ગડ આલા પણ સિંહ ગેલા (1904) : મરાઠી નવલકથાકાર હરિ નારાયણ આપટેની શિવાજીવિષયક ઐતિહાસિક નવલકથા. આ કૃતિએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડેલી અને લોકોને વિદેશી આક્રમણથી દેશનું રક્ષણ કરવાની પ્રેરણા આપેલી. ઉદયભાન નામનો સૈનિક સ્વાર્થી, સુખલોલુપ રજપૂત છે. પોતાનો સ્વાર્થ સાધવા એ ધર્માન્તર કરે છે અને બીજા દેશપ્રેમી, ધર્મભીરુ તથા સાત્વિક વૃત્તિના રજપૂત જગતસિંહ પર આક્રમણ કરીને એની હત્યા કરે છે. એની પત્ની કમલકુમારી સતી થવા જાય છે ત્યાં એને કેદ કરી, ઉદયભાન એની જોડે નિકાહ પઢવાની તૈયારી કરે છે. એવામાં શિવાજીનો સરદાર તાનાજી માલુસરે આવી પહોંચે છે અને ઉદયભાનને મારે છે અને કમલકુમારીને છોડાવે છે. કમલકુમારી પતિની પાછળ સતી થાય છે.
આ કથામાં છત્રપતિ શિવાજી નાયક છે. નવલકથામાં એને લોકોના આદર્શ પુરુષ તરીકે નિરૂપ્યો છે. વૃદ્ધ શામર મામાનો વાત્સલ્યપ્રેમ એની પર વરસે છે. એ રાયજી જેવા કિશોરનો આદર્શ બને છે. તાનાજી જેવા વીરપુરુષને ઘડે છે. તાનાજીના કહ્યા વિના એ તાનાજીના મનોવ્યાપારને વાંચી શકે છે. આ નવલકથાને અંતે તાનાજી કમલકુમારીને ઉદયભાનના પંજામાંથી છોડાવે છે, એથી ઘણા માને છે કે તાનાજી કથાનો નાયક છે. કથામાં ઉદયભાનનું, તાનાજીનું તથા શિવાજીનું પાત્ર ઐતિહાસિક છે; પરંતુ જગતસિંહ તથા કમલકુમારીનાં પાત્રો કાલ્પનિક છે. નવલકથામાં ઐતિહાસિક કથાનક લઈને લોકોમાં ધર્મભાવના અને રાષ્ટ્રપ્રેમ જગાડવાનો ઉદ્દેશ એ સફળતાથી પાર પાડી શક્યા છે. મરાઠી ઐતિહાસિક નવલકથામાં આ કૃતિનું સ્થાન ઘણું ઊંચું છે. ‘ગડ આલા પણ સિંહ ગેલા’ શિવાજીવિષયક લખાયેલી નવલત્રયીમાંની બીજી છે. સિંહગડ દુર્ગ પર વિજય મેળવવાની લડાઈમાં શિવાજીના સૈનિકોને ફતેહ મળી ખરી પરંતુ તેમાં તાનાજીને શહાદત વહોરવી પડી. આ સમાચાર સાંભળતાં જ શિવાજી બોલી ઊઠ્યા હતા : ‘ગડ આલા પણ સિંહ ગેલા.’
લલિતા મિરજકર