માન્યા છે. 2009માં સંગીત નાટક અકાદમી તરફથી અકાદમી પુરસ્કાર, 2009માં દુલા ભાયા કાગ ઍવૉર્ડ અને 2016માં પદ્મશ્રીથી સન્માનિત થયા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે