ગડકરી, નિતીન જયરામ (જ. 27 મે 1957, નાગપુર) : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ભારતના ‘હાઇવે મેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય પ્રધાન.

પિતા જયરામ અને માતા ભાનુતાઈ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સ્વામી રામાનંદ તીર્થ મરાઠાવાડા યુનિવર્સિટી(SRTMU)અને બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી(BAMU) દ્વારા માનદ્ ડી.લિટ.ની પદવી આપવામાં આવી છે. તેઓ વ્યવસાયે વકીલ છે.

તેઓ કિશોરાવસ્થાથી ભારતીય જનતા પક્ષના યુવા મોરચા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા. તેઓ 1995થી 1999 સુધી મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગના મંત્રી રહ્યા. તેમણે રાજ્યભરમાં ધોરીમાર્ગો અને ફ્લાય ઓવર્સનું નિર્માણ કરાવ્યું. મુંબઈ પુણે એક્સપ્રેસવેનું નિર્માણ ઝડપી બનાવવા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મુંબઈમાં 55 ફ્લાય ઓવર્સનું બાંધકામ કરાવી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી હતી. તેઓ 20 જુલાઈ, 1990થી 16 મે, 2014 સુધી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પદે રહ્યા. 23 ઑક્ટોબર, 1999થી 11 એપ્રિલ, 2005 સુધી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે 5 એપ્રિલ, 2005થી 22 ડિસેમ્બર, 2009 સુધી મહારાષ્ટ્ર રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે સેવા આપી.તેમણે 23 ડિસેમ્બર, 2009થી 23 જાન્યુઆરી, 2013 સુધી ભારતીય જનતા પક્ષના નવમા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કર્યું. પ્રમુખ તરીકે તેમણે દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયના સિદ્ધાંતો પર ભાર મૂક્યો. 2014અને 2019ની લોકસભાની ચૂંટણી જીતી તેઓ સાંસદ બન્યા. 4 જૂન, 2014થી 9 નવેમ્બર,2014 સુધી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ, 26 મે, 2014થી 30 મે, 2019 સુધી શિપિંગ અને 3 સપ્ટેમ્બર, 2017થી 30 મે, 2019 સુધી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને 30 મે, 2019થી 7 જુલાઈ, 2021 સુધી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી રહ્યા. 26 મે, 2014થી કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં સૌથી લાંબી સેવા આપનાર મંત્રી છે.

કેન્દ્ર સરકારે તેમને રાષ્ટ્રીય ગ્રામીણ માર્ગ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા ત્યારે તેમણે અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને આપ્યો હતો. જેથી ₹600 બિલિયનની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં આવી. તેમને 2020-21 માટે સંસદના સૌથી કાર્યક્ષમ સાંસદ તરીકે પબ્લિક લાઇબ્રેરી, નાસિક દ્વારા સ્વર્ગસ્થ માધવરાવ લિમયે ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓ માટે ભારતના ‘હાઇવેમેન’ તરીકે જાણીતા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશમાં માર્ગનિર્માણની ગતિ 2 કિલોમીટર/દિવસથી વધીને 2020માં 36 કિલોમીટર/દિવસ થઈ. ગ્રીન ઇંધણ અપનાવવા તેઓ હાઈડ્રોજન સંચાલિત FCEV ટોયેટા મિરાઈકારમાં સંસદ ગયા હતા.

તેમણે તેમની કારકિર્દી દરમિયાન સંખ્યાબંધ ખાનગી ઉદ્યોગો અને કંપનીઓની સ્થાપના કરી છે. એમાં પોલિસેક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી લિમિટેડ, નિખિલ ફર્નિચર એન્ડ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ, અંત્યોદય ટ્રસ્ટ, એમ્પ્રેસ એમ્પ્લોઇઝ કો-ઓપરેટિવ પેપર મિલ્સ લિમિટેડ, પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.

 અનિલ રાવલ